Surat News: સુરતના કાપોદ્રા વિસ્તારમાંથી ગત 8 નવેમ્બરે 20 વર્ષીય ગુમ થયેલી યુવતીનો મૃતદેહ તાપી નદીમાંથી મળી આવ્યો છે. યુવતી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની આશંકા સાથે પરિવારજનો દ્વારા ન્યાયની માગ કરવામાં આવી છે. આજે ભારે રોષ સાથે પરિવાર અને સમાજના આગેવાનો સહિતના લોકો યુવતીની અર્થીને લઇને કાપોદ્રા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને ન્યાયની માગ કરી હતી. પોલીસ દ્વારા તટસ્થ તપાસની ખાતરી આપવામાં આવતા મામલો થાળે પડ્યો હતો.
બનાવની પ્રાપ્ત વિગત અનુસાર કાપોદ્રા વિસ્તારમાં દિન દયાળ સોસાયટીમાં રહેતા અરવિંદ આલોદરાની 20 વર્ષીય યુવતી અનિતા 8 નવેમ્બર, શુક્રવારની રાતે ગુમ થઇ હતી. પરિવાર દ્વારા અનિતાની શોધખોળ આદરવામાં આવી હતી પરંતુ મળી ન હતી. શનિવારે 9 નવેમ્બરે સવારે સિદ્ધકુટીર નજીક તાપી નદીમાંથી યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. યુવતીના મૃતદેહ અંગે જાણ થતાં કાપોદ્રા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને પીએમ અર્થે ખસેડવાની કાર્યવાહી કરી હતી.
કોઇ અઘટીત ઘટના બની હોવાની આશંકાના પગલે પેનલ પીએમ પોલીસ દ્વારા કરાવાયું હતું.જોકે ડૂબી જવાના કારણે મોત થયું હોવાનું તબીબોએ પ્રાથમિક તારણ આપ્યું હતું. બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બીજી તરફ યુવતી સાથે દુષ્કર્મ અથવા શારીરિક અડપલા થયા હોવાની શંકા સાથે પરિવારજનો દ્વારા ન્યાયની માગ કરવામાં આવી છે. મૃતક યુવતીનો પરિવાર અને સમાજના લોકો યુવતીની અર્થી લઇને પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.
દીકરી સાથે કોઈ અઘટીત ઘટના બની હોવાની શંકાઃ હિંમતભાઈ
આ અંગે વાલ્મિકી સમાજના આગેવાન હિંમતભાઈએ જણાવ્યું હતું કે, યુવતી સમાજની દીકરી છે. દીકરી જોડે કોઈ અઘટીત ઘટના બની હોવાની શંકા છે, જેથી ઊંડાણપૂર્વકની તપાસ થવી જરૂરી છે. પોલીસ પાસે સમાજ અને પરિવાર માંગ કરી રહ્યું છે કે, યુવતીનું મોત ક્યાં કારણોસર અને કેવી રીતે થયું તેની તપાસ કરવામાં આવે. આ માત્ર અમારા પરિવારની દીકરી નથી, પરંતુ સમગ્ર સમાજની દીકરી છે. દીકરીને અન્યાય મળવો જોઈએ.
કાપોદ્રા પોલીસ મથકે મોટી સંખ્યામાં સમાજના લોકો એકઠા થયા હતા અને ન્યાયની માગ કરી હતી. પોલીસ દ્વારા સમાજના લોકો અને પરિવારજનોને સમજાવવામાં આવ્યા હતા અને તટસ્થ તપાસની ખાતરી આપવામાં આવી હતી. પોલીસ તરફથી યોગ્ય અને તટસ્થ તપાસની ખાતરી આપવામાં આવ્યા બાદ સમગ્ર મામલો થાળે પડ્યો હતો. પોલીસની સમજાવટ બાદ પરિવારજનો યુવતીનો મૃતદેહ લઇને અંતિમવિધિ માટે રવાના થયો હતો.જોકે, યુવતીના મોત પાછળનું સાચું કારણ શું છે તે પોલીસની ઊંડાણપૂર્વકની તપાસ બાદ બહાર આવી શકે તેમ છે.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube