- મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે અઠવાલાઈન્સ સ્થિત જુના પોલીસ હેડક્વાર્ટર ખાતે નિર્માણ થનાર પોલીસ કમિશ્નર કચેરી-૨નું ઈ-ખાતમુહૂર્ત કરાયું
- રૂ. ૩૮ કરોડના ખર્ચે સાકારિત થનાર બેઝમેન્ટ, પાર્કિંગ સહિત ૧૨ માળની પોલીસ કમિશ્નર કચેરી- ૨ના અત્યાધુનિક સુવિધાથી સજ્જ ભવન નિર્માણ થશે
- ટ્રાફિક, સાયબર ક્રાઈમ અને ઇકોનોમિક સેલ એક જ બિલ્ડિંગમાં હશે
Surat News: સુરત શહેરમાં આજે પોલીસ કમિશ્નર કચેરી-2 નું ખાતમૂહર્ત કરવામાં આવ્યું હતું. ગ્રાઉન્ડ પ્લસ 12 માળનું આ બિલ્ડીંગ તૈયાર કરવામાં આવશે. આ કચેરીમાં ટ્રાફીક સેલ, સાઇબર ક્રાઇમ, ઇકો સેલ, મહિલા સેલ અને અન્ય બ્રાન્ચો એક જ જગ્યાએ લવાશે જેથી પ્રજાને એક જ જગ્યાએથી સુવિધાઓ મળી રહેશે. રૂપિયા 36 કરોડના ખર્ચે આ નવું પોલીસ ભવન તૈયાર થશે.
શહેરના અઠવાલાઇન્સ વિસ્તારમાં પોલીસ ભવન 2 નિર્માણ પામશે. જે માટે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઇ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં પહેલીવાર કોઈ પોલીસ ભવન 12 માળનું હશે. આ પોલીસ ભવનમાં અત્યંત આધુનિક ટેક્નોલોજી હશે જે અત્યારસુધી રાજ્યના કોઈપણ પોલીસ ભવનમાં જોવા મળી ન હોય. નવીન પોલીસ ભવન 2માં બેઝમેન્ટ પર 12 માળનું બાંધકામ હશે.સુરત શહેરમાં આજે સુરત પોલીસ કમિશનર કચેરી 2 નું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ઈ -ખાતમુહૂર્ત કરાયું હતું. આ પ્રસંગે સુરત પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત સહીત ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતમાં સૌ પ્રથમવાર સૌથી ઊંચું પોલીસ ભવન સુરતમાં તૈયાર થઈ રહ્યું છે.
બેઝમેન્ટ 2065 ચોરસ મીટર હશે
બિલ્ડગ એરિયાની વાત કરવામાં આવે તો આ 12,785 ચોરસ મીટર છે. બેઝમેન્ટ 2065 ચોરસ મીટર, ગ્રાઉન્ડ ફ્લોર 778 ચોરસ મીટર, પ્રથમ માળ 1021 ચોરસ મીટર. ત્યારપછી બીજા માળથી દસમો માળ 800 ચોરસ મીટર, 11મો માળ 787 ચોરસ મીટર, 12મો માળ 818 ચોરસ મીટર રહેશે. જ્યારે સ્ટેર કેબિન 116 ચોરસ મીટર રહેશે. અમદાવાદની સંકલ્પ ઇન્ફ્રો ક્રોન કંપની દ્વારા આ બહુમાળી બિલ્ડિંગ બનાવવામાં આવી રહી છે.
પૂરી બિલ્ડિંગ અદ્યતન ટેક્નોલોજી સાથે બનશે
ગુજરાત પોલીસ માટે મહત્વની બાબત છે. કારણ કે, આજદિન સુધી કોઈપણ પોલીસ ભવન 12 માળનું નથી. આ પૂરી બિલ્ડિંગ અદ્યતન ટેક્નોલોજી સાથે બનશે. જેમાં સીસીટીવી કેમેરા, શહેરના મોનિટરિંગ માટે તમામ સુવિધા હશે. જેના માધ્યમથી આખા શહેર ઉપર પોલીસ બેસીને નજર રાખશે. એટલું જ નહીં AIની મદદ કઈ રીતે શહેરની સુરક્ષા માટે લઈ શકાય તે માટેની પણ સુવિધા આ બિલ્ડિંગમાં જોવા મળશે.આ ઉપરાંત પોલીસ ભવનમાં અત્યંત આધુનિક ટેક્નોલોજી હશે તેમજ આ કચેરીમાં ટ્રાફીક સેલ, સાઇબર ક્રાઇમ, ઇકો સેલ, મહિલા સેલ અને અન્ય બ્રાન્ચો એક જ જગ્યાએ લવાશે. આગામી દોઢથી બે વર્ષની અંદર આ ભવન બનીને તૈયાર થઈ જશે.
ટેક્નોલોજી સાથે હાઈરાઈઝ બિલ્ડિંગ
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે જણાવ્યું હતું કે,તાપી તટે વસેલા સુરત શહેરની વસ્તી 82 લાખ છે અને આવનારા સમયમાં ઘણા બધા ગામ સુરત પોલીસ કમિશનરેટ એરિયામાં લાવવામાં આવનાર છે. જેના કારણે વસ્તી ખૂબ વધી જશે. ત્યારે લોકોને પોલીસની તમામ સુવિધાઓ એક જ જગ્યાએથી મળે તે આશ્રયથી 36 કરોડના ખર્ચે બેઝમેન્ટ પ્લસ ગ્રાઉન્ડ ફ્લોર પાર્કિંગ સાથે પોલીસ ભવન બિલ્ડિ્ગનું ખાતમુહૂર્ત આજે કરવામાં આવ્યું છે.
લોકોને પણ સુવિધા મળશે
જેમાં ટ્રાફિક પોલીસની ટીમ રહેશે. આ ઉપરાંત સાયબર પોલીસ રહેશે અને ટીમ માટે તમામ સુવિધાઓ હશે, ઇકોનોમિક ક્રાઇમ સેલની પૂરી સુવિધા હશે, મહિલા વિંગ માટેની તમામ સુવિધા રહેશે. આ ઉપરાંત અદ્યતન કોન્ફરન્સ હોલ રહેશે. મિટિંગ તેમજ સેમિનારની પણ આ બિલ્ડિંગમાં સુવિધા હશે. આવનારા દોઢથી બે વર્ષમાં આ બિલ્ડિંગ બની જશે. લોકોને અલગ અલગ જગ્યાએ જવું પડતું હતું. પરંતુ હવે તમામ સુવિધાઓ એક જ જગ્યાએથી મળી રહેશે, લેટેસ્ટ સુવિધાઓથી આ બિલ્ડિંગ ડિઝાઇન કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સર્વશ્રી વાબાંગ ઝમીર, એચ.આર.ચૌધરી, કે.એન. ડામોર, વિજયસિંહ ગુર્જર, હેતલ પટેલ સહિત ડી.સી.પી., એ.સી.પી.ઓ અને પોલીસકર્મીઓ સહિત શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube