- આરોગ્ય મંત્રીશ્રીના હસ્તે ૧૦ નવી ફૂડ સેફટી ઓન વ્હીલ્સની ‘મોબાઈલ ટેસ્ટીંગ વાન’નું પણ લોકાર્પણ કરાયું
- એમ્બ્યુલન્સની કાર્યક્ષમતા અને ગુણવત્તા વધારવા રાજ્ય સરકારે ૧૦૮ના વાહનોને અદ્યતન ટેકનોલોજીથી સુસજ્જ કર્યા: આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ
KalTak24 ન્યૂઝ ડેસ્ક/ગાંધીનગર: ગુજરાતના નાગરિકોની આરોગ્ય સેવામાં વધારો કરતા આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે ગાંધીનગર ખાતેથી ૧૦૦ નવી ‘૧૦૮ એમ્બ્યુલન્સ’ને ફ્લેગઓફ આપી પ્રસ્થાન કરાવી નાગરિકોની સેવામાં કાર્યરત કરી હતી. સાથે જ, મંત્રી શ્રી ઋષિકેશ પટેલે આરોગ્ય વિભાગના ICU ઓન વ્હીલ્સ માટેના નવા ૩૮ વાહનોનું તેમજ ફૂડ સેફટી ઓન વ્હીલ્સની ૧૦ નવી મોબાઈલ ટેસ્ટિંગ વાનનું પણ લોકાર્પણ કર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અત્યારે ૮૦૦ જેટલી ‘૧૦૮ એમ્બ્યુલન્સ’ કાર્યરત છે. જેમાં જૂની એમ્બ્યુલન્સને તબદીલ કરીને આ ૧૦૦ નવી એમ્બ્યુલન્સ કાર્યરત કરવામાં આવી છે. જ્યારે, નવી ૩૮ ICU ઓન વ્હીલ્સ એમ્બ્યુલન્સ કાર્યરત થતા, હવે રાજ્યભરમાં ૮૩૮ જેટલી એમ્બ્યુલન્સ નાગરિકોની આરોગ્યલક્ષી સેવામાં કાર્યરત થશે. આ ઉપરાંત ગુજરાતમાં હાલ કેન્દ્ર સરકાર દ્વારા ફાળવવામાં આવેલી ફૂડ સેફટી ઓન વ્હીલ્સની ૨૨ મોબાઈલ ટેસ્ટીંગ વાન કાર્યરત છે. કેન્દ્ર સરકાર દ્વારા વધુ ૧૦ વાહનોની ફાળવણી કરવામાં આવતા હવે ગુજરાતમાં ૩૨ જેટલી ફૂડ સેફટી ઓન વ્હીલ્સની મોબાઈલ ટેસ્ટીંગ વાન કાર્યરત થશે.
ઇમરજન્સી સ્થિતિમાં પ્રજાની પડખે 108 એમ્બ્યુલન્સ સેવા
હેલ્થ ઇમરજન્સીમાં પ્રજાજનોની સેવામાં કટીબદ્ધ રહેવાની સંવેદનશીલ ભાવના સાથે આજે ગાંધીનગર સ્થિત સ્વર્ણિમ સંકુલ ૧ ખાતે ૧૦૦ નવીન ૧૦૮ એમ્બ્યુલન્સ, ૩૮ ICU ઓન વ્હીલ્સ મળીને કુલ 138 નવીન એમ્બ્યુલન્સ અને ૧૦ ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સને ફ્લેગ… pic.twitter.com/dfvFUy94JU— Rushikesh Patel (@irushikeshpatel) October 1, 2024
આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં શરુ કરેલી આરોગ્યલક્ષી ૧૦૮ ઇમરજન્સી સેવાનું માળખું આજે અન્ય રાજ્યો માટે એક આદર્શ મોડલ તરીકે પ્રસ્થાપિત થયું છે. ૧૦૮ સેવાના વ્યાપ તેમજ એમ્બ્યુલન્સ વાહનોની કાર્યક્ષમતા અને ગુણવતા વધારવા માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. ૨૯ કરોડથી વધુના ખર્ચે નવી ૧૩૮ જેટલી એમ્બ્યુલન્સ કાર્યરત કરવામાં આવી છે. આ એમ્બ્યુલન્સો તમામ અદ્યતન ટેકનોલોજીથી સુસજ્જ કરવામાં આવી છે, જે કટોકટીના સમયે નાગરિકોને આરોગ્યલક્ષી સેવાઓ ગણતરીના સમયમાં જ પૂરી પાડશે.
મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, ICU ઓન વ્હીલ્સની મદદથી તેમાં ઉપલબ્ધ જીવન બચાવવા માટેના જરૂરી અદ્યતન ઉપકરણો, સંશાધનોનો ઉપયોગ કરીને દર્દીને પ્રિ-હોસ્પિટલ સારવાર અને સંભાળ પૂરી પાડી ઝડપથી હોસ્પિટલ સુધી પહોંચાડી શકાશે. આ વાહનોને વેન્ટિલેટર, ડિફિબ્રિલેટર અને મલ્ટિપેરામીટર મોનિટર, ECG મશીન અને સિરીંજ પંપ જેવી વિવિધ એડવાન્સ્ડ લાઈફ સપોર્ટ સિસ્ટમ્સ ઉપરાંત જીવન બચાવવા જરૂરી દવાઓ, પ્રશિક્ષિત પેરામેડિક્સ સ્ટાફ, ડ્યુટી સ્ટ્રેચર અને ડીઝીટલ ઓક્સીજન ડીલીવરી, અદ્યતન ઓક્સિજન ડિલિવરી સિસ્ટમ જેવી અદ્યતન સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યા છે.
મંત્રી શ્રી પટેલે ફૂડ સેફટી ઓન વ્હીલ્સ અંગે વાત કરતા કહ્યું હતું કે, મોબાઈલ ટેસ્ટીંગ વાનમાં ઉપલબ્ધ અદ્યતન સાધનોની મદદથી ખોરાકના ૧૦૦થી વધુ પ્રાથમિક પરીક્ષણો કરીને સ્થળ પર જ ખાદ્ય ચીજોમાં ભેળસેળને પકડી શકાશે. આ મોબાઈલ વાનમાં પાયાની તમામ સુવિધાઓ સાથે જ ખાદ્ય પરીક્ષણ માટેની મિલ્ક-ઓ-સ્ક્રીન, પીએચ મીટર, રીફ્રેક્ટ્રોમીટર, હોટ એર અવન, હોટ પ્લેટ, ડિજિટલ વેઇંગ બેલેન્સ અને મીક્ષર ગ્રાઈન્ડર જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ વાન કાર્યરત થતા ગુજરાતમાં ખાદ્ય વસ્તુઓમાં થતી ભેળસેળ અટકાવી શકાશે, તેવો તેમેણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
૧૩૮ એમ્બ્યુલન્સ અને ૧૦ ફૂડ સેફટી ઓન વ્હીલ્સના લોકાર્પણ પ્રસંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અગ્ર સચિવ શ્રી ધનંજય દ્વિવેદી, આરોગ્ય કમિશનર શ્રી હર્ષદ પટેલ તેમજ નેશનલ હેલ્થ મિશનના ડિરેકટર શ્રી રેમ્યા મોહન સહિત આરોગ્ય વિભાગના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
© Copyright All right reserved By KalTak24 News
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube