Landslide in Lothal : ગુજરાતમાં આવેલી લોથલ હેરિટેજ સાઈટ પર મોટી દુર્ઘટના બની છે.ગુજરાતનું હડપ્પા સંસ્કૃતિનું મહત્ત્વનું કેન્દ્ર ગણાતા લોથલમાં આજે ભેખડ ધસી પડતા બે મહિલા અધિકારીઓ દટાયાં હતાં. દિલ્હી અને ગાંધીનગરથી માટીના સેમ્પલ માટે ગયેલા બંને મહિલા અધિકારીઓ સેમ્પલ મેળવી રહ્યાં હતાં ત્યારે જ ભેખડ ધસી પડતાં બંને દટાયાં હતાં. જેમાં એક મહિલા અધિકારીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્યની હાલત ગંભીર ગણાવાઈ રહી છે.
અમદાવાદ જિલ્લાના લોથલમાં હાલ મેરિટાઈમ મ્યુઝિયમની કામગીરી ચાલી રહી છે. તેની નજીકમાં જ આવેલી જૂની સાઈટ પાસે રસ્તાનું કામ ચાલી રહ્યું હતું. મળતી માહિતી મુજબ દિલ્હીથી અધિકારી અને સ્ટુડન્ટ્સ માટીનાં સેમ્પલ માટે આવ્યા હતા. જેઓએ જેસીબીથી એક 15 ફૂટનો ખાદો ખોદાવ્યો હતો અને ત્યારબાદ તેમાં સેમ્પલ લેવા માટે ઊતર્યા હતા. આ સમયે જ ભેખડ ધસી પડતાં બે મહિલા અધિકારી દટાયાં હતાં. જેની જાણ સ્થાનિકોને થતાં ફાયરબ્રિગેડને કરવામાં આવી હતી. ધોળકા અને અમદાવાદ ફાયરબ્રિગેડનાં ચાર વાહનો અને 15 જવાનો ઘટનાસ્થળે પહોંચ્યાં હતાં અને રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી હતી.
મળેલી માહિતી મુજબ ગાંધીનગર અને દિલ્હીના ચાર થી વધુ અધિકારીઓ સરકારી ગાડી લઈ લોથલ ગયા હતા. જે બે મહિલા અધિકારીઓ માટીના સેમ્પલ લેવા માટે ખાડામાં ઊતર્યાં હતાં તેમાં એક IITના અને અન્ય દિલ્હીના જીઓલોજિસ્ટ હોવાનું સામે આવ્યું છે. અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા એક મહિલા અધિકારીને બગોદરાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. આ અંગે બગોદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
10 ફૂટના ખાડામાં ઊતરી માટીનાં સેમ્પલ લેતાં હતાં
મળતી માહિતી મુજબ ત્રણ લોકો ગાંધીનગરના અને બે દિલ્હી IITના અધિકારીઓ આજે લોથલ પહોંચ્યા હતા. જ્યાં જૂના લોથલ પાસે ખાડા ખોદી માટીનાં સેમ્પલ કલેક્ટ કરી રહ્યા હતા. ત્યારે જ ખાડામાં કાદવના કારણે બંને મહિલા અધિકારી ખૂંપવા લાગ્યા હતા અને માથેથી ભેખડ ધસી પડતાં બંને દટાયા હતા.
મૃતક અને ઘાયલનું નામ
લોથલમાં ભેખડ ધસી પડતા જે દુર્ઘટના સર્જાઈ હતી જેમાં 23 વર્ષીય સુરભી વર્માનું મોત નીપજ્યું છે. જ્યારે 45 વર્ષીય યામા દીક્ષિત જે જીઓલોજિસ્ટ છે તેને સારવાર માટે ખસેડવામાં આવ્યાં હોવાનું જાણવા મળ્યું છે.
ધોળકાના લોથલ વિસ્તારનો બનાવ
જિયોલોજિકલ સેમ્પલ લેતા સમયે આ ઘટના બની હતી. દિલ્હીના આસિ.પ્રોફેસર અને વિદ્યાર્થીની સેમ્પલ માટે આવ્યા હતા. છેલ્લા ત્રણ દિવસથી અલગ અલગ વિસ્તારોમાંથી ફરીને સેમ્પલ કલેક્ટ કરી રહ્યા હતા. આજે સવારે લોથલ વિસ્તારમાંથી જિયોલોજીકલ સેમ્પલ કલેક્ટ કરી રહ્યા હતા. ત્યારે બંને 12 ફૂટ ઊંડો ખાડો કરી સેમ્પલ લેવાની કામગીરી કરી રહ્યા હતા. માટી ભીની હોવાથી અચાનક ભેખડ નીચે ધસી પડી હતી. આસી.પ્રોફેસર અને વિદ્યાર્થીની ખાડામાંથી સેમ્પલ લઈ રહ્યા હતા, જેમાં પીએચડીની વિદ્યાર્થીની સુરભી વર્માનું મોત નિપજ્યું. છે. સુરભી વર્મા દિલ્હી આઈઆઇટીમાં પીએચડીનો અભ્યાસ કરતી હતી. તો પ્રોફેસર યામા દીક્ષિતને સમાન્ય ઈજા પહોંચી.
જાણો શું છે લોથલનો ઇતિહાસ
લોથલ ગુજરાતના પ્રાચીન વારસાનું એક મહત્વપૂર્ણ સ્થળ છે. લોથલ એ સિંધુ ખીણની સંસ્કૃતિનું દક્ષિણનું સ્થળ છે, જે બહાઈ પ્રદેશમાં સ્થિત હતું. તે આજના સમયમાં ગુજરાત તરીકે ઓળખાય છે. ભાલ વિસ્તારમાં આવેલા લોથલની શોધ 1954માં નવેમ્બર મહિનામાં કરવામાં આવી હતી. લોથલ શબ્દનો અર્થ મૃત્યું પામેલા એવો થાય છે. લોથલને એપ્રિલ 2014માં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ તરીકે નોમિનેટ કરવામાં આવ્યું છે. લોથલને ખૂબ જ જૂની સંસ્કૃતિનું સ્થળ ગણવામાં આવે છે, જેનો સમયગાળો 2450 થી 1900 સુધીનો હોવાનું પણ માનવામાં આવે છે. પ્રાચીન સમયમાં લોથલ એક મહત્વપૂર્ણ અને સમૃદ્ધ વેપારીમથક હતું.
એવું પણ કહેવામાં આવે છે કે લોથલમાં માનવવસ્તીનો સૌથી પ્રથમ વસવાટ થયો હતો. ત્યારબાદ 2350 માં જ્યારે કુદરતી હોનારત સર્જાઇ ત્યારે તમામ ઘર અને આવાસો નાશ પામ્યા હતા. ત્યારબાદ એક ઉંચા ટેકરા પર નવું નગર વસાવવામાં આવ્યું હતું. અહીં પ્રાપ્ત થયેલા અવશેષોના આધારે જાણવા મળે છે કે લોથલમાં વર્ષો પહેલાં સુઆયોજિત નગર-વ્યવસ્થા હતી. તે સમયગાળા મોટા અને વિશાળ મકાનો હતા. સુવ્યવસ્થિત નગર રચના જોવા મળે છે, જેમાં બજારો, રસ્તાઓ, ગટર વ્યવસ્થા, તે સમયના લોકોની સુઝબુઝનો પરિચય આપે છે. ખાસ કરીને અહીંના મકાનો ભઠ્ઠીમાં પકવેલી ઈંટોમાંથી બનાવવામાં આવ્યા હતા.
1976ના વર્ષમાં ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા મ્યુઝિયમ તૈયાર કરવામાં આવ્યું છે. લોથલની સાઇટ પર તૈયાર કરવામાં આવેલા મ્યુઝિયમમાં તે વખતના ઘરેણા, ઓજારો, હથિયારો, રસોઇના સાધનો સહિતની વિવિધ ઐતિહાસિક, રસપ્રદ ચીજવસ્તુ જોવા મળે છે.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube