Three Youths Caught With Fake Notes In Surat:સુરતની સારોલી પોલીસને મોટી સફળતા મળી છે. મુંબઈથી બનાવટી નોટો સુરતમાં ડિલિવરી કરવા આવેલા ત્રણ શખસોને ઝડપી પાડવામાં આવ્યા હતા. જેમની પાસેથી અઢી કરોડથી વધુની બનાવટી નોટો મળી આવી હતી. ભારતીય ચલણી નોટોની સાથે બનાવટી નોટો મૂકીને બેંક સહિતની જગ્યા ઉપર છેતરપિંડી આચરવામાં આવતી હતી. આ ગેંગ દ્વારા રૂપિયાના બંડલની પહેલી અને છેલ્લી નોટ અસલી અને અંદર બનાવટી નોટ રાખતા હતા.
જાણો શું છે સમગ્ર મામલો
મળતી વિગતો પ્રમાણે સારોલી પોલીસ મથકની ટીમ પીઆઇ વેકરિયાના માર્ગદર્શન હેઠળ નિયોલ ચેકપોસ્ટ પાસે પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન બાતમીના આધારે પગપાળા નકલી નોટો ભરેલી બેગ લઈને જતા 3 યુવકોને આબાદ પકડી પાડ્યા હતા. પોલીસે દત્તાત્રેય શિવાજી રોકડે, ગુલશન અજીત ગૂગલે તથા રાહુલ બોનુ વિશ્વકર્માને સકંજામાં લઇ બેગની તલાશી લેતા 500 અને 200ની નોટના ઢગલાબંધ બંડલો જોઇ પોલીસ અવાક બની ગઇ હતી.બેન્કમાંથી અપાતા બંડલમાં જે રીતે પારદર્શક પ્લાસ્ટીક વીંટાળેલું હોય તે રીતે મળેલા આ બંડલોને પોલીસે ચકાસતા તેમાં ઉપર અને નીચે 500 અને 200 રૂપિયાની અસલી નોટ હતી, જ્યારે વચ્ચે મનોરંજન બેન્ક અને ચિલ્ડ્રન બેન્ક ઓફ ઈન્ડિયાની નોટ વ્યવસ્થિત મુકેલી હતી.
સારોલી પોલીસના બાતમી મળી હતી કે, દત્રાત્રેય શિવાજી રોકડે, ગુલશન અજિત ગુગલે, રાહુલ બોનુ વિશ્વકર્મા નામના શખસો અહેમદનગર મહારાષ્ટ્ર ખાતેથી ભારતીય ચલણી નોટોનાં બંડલો જેમાં ઉપર ભારતીય ચલણી નોટો અને અંદર ભારતીય બચ્ચો કા ખાતાની નોટોના બંડલો બનાવી બેગોમાં મૂકીને નીકળ્યા છે. આ ત્રણેય અંત્રોલીગામ ત્રણ રસ્તાથી નિયોલ ચેક પોસ્ટ થઈ સુરત શહેર તરફ ચાલતાં ચાલતાં જનાર છે. જેથી, પોલીસની ઓળખ છતી ન થાય તે રીતે નિયોલ ચેક પોસ્ટ ખાતે વોચમાં હતા. તે દરમિયાન ત્રણેય શખસો ચાલતાં ચાલતાં આવતા કોર્ડન કરી પકડી પડ્યા હતા.
પોલીસે તપાસ કરતા દરેક બંડલમાં પહેલી અને છેલ્લી નોટ અસલી હતી અને વચ્ચે તમામ નોટ નકલી એટલે કે બચ્ચો કા ખાતા, ચિલ્ડ્રન બેંક લખેલી નોટો હતી. પોલીસે 500ની દરના 1000 નોટોના 43 બંડલોમાં 43 હજાર નોટો પૈકી 86 નોટ સાચી અને બાકીની 42914 નોટો નકલી હતી. આ જ રીતે 200ની દરના નોટોના કુલ્લે 21 બંડલમાં 21 હજાર નોટો પૈકી 42 સાચી જ્યારે 20958 નકલી નોટો હતી. સારોલી પોલીસે 2.56 કરોડની નકલી નોટો, 51,400ની અસલી નોટ, 3 મોબાઇલ મળી કુલ્લે રૂાપિયા 1.06 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. જ્યારે રૂાપિયા 2,56,48,000ની નકલી નોટ પણ કબ્જે લેવાઈ હતી.
આ કામના આરોપીઓ રૂપિયા 500-200 ના દરની નોટોના બંડલમાં પહેલી અને છેલ્લી અસલ નોટ અને વચ્ચે ભારતીય બચ્ચો કા ખાતા લખેલ કૂપન નોટો મૂકતા હતા. આ બનાવટી નોટો બેન્કો અને અન્ય જગ્યાએ મોટા પાયે રોકડ રકમની લેતીદેતી થવાની હોય તે સમયે યેનકેન પ્રકારેણ લોકોને જલદી પૈસા ભરવા માટે રૂપિયા 100, 50ના દરની નોટોની જગ્યાએ રૂપિયા 500 અને 200ની નોટો આપી અને તેઓ પાસેથી 100, 50ની અસલ નોટો લઇ બંડલો તે લોકોને આપી છેતરપિંડી કરે છે. આ બનાવટી નોટ સુરત પહોંચાડવા માટે ત્રણેય ને 10,000 રૂપિયા મળવાના હતા.
ગુલશન અગાઉ એક્સીસ બેંકમાં મેનેજર તરીકે નોકરી કરતો હતો
સારોલી પોલીસે ઝડપેલા ત્રણ યુવાનો પૈકી હાલ જોગેશ્વરીમાં રહેતો મૂળ પૂણેનો ગુલશન અજીત ગુગલે અગાઉ એક્સીસ બેન્કમાં મેનેજર તરીકે નોકરી કરતો હતો. બેન્કે તેને કોલકત્તા ટ્રાન્સફર આપતા તેમણે નોકરી છોડી દીધી હતી અને હાલ તે બેકાર છે. કમિશનની લાલચમાં તે અહીં આવ્યો હતો.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube