અમદાવાદ:વિરમગામ (Viramgam)ના ધારાસભ્ય હાર્દિક પટેલે (Hardik Patel) કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલને પત્ર લખી ખેડૂતો પાસેથી કાલા ખરીદતી વખતે વેપારીઓ દ્વારા દેશી કપાસના (Country cotton) ભાવ નક્કી કરવા વેપારી કપાસનો ઉતારો કાઢે ત્યારે ધડીનું માપ 14 કિગ્રા ગણી ધડી પાસ કરવાની માગ કરી છે. હાર્દિક પટેલે ચિમકી પણ આપી છે કે દેશી કપાસના ખેડૂતોનું શોષણ ચાલું રહેશે તો અહિંસક આંદોલન કરવામાં આવશે.
વિરમગામ તાલુકાના ખેડૂતોએ APMC ખાતે વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ નોંધાવતા ખેડૂતોએ જણાવ્યું હતું કે વેપારીઓ પોતાની રીતે જ એસોસિએશન બનાવીને કપાસના ભાવ નક્કી કરે છે અને તેના કારણે ખેડૂતોને કપાસનો યોગ્ય ભાવ મળતો નથી. ખેડૂતોને કપાસનો પૂરતો ભાવ નહીં મળતો હોવાના વિરોધમાં હથિયાર ઉગામ્યું હતું. ત્યારે આ મામલે ધારાસભ્ય હાર્દિક પટેલે કૃષિમંત્રી રાઘવજી પટેલને પત્ર લખવામાં આવ્યો છે. પત્રમાં ખેડૂતો સાથે થતાં અન્યાય અને તેમના પર થઈ રહેલ શોષણ અંગે જાણ કરવામાં આવી છે.
બેવડા ધોરણો બંધ કરવા કરી માંગ
ધારાસભ્ય હાર્દિક પટેલે લેટરમાં લખ્યું છે કે, દેશી કપાસનો ટેકાના ભાવમાં સમાવેશ થયો નથી અને વેપારીઓ ખેડૂતોને શોષણ કરે છે તેમજ તેમણે આક્ષેપ કરતા લખ્યું કે, ખેડૂતોને વેપારીઓ કપાસનું 15 દિવસે પેમેન્ટ કરે છે તેમજ ખેડૂતોએ તાત્કાલિક પેમેન્ટ જોઈતું હોય તો હજાર પર 15 રૂપિયા વટાવ કપાય છે. દેશી કપાસના ઉતારાની ગણતરીમાં બેવડા ધોરણો બંધ કરાવવા માંગ કરી છે.
જાણો શું લખ્યું પત્રમાં
દેશી કપાસ જેનું વાવેતર વિરમગામ, દસાડા, માંડલ, શંખેશ્વર, સમી, ધોળકા, ધંધુકા અને લખતર તાલુકાઓમાં થાય છે. આ કપાસનો પાક તૈયાર થતાં ૬ માસ થાય છે જેમાં પિયત, રાસાયણિક ખાતર અને દવાઓની જરૂર પડતી નથી. કેન્દ્ર અને રાજ્ય સરકાર જ્યારે કુદરતી અને ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપી રહી છે ત્યારે આ વિસ્તારની કપાસની ખેતીને પ્રોત્સાહન મળે તે જરૂરી છે. હજુ સુધી આ કપાસનો ટેકા (MSP)માં સમાવેશ થયો નથી અને બીજી તરફ ખેડૂતોને વેપારીઓ દ્વારા થતા શોષણનો ભોગ બનવું પડે છે.
ખેડૂતોને વેપારીઓ દ્વારા થતાં શોષણનો ભોગ બનવું પડે છે
પત્રમાં તેમણે કહ્યું કે વર્ષોથી પ્રતિ 20 કિલો કાલામાંથી 14 કિલો કપાસ અને તે 14 કિલો કપાસમાંથી 40% રૂ અને 60% કપાસિયા નીકળે તે વેપારીઓ દ્વારા સ્વીકૃત હતું. હવે તે નિયમ 14.5 કિલો એટલે એ સાડા ચૌદ કિલોની ધડી ગણે છે જેમાં 14.5 કિલોનો ઉતારો ન આવે તો પ્રતિ ઓછા 100 ગ્રામ ઉતારાદીઠ 1 પોઇન્ટ માયનસ ગણી તેના પ્રતિ 1 પોઇન્ટ પર 8 રૂપિયા કાપે છે. જ્યારે ઉતારો 14.5 કિલોથી વધારે આવે તો ઉપરના પોઇન્ટ માટે વધારે ભાવ આપવામાં આવતો નથી, તેની પહોંચમાં માત્ર ‘પાસ’ એવું લખવામાં આવે છે.
પેમેન્ટમાં ખેડૂતોનું શોષણ
હાર્દિક પટેલે પત્રમાં ઉલ્લેખ કર્યો કે વેપારી દ્વારા ખેડૂતો પાસેથી કપાસ ખરીદયા પછી વેપારી તેનું પેમેન્ટ 15 દિવસે કરે છે અને જો ખેડૂતોને તરત પેમેન્ટ જોઈતું હોયતો પ્રતિ 1000 રૂપિયા પર 15 રૂપિયા વટાવ કાપીને ચૂકવાય છે જે ખેડૂતોનું વેપારીઓ દ્વારા થતું શોષણ છે.
‘નહી તો અહિંસક લડત શરૂ કરીશું’
વેપારીઓ દ્વારા દેશી કપાસના ઉતારાની ગણતરી કરવામાં જે બેવડા ધોરણો રાખવામાં આવે છે તે તત્કાળ બંધ કરાવામાં આવે તેવી માગ હાર્દિક પટેલે કરી છે. ખેડૂતોનું શોષણ જો ચાલુ રહેશે તો ગાંધી ચિંધ્યા માર્ગે અહિંસક લડત શરુ કરવાની પણ તેમણે ચીમકી આપી હતી.
તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો
નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ
https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV
વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp