- ચૂંટણીને લઇને ભાજપે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો
- જે.પી નડ્ડા, CR પાટીલ અને ભૂપેન્દ્ર પટેલે જાહેર કર્યું સંકલ્પ પત્ર
- ભાજપે ઢંઢેરામાં વચનોની કરી લ્હાણી
Gujarat Election 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આજે ભાજપ દ્વારા વિધાનસભા ચૂંટણી 2022નું સંકલ્પ પત્ર જાહેર કરાયું છે.
આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાના હસ્તે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ને લઇને ભાજપના સંકલ્પ પત્રની ઘોષણા કરવામાં આવી છે.
BJPના સંકલ્પ પત્રની મુખ્ય બાબતો
- રૂ.25000 કરોડના ખર્ચે કૃષિ સિંચાઈનું નિટવર્કને વિસ્તારવા પર કામ કરાશે.
- પશુધનની સારસંભાળ માટે ગૌશાળાઓને માળકીય સુવિધા આપવા રૂ.500 કરોડનું વધારાનું બજેટ
- આયુષ્માન ભારત હેઠળ વાર્ષિક રૂ.10 લાખની મર્યાદામાં સારવાર નિઃશુલ્ક મળશે.
- આગામી પાંચ વર્ષમાં ગુજરાતના યુવાનોને નવી 20 લાખ રોજગારીની તક પ્રદાન કરશે.
- આદિવાસી ક્ષેત્રોમાં 8 મેડિકલ અને 10 નર્સિંગ મેડિકલ કોલેજની સ્થાપના
- KGથી PG સુધી તમામ મહિલાઓને ફ્રી શિક્ષણ
- આર્થિક રીતે નબળા પરિવારની કોલેજ જતી દીકરીઓને મેરિટ મુજબ ઈલેક્ટ્રિક સ્કૂટર માટે યોજના શરૂ કરાશે
લોકો પાસેથી સૂચનો માગી ઘોષણા પત્ર તૈયાર કરાયું
સી.આર પાટીલે જણાવ્યું હતું કે, ભાજપ દ્વારા 5થી 15 નવેમ્બર ખાસ અભિયાન કરવામાં આવ્યું હતું, 12 હજાર સૂચન પેટી મૂકી હતી. અગ્રેસરગુજરાત.કોમનું માધ્યમ આપ્યું, વોટ્સએપ નંબર મૂક્યો, કેન્દ્ર સરકારના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા અને યુવાનોના પણ સૂચનો લેવામાં આવ્યા તથા ભાજપના કાર્યાલય પર સૂચન પેટી મૂકવામાં આવી હતી. જેમના સૂચનો દ્વારા આ ઘોષણા પત્ર તૈયાર કરવામાં આવ્યું છે.
ઘોષણા પત્ર જોવા માટે અહી ક્લિક કરો
ભાજપનો અગ્રેસર ગુજરાતનો સંકલ્પ પત્ર
ગુજરાત કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કોષ હેઠળ ₹10,000 કરોડનું રોકાણ કરીશું, જે કૃષિ વિકાસ માટે એક સર્વગ્રાહી વ્યવસ્થાને (APMCs, ખેડૂત મંડળીઓ, વર્ગીકરણ-ગ્રેડિંગ યુનિટ્સ, કોલ્ડ ચેન, વેરહાઉસ, પ્રાઈમરી પ્રોસેસિંગ યુનિટ્સ વગેરેનું આધુનિકીકરણ અને નિર્માણ દ્વારા) મજબૂત કરાશે.
₹25,000 કરોડના ખર્ચે સમગ્ર ગુજરાતમાં સુજલામ સુફલામ, SAUNI, લિફ્ટ ઇરિગેશન, સૂક્ષ્મ સિંચાઈ, ટપક સિંચાઈ અને અન્ય પદ્ધતિથી થતાં કૃષિ સિંચાઈના વર્તમાન નેટવર્કનું વિસ્તરણ કરીશું.
પશુધનની સર્વગ્રાહી કાળજી સુનિશ્ચિત કરવા માટે ગૌશાળાઓને માળખાગત રીતે મજબૂત (₹500 કરોડનું વધારાનું બજેટ), 1000 વધારાના મોબાઇલ વેટરનરી યુનિટ્સની રચના અને દરેક પશુધન માટે રસીકરણ તેમજ વીમાની ખાતરી કરાશે. દેશના પહેલા બ્લૂ ઈકોનોમી ઈન્ડસ્ટ્રિયલ કોરિડોરનું નિર્માણ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર એમ 2 સી-ફૂડ પાર્કને કાર્યાન્વિત કરી અને મત્સ્યોદ્યોગ માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર (જેવા કે જેટી, કોલ્ડ સપ્લાય ચેન અને બોટના મેકેનાઈઝેશનની સુવિધા)ને વધુ મજબૂત કરીશું.
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (આયુષ્માન ભારત) હેઠળ નિઃશુલ્ક તબીબી સારવારની ખાતરી સાથે કુટુંબ દીઠ વાર્ષિક સારવાર માટેની મહત્તમ મર્યાદાને ₹5 લાખથી વધારીને ₹10 લાખ કરીશું.
‘મુખ્યમંત્રી ફ્રી ડાયગ્નોસ્ટિક સ્કીમ’ થકી EWS પરિવારોને તમામ સરકારી આરોગ્ય સંસ્થા અને એમ્પેનલ્ડ લેબોરેટરીમાં નિ:શુલ્ક નિદાન ઉપલબ્ધ થાય તે માટે ₹110 કરોડના ભંડોળનું નિર્માણ કરીશું.
₹10,000 કરોડના ભંડોળથી ‘મહારાજા શ્રી ભગવતસિંહજી સ્વાસ્થ્ય કોષ’નું નિર્માણ કરીશું, જેનાથી 3 નવી વર્લ્ડ ક્લાસ સિવિલ મેડિસિટી, 2 AIIMS સ્તરની હોસ્પિટલ અને હાલની તમામ સ્વાસ્થ્ય સુવિધાઓ (હોસ્પિટલ PHCs-CHCs)ને અપગ્રેડ કરીશું.
મિશન સ્કૂલ ઑફ એક્સેલન્સ હેઠળ ₹10,000 કરોડના ખર્ચે આગામી 5 વર્ષમાં 20,000 શાળાઓને અપગ્રેડ કરીશું.
₹1,000 કરોડના ભંડોળ સાથે ‘કેશવરામ કાશીરામ શાસ્ત્રી હાયર એજ્યુકેશન ટ્રાન્સફોર્મેશન ફંડ’ની રચના કરીશું, જેની મદદથી નવી સરકારી કોલેજોનું નિર્માણ કરાશે અને હાલની કોલેજ-યુનિવર્સિટીઓને અદ્યતન સુવિધાથી સજ્જ કરવામાં આવશે.
ગુજરાતના યુવાનોને આગામી 5 વર્ષમાં 20 લાખ રોજગારીની તકો પ્રદાન કરીશું.
ગ્રીન એનર્જી, સેમિકન્ડક્ટર્સ, ફિનટેક અને એરોસ્પેસ જેવા ક્ષેત્રોમાં સેન્ટર ઑફ એકસેલન્સ તરીકે IITના તર્જ પર 4 ‘ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજી’ની સ્થાપના કરીશું.
વર્ષ 2036માં ઑલિમ્પિક ગેમ્સની યજમાની કરવાના ઉદ્દેશ્ય સાથે વિશ્વ કક્ષાનું રમત-ગમતનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા ગુજરાત ઑલિમ્પિક મિશન શરૂ કરીશું.
‘પ્રધાનમંત્રી આવાસ યોજના’ના 100% અમલીકરણ દ્વારા ગુજરાતના દરેક નાગરિકને પોતાનું પાકું ઘર મળે તેવું સુનિશ્ચિત કરીશું.
‘ફેમિલી કાર્ડ યોજના’ના માધ્યમથી દરેક પરિવારને રાજ્ય સરકાર દ્વારા સંચાલિત તમામ કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવવાનું સુગમ બનાવીશું.
PDS સિસ્ટમના માધ્યમથી દર મહિને 1 કિલો ચણા અને વર્ષમાં ચાર વખત 1 લીટર ખાદ્ય તેલ આપીશું. ટ્રાઈબલ સબ પ્લાન હેઠળના 56 તાલુકામાં મોબાઈલ વાન મારફતે રાશન વિતરણની વ્યવસ્થા શરૂ કરીશું.
આદિવાસી ક્ષેત્રોના સર્વાંગી સામાજિક-આર્થિક વિકાસ માટે ‘વનબંધુ કલ્યાણ યોજના 2.0’ હેઠળ ₹1 લાખ કરોડનો ખર્ચ કરીશું.
અંબાજી અને ઉમરગામ વચ્ચેના ‘બિરસા મુંડા આદિજાતિ સમૃદ્ધિ કોરિડોર’ અંતર્ગત 4-6 લેન હાઈ-વે, જંગલ આધારિત ઈન્ડસ્ટ્રીમાં રોજગારની તકો અને આદિવાસી સાંસ્કૃતિક સર્કિટ (પાલ દઢવાવ – સ્ટેચ્યૂ ઑફ યુનિટી – શબરી ધામ)નું નિર્માણ કરીશું.
આદિવાસી ક્ષેત્રોમાં દરેકને સર્વોત્તમ સ્વાસ્થ્ય સુવિધાઓ ઉપલબ્ધ થાય તેવા હેતુથી 8 મેડિકલ અને 10 નર્સિંગ/પેરા મેડિકલ કોલેજોની સ્થાપના કરીશું.
યુવાનો માટે રોજગારી ઊભી થાય તે હેતુથી આદિવાસી વિસ્તારોમાં 8 GIDCની સ્થાપના કરીશું.
મેરિટના આધારે આદિવાસી સમુદાયના 75,000 વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ રહેણાંક શાળાની સુવિધા પૂરી પાડવા માટે 25 ‘બિરસા મુંડા જ્ઞાનશક્તિ નિવાસી શાળા’ઓ સ્થાપીશું.
KG થી PG સુધીની તમામ દીકરીઓને નિઃશુલ્ક ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરીશું.
આર્થિક રીતે નબળા પરિવારની કોલેજ જતી દીકરીઓને મેરિટ પ્રમાણે ઈલેક્ટ્રિક સ્કૂટર આપવા માટે ‘શારદા મહેતા યોજના’ શરૂ કરીશું.
ગુજરાતમાં મહિલા સિનિયર સિટિઝન માટે નિઃશુલ્ક બસ મુસાફરીની યોજના લાવીશું. આવનારા પાંચ વર્ષોમાં મહિલાઓ માટે 1 લાખથી વધુ સરકારી નોકરીઓનું નિર્માણ કરીશું.
શ્રમિકોને ₹2 લાખ સુધીની કોલેટરલ ફ્રી લોન આપવા શ્રમિક ક્રેડિટ કાર્ડ રજૂ કરીશું.
ઉચ્ચ શિક્ષણ માટેની ભારતની NIRFમાં ટોચની રેન્કિંગ સંસ્થા અથવા વિશ્વની ટોચની સંસ્થામાં પ્રવેશ મેળવનાર દરેક OBC/ST/SC/EWS વિદ્યાર્થીઓને ₹50,000નું પ્રોત્સાહન અનુદાન આપીશું.
‘ગુજરાત યુનિફોર્મ સિવિલ કોડ’ કમિટીની ભલામણોનો સંપૂર્ણપણે અમલ થાય તે સુનિશ્ચિત કરીશું.
‘એન્ટિ રેડિકલાઈઝેશન સેલ’ બનાવીશું જે દેશવિરોધી તત્વો અને આતંકવાદી સંગઠનોના સ્લીપર સેલને ઓળખીને તેને દૂર કરવાનું કામ કરશે.
રમખાણો, હિંસક વિરોધ, અશાંતિ વગેરે દરમિયાન અસામાજિક તત્વો દ્વારા જાહેર અને ખાનગી મિલકતોને થયેલા નુકસાનની વસૂલાત કરવા માટે ‘ગુજરાત રિકવરી ઑફ ડેમેજ ઑફ પબ્લિક એન્ડ પ્રાઇવેટ પ્રોપર્ટી એક્ટ’ લાગુ કરીશું.
₹1,000 કરોડથી વધુનો ખર્ચ કરીને મજબૂત માળખાકીય સુવિધાઓ, શ્રેષ્ઠ-વર્ગના સાધન-શસ્ત્રોની ખરીદી, અપરાધ અટકાવવામાં મદદ કરે તેવી આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ અને પોલીસ માટે ભારતનું સૌથી મજબૂત IT ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરવાના લક્ષ્ય સાથે પોલીસ દળનું આધુનિકીકરણ કરીશું.
ગુજરાતને 1 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવા મેન્યુફેક્ચરિંગ પાવરહાઉસ તરીકેનું સ્થાન જાળવી રાખીશું ઉપરાંત સર્વિસ સેક્ટર પર ફોકસ કરીને નવા યુગને અનુરૂપ ઉદ્યોગો માટે હ્યુમન-ઇન્સ્ટિટ્યૂશનલ કેપસીટી બિલ્ડીંગમાં રોકાણ કરીશું.
₹5 લાખ કરોડનું વિદેશી રોકાણ આકર્ષીને ગુજરાતને ભારતનું ડિફેન્સ અને એવિએશન મેન્યુફેક્ચરિંગ હબ બનાવીશું.
દેશમાં પહેલી વાર 3,000 કિ.મી. લાંબો અને સમગ્ર ગુજરાતને આવરી લેતો 4-6 લેનનો ‘પરિક્રમા પથ’ બનાવીશું. જેમાં સાઉથ ઈસ્ટર્ન પેરિફેરલ હાઈ-વે અને નોર્થ વેસ્ટર્ન પેરિફેરલ હાઈ-વે બનાવીશું.
‘ગુજરાત લિંક કોરિડોર્સ’નો વિકાસ કરીશું, જેમાં હાલના હાઈ-વેને વધુ લંબાવીશું અને ખૂટતી કડીઓ સમાન કામ પૂર્ણ કરીશું. પૂર્વ-પશ્ચિમ કોરિડોર દાહોદથી પોરબંદરને જોડશે અને ઉત્તર-દક્ષિણ કોરિડોર પાલનપુરથી વલસાડને જોડશે.
મહત્વના આર્થિક કેન્દ્રો અને નેશનલ હાઈ-વે વચ્ચે મજબૂત કનેક્ટિવિટી વિકસાવવા માટે ‘સૌરાષ્ટ્ર એક્સપ્રેસ હાઈ-વે ગ્રીડ’ને વિકસાવીશું.
શહેરી વિસ્તારોમાં ગીચતા ઘટાડવા (સેટેલાઇટ ટાઉનશીપ્સ) અને નાગરિકોના જીવનસ્તરમાં સુધારો કરવા (રિવરફ્રન્ટ, રિક્રિએશનલ પાર્ક્સ, અર્બન ફોરેસ્ટ, ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ્સ) માટે ગુજરાત શહેરી વિકાસ મિશન હેઠળ ₹25,000 કરોડનો ખર્ચ કરીશું.
ગાંધીનગર અને સુરત મેટ્રોની કામગીરીને નિર્ધારિત સમયમર્યાદા પૂર્ણ કરવાનું સુનિશ્ચિત કરીશું અને સૌરાષ્ટ્ર (રાજકોટ) અને મધ્ય ગુજરાત (વડોદરા)ની પ્રથમ મેટ્રો રેલ સેવા પર ઝડપથી કામ શરૂ કરીશું.
દ્વારકા પશ્ચિમ ભારતનું સૌથી મોટું આધ્યાત્મિક કેન્દ્ર બને તે માટે ‘દેવભૂમિ દ્વારકા કોરિડોર’ બનાવીશું, જેમાં ભગવાન શ્રી કૃષ્ણની વિશ્વની સૌથી મોટી પ્રતિમા, 3D ઇમર્સિવ (Immersive) શ્રીમદ્દ ભગવદ્ ગીતા એક્સપિરિયન્સ ઝોન તથા વિલુપ્ત દ્વારકાનગરીની વ્યૂઇંગ ગેલેરી હશે
મંદિરોના જીર્ણોદ્ધાર અને વિસ્તરણ માટે સોમનાથ, અંબાજી તથા પાવાગઢના સફળ ટ્રાન્સફોર્મેશન મોડેલને અનુસરીને આ હેતુ માટે ₹1,000 કરોડ ફાળવીશું.
રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતના ઉન્નત સાંસ્કૃતિક વારસાનું મહત્વ વધારવા માટે ₹2,500 કરોડનું રોકાણ કરીશું.
સંકલ્પપત્ર લોન્ચિંગ પ્રસંગે ગુજરાત પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે કહ્યું હતું કે, ભાજપ લોકોની અપેક્ષા પૂર્ણ કરતી પાર્ટી છે. અલગ-અલગ માધ્યમો દ્વારા સૂચનો મગાવવામાં આવ્યા હતા. ગુજરાતના લોકોએ સૂચવેલા સૂચનોનો દસ્તાવેજ છે, અમારો સંકલ્પ પત્ર. ભાજપે અત્યાર સુધી તમામ સંકલ્પો પૂર્ણ કર્યા છે.
ઘોષણાપત્રની નહીં વૈશ્વિક યાત્રાનો દસ્તાવેજ- ભૂપેન્દ્ર પટેલ
જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, અગ્રેસર ગુજરાત 2022 સંકલ્પ પત્ર પ્રજા સમક્ષ રજુ થઈ રહ્યું છે. ગુજરાતની જનતાએ અપ્રતીમ પ્રેમ અને સ્નેહ આપ્યો છે. ભાજપનો આ સંકલ્પ અન્ય પાર્ટીની જેમ ઘોષણા પત્ર નથી. વૈશ્વિક યાત્રાનો દસ્તાવેજ છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022)માં બે તબક્કામાં મતદાન થવાનું છે. પ્રથમ તબક્કામાં 89 બેઠકો માટે 1 ડિસેમ્બર અને બીજા તબક્કામાં 93 બેઠકો માટે 5 ડિસેમ્બરના રોજ મતદાન થશે. જ્યારે 8 ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે.