Gandhinagar News: તારીખ 14થી 20 નવેમ્બર દરમિયાન દેશભરમાં રાષ્ટ્રીય સહકાર સપ્તાહ ઉજવાઈ રહ્યું છે, ત્યારે ખાંડ સહકારી મંડળીઓ થકી મંડળીઓના સભાસદોનું જીવન ઉચ્ચ ધોરણયુક્ત બન્યું છે. ગુજરાતના ખાંડ ઉદ્યોગમાં ખાંડ સહકારી સભાસદો મુખ્યત્વે નાના, સિમાંત અને આદિવાસી ખેડૂતો હોય છે, જેની અંદાજિત સંખ્યા 4.50 લાખથી વધુ છે. ખાંડ સહકારી મંડળીઓ ભારતની સાથે અન્ય દેશોમાં પણ ખાંડની નિકાસ કરે છે, જેનો સીધો લાભ શેરડી પકવતા ખેડૂતોને મળી રહ્યો છે.
રાજ્યમાં ગત વર્ષે એટલે કે વર્ષ 2023-24માં લગભગ 1.47 લાખ હેક્ટર વિસ્તારમાં શેરડીનું વાવેતર કરવામાં આવ્યું હતું, જેમાંથી હજારો મેટ્રિક ટન ખાંડનું ઉત્પાદન થયું હતું. ખાંડ સહકારી મંડળીઓ ખેડૂતોને શેરડીના પોષણક્ષમ ભાવ ચૂકવે છે જે અંતર્ગત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ અને સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માના નેતૃત્વમાં ખાંડ સહકારી મંડળીઓ દ્વારા વર્ષ 2023-24 દરમિયાન પિલાણ સિઝનમાં રૂપિયા 3391.60 કરોડ જેટલી માતબર રકમ શેરડી ઉગાડતા ખેડૂતોને ચૂકવવામાં આવી છે. ખાંડ સહકારી મંડળીઓ ખેડૂતોને જ નહિ પરંતુ અંદાજે 20થી 25 હજાર જેટલા કામદારોને કાયમી રોજગારી તેમજ પિલાણ સિઝન દરમિયાન લગભગ 5.50 લાખ લોકોને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રોજગારી પણ પૂરી પાડે છે. લગભગ રૂપિયા 4,000 કરોડનું વાર્ષિક ટર્ન ઓવર ધરાવતો ગુજરાતનો સહકારી ખાંડ ઉદ્યોગ વિવિધ વેરાના રૂપે રાજય તેમજ કેન્દ્ર સરકારની તિજોરીમાં માતબર રકમ જમા કરવી પોતાનું યોગદાન આપે છે.
8.87 લાખ મે.ટન ખાંડનું ઉત્પાદન
ગુજરાતમાં હાલમાં ૧૫ સહકારી ખાંડના કારખાના કાર્યરત છે. જેની દૈનિક પિલાણ ક્ષમતા અંદાજિત 66,800 મે.ટન જેટલી છે. ખાંડ સહકારી મંડળીઓ દ્વારા વર્ષ 2023-24 દરમિયાન પિલાણ સિઝનમાં લગભગ 85.74 લાખ મે.ટન શેરડીનું પિલાણ કરી 10.35 ટકા રીકવરી સાથે 8.87 લાખ મે.ટન ખાંડનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું. રાજ્યની ખાંડ સહકારી મંડળીઓ પૈકી 9 ખાંડ સહકારી મંડળીઓ પાસે ડિસ્ટીલરી પ્લાન્ટ પણ છે, જેની રેકટીફાઇડ સ્પીરીટની ઉત્પાદન ક્ષમતા 356 કિલોલીટર દૈનિક તથા ઇથેનોલની ઉત્પાદન ક્ષમતા ર૯૦ કિલોલીટર દૈનિકની છે.
4.37 કરોડ લીટર ઇથેનોલનું ઉત્પાદન
ખાંડ સહકારી મંડળીઓ દ્વારા ખાંડના ઉત્પાદનની સાથે સાથે ઇથેનોલનું ઉત્પાદન વધુ થાય તે માટે કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2025 સુધીમાં પેટ્રોલ સાથે ઈંધણ ગ્રેડ ઈથેનોલનું 20 ટકા મિશ્રણ હાંસલ કરવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે. જે અંતર્ગત મોલાસીસ આધારિત ડિસ્ટીલરીઓની ઈથેનોલ ઉત્પાદન ક્ષમતા વધારવા નર્મદા સુગર તથા ગણદેવી સુગર દ્વારા એક્ષપાન્શન પ્રોજેક્ટો પણ હાથ ધરવામાં આવ્યા છે. સહકારી ખાંડના કારખાનાઓ દ્વારા વર્ષ 2023-24 દરમિયાન 4.37 કરોડ લીટર ઇથેનોલનું ઉત્પાદન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત રાજયમાં આવેલી નર્મદા સુગર ફેક્ટરી સલ્ફરલેસ રીફાઈન્ડ સુગર બનાવતી સહકારી સંસ્થા છે, જે સ્પેન્ટવોશમાંથી ઓર્ગેનિક પોટાશ ખાતર પણ બનાવે છે. આ ઉપરાંત નર્મદા સુગર દ્વારા 30 મેગવોટનો તથા બારડોલી સુગર દ્વારા 21 મેગાવોટ જનરેશન પ્લાન્ટની સ્થાપના અંગેના પ્રોજેક્ટ્સ પણ હાથ ધરવામાં આવ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વડપણ હેઠળ વર્ષ 2021માં અલગથી સહકારિતા મંત્રાલયની સ્થાપના કરવામાં આવી હતી. આ મંત્રાલયના પ્રથમ સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં સહકારી ક્ષેત્રે અનેક પરિવર્તન જોવા મળી રહ્યા છે. જેના પરિણામ સ્વરૂપ રાજ્ય સરકાર દ્વારા સહકારી ખાંડક્ષેત્રને વધુ મજબૂત બનાવવા વિવિધ યોજનાકીય જોગવાઈઓ પણ કરવામાં આવી છે. જે અંતર્ગત ખાંડ સહકારી મંડળીઓમાં આધુનિકરણ, અપગ્રેડેશન, વૈવિધ્યકરણના હેતુ માટે ટીસ્યુ કલ્ચર લેબ, ઓર્ગેનિક ખાતરનું ઉત્પાદન, મોલાસીસ બેઝ ડીસ્ટીલરી, ટર્બાઇનના બદલે ઇલેક્ટ્રીસીટી મોટરનંટ ઈન્સ્ટોલેશન, સ્ટીમ ઈકોનોમી પ્રોજેક્ટ, ઓટોમાઇઝેશન, ઉત્પાદન ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થાય તેવા પ્રોજેક્ટ તેમજ સંગ્રહ વ્યવસ્થામાં સુધારો કરી શકાશે.
રૂ. 7.86 કરોડની જોગવાઇ
આ ઉપરાંત ચાલુ વર્ષ 2024-25 દરમિયાન ખાંડ સહકારી મંડળીઓને લાંબાગાળાની લોન સામે વ્યાજ રાહત આપવાની યોજના, નવા સ્થપાતા ખાંડ સહકારી કારખાનાને પ્રોજેક્ટ ખર્ચના 30 ટકા સુધી રાજય સરકાર દ્વારા શેર ફાળો આપવાની યોજના જેવી વિવિધ યોજના હેઠળ સામાન્ય વિસ્તાર માટે રૂપિયા 3.25 કરોડ તેમજ આદિજાતિ વિસ્તાર માટે રૂપિયા 4.61 કરોડ એમ કુલ રૂપિયા 7.86 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
આમ, કેન્દ્ર અને રાજ્ય સરકારના ખેડૂતલક્ષી અભિગમના પરિણામે રાજયના સહકારી ખાંડ ઉદ્યોગોનો ઉત્તરોત્તર વિકાસ થઈ રહ્યો છે. જેથી આ ખાંડ ઉદ્યોગો સાથે સંકળાયેલા શેરડી ઉત્પાદક ખેડૂત સભાસદો અને તેમના કુટુંબના સભ્યોના આર્થિક તેમજ સામાજિક વિકાસમાં સવિશેષ વધારો જોવા મળી રહ્યો છે, તેમ રજિસ્ટ્રાર સહકારી મંડળીઓની યાદીમાં જણાવ્યું છે.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube