Surat News: દિવાળીના તહેવારને લઈને માર્કેટમાં ખરીદીનો માહોલ જોવા મળે છે. તો બીજી તરફ સુરત શહેર પોલીસ દ્વારા બેંકમાંથી નાણા હેરાફેરી કરતા સમયે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું, જ્વેલર્સ સંચાલકોએ કેવા પ્રકારની તકેદારીઓ રાખવી, તેમજ ચીલ ઝડપથી કેવી રીતે બચી શકાય તે પ્રકારે અલગ અલગ પોસ્ટ માધ્યમથી લોકોને જાગૃત કરવા એક અભિયાન હાથ ધર્યું છે.આગામી સમયમાં દિવાળી સહિતના તહેવારો આવી રહ્યા છે. તહેવાર દરમિયાન બેન્કોમાંથી રૂપિયાની લેવડ દેવડ પણ વધુ પ્રમાણમાં થતી હોય છે ત્યારે ચોરી, લૂંટ, ચીલઝડપ જેવી કોઈ અનિચ્છનિય ઘટના ન બને અને લોકો સાવચેત રહે અને તકેદારીઓ રાખે તે માટે પોલીસ દ્વારા હવે બેન્કો બહાર બેનરો લગાડવામાં આવ્યા છે.
સુરતના લાલગેટ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પણ મોટી ખરીદી માર્કેટ, જ્વેલર્સની દુકાન, તેમજ બેંકો આવેલી છે. ત્યારે માર્કેટમાં લોકોએ ખરીદી કરતા સમયે કેવી તકેદારી રાખવી, આ ઉપરાંત બેંકોમાંથી નાણાંની હેરાફેરી કરતા સમયે કઈ બાબતની તકેદારી રાખવી કે તમામ બાબતોના સૂચનો દર્શાવતા પોસ્ટરો બેંકોના એન્ટ્રી ગેટ પર લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત બેંકોના એટીએમમાં પૈસા ઉપાડવા આવતા લોકોને પણ રોકડ લઈ જતી સમયે કઈ તકેદારી રાખવી તે બાબતની સમજ પોલીસ દ્વારા આપવામાં આવી હતી.આ બેનરની અંદર લોકોએ શું-શું તકેદારીઓ રાખવી તે અંગેની માહિતી આપવામાં આવી છે. બેન્કમાં આવતી વખતે લોકો સ્પષ્ટપણે આ બેનર વાંચી શકે અને તકેદારીઓ રાખે તે મુજબ આ બેનરો લગાડવામાં આવ્યા છે.
તહેવારના દિવસોમાં વધુ પડતી ભીડની આડમાં બનતા અણબનાવ અને બેંકમાં થતાં ઉપાડ અને જમાના વ્યવહાર દરમિયાન ગ્રાહકો સાથે કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે સુરત શહેર પોલીસ દ્વારા નાગરિકોમાં જાગૃતિ કેળવવાના આશયથી કાળજી લેવા માટે શું કરવું એના પગલાં જણાવતાં બેનરો વિવિધ બેંકોમાં લગાવવમાં આવ્યા pic.twitter.com/CAZL5JAE0G
— Surat City Police (@CP_SuratCity) October 19, 2024
- નાણાની હેરફેર કરતાં સમયે પોતાની સાથે એક વ્યક્તિને રાખવો જોઈએ.
- આ ઉપરાંત નાણાની હેરાફેરી માટે મજબૂત થેલાનો ઉપયોગ કરવો જોઈએ.
- અજાણી વ્યક્તિને નાણાં ગણવા કે ચેક કરવા આપવા જોઈએ નહીં અને જો પૈસા નીચે પડી જાય તેવું કોઈ કહે તો તેની વાતમાં આવવું નહીં.
- આ ઉપરાંત ગાડી ડિકીમાં પૈસા મૂક્યા બાદ કોઈપણ સ્થળે ઊભા રહેવું નહીં.
- મોટી રકમની હેરાફેરી થાય તે સમયે ફોરવ્હિલ કારનો કાચ બંધ રાખવો જોઈએ.
- બેંકોમાંથી પાંચ લાખથી વધુ નાણાંની હેરફેર સમયે પોલીસ રક્ષણ આપવામાં આવે છે જેથી આ બાબતે પોલીસ તેમજ બેંકના મેનેજરનો સંપર્ક કરવો.
- બેંકમાં નાણા ભરતી વખતે કોઈ માણસ રૂમાલમાં નોટોના બંડલ લઈ આવે અને કહે મારું બેંકમાં ખાતું ન હોવાથી તમારા ખાતામાં રૂપિયા જમા કરી દો આવા વ્યક્તિની વાતમાં ન આવવું જોઈએ.
લાલગેટ પી.આઈ. એન.એમ ચૌધરીએ જણાવ્યું હતું કે, દિવાળીના તહેવાર દરમિયાન કોઈ ચોરી કે લૂંટના બનાવ ના બને એની તકેદારીના ભાગરૂપે લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાસ કરીને રાજમાર્ગ પર મોટા-મોટા બજારો અને બેન્કો આવેલી છે ત્યાં બેન્કોમાં જે પણ લોકો પૈસા ભરવા અથવા ઉપાડવા માટે આવે ત્યારે તેઓની સાથે કોઈ બનાવ ના બને તે અનુસંધાને અલગ-અલગ પ્રકારની સાવચેતી રાખવાની સૂચનાઓ પોસ્ટર સ્વરૂપે કરી. દરેક બેન્કના એન્ટ્રી ગેટ પર લોકો સરળતાથી વાંચી શકે તે મુજબ લગાડ્યા છે અને બેન્ક મેનેજરને પણ મળીને 5 લાખ કે મોટી રકમ હોય અથવા તો ઘરેણાં લઇ જવાના હોય તો 100 નંબર અથવા તો સ્થાનિક પોલીસનો સંપર્ક કરવાથી પોલીસ તમને મદદ કરશે એ તમામ બાબતની અલગ-અલગ સૂચનાઓ કરવામાં આવી છે.
દિવાળીનાં તહેવાર દરમિયાન જવેલરીનાં શો રૂમ કે દુકાનોમાં અનિચ્છનીય બનાવ ના બને એ માટે સુરત શહેર પોલીસ દ્વારા CCTV કેમેરાને લઇને ચેકિંગ હાથ ધરાયું. જ્યાં CCTV કેમેરા બગડેલા હોય અથવા તો ના લાગેલા હોય એમને કેમેરા લગાવવા કડક સૂચના આપવામાં આવી !#સુરત_શહેર_પોલીસ_તમારી_સાથે_તમારા_માટે pic.twitter.com/0QwSn7z5Sm
— Surat City Police (@CP_SuratCity) October 19, 2024
મહત્વનું છે કે, શહેરમાં પોલીસ દ્વારા લાઉડસ્પીકર મૂકી જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. લાઉડસ્પીકર દ્વારા અલગ-અલગ વિસ્તારો તેમજ માર્કેટમાં લોકોને દિવાળીના તહેવાર દરમિયાન શું-શું તકેદારીઓ રાખવી તેની માહિતીઓ અપાઇ રહી છે. આ ઉપરાંત પોલીસ દ્વારા પેમ્પલેટ વહેંચીને પણ લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે તેમજ પોલીસ દ્વારા પેટ્રોલિંગ પણ સઘન કરવામાં આવ્યું છે.
બીજી તરફ પોલીસ દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને અપીલ કરવામાં આવી છે કે, જે કોઈ લોકો બેંકોમાંથી મોટી માત્રામાં પૈસા ઉપાડીને લઈ જતા હોય અથવા તો જ્વેલરી ખરીદવા જતા હોય તે તમામ લોકોએ તે માટે આ બાબતે પોલીસને માહિતી આપવી. જેથી પોલીસ આ મુદ્દામાલ સહીસલામત રીતે તેમના ઘર સુધી પહોંચાડવામાં મદદ કરશે.

- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube