બોરવેલમાં 45 થી 50 ફૂટના અંતરે હોવાનું પ્રાથમિક અનુમાન

બાળકી બોરવેલમાં પડી હોવા અંગે અમરેલી ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવતા ફાયર વિભાગની ટીમ બનાવ સ્થળે પહોંચી છે અને બાળકીન હેમખેમ બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. દોઢ વર્ષની બાળકી બારવેલમાં 45થી 50 ફૂટના અંતરે ફસાઈ હોવાનું પ્રાથમિક અનુમાન છે. તંત્ર દ્વારા બાળકીને બચાવવા સઘન કામગીરી કરવામાં આવી રહી છે.તંત્ર દ્વારા ઓક્સિજન સપ્લાય સાથે બોરમાં કેમેરા ઉતારીને બાળકીની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.આરોહીને બચાવવાની કામગીરીઓ તંત્ર દ્વારા શરૂ કરાઇ છે. ત્યારે બીજી તરફ માસૂમ બોરવેલમાં પડી જતાં પરિવાર સહિત ગ્રામજનો ચિંતાતૂર થયા છે.

તંત્રની તમામ ટીમો ઘટનાસ્થળે: સાંસદ ભરત સુતરીયા

અમરેલીના સાંસદ ભરત સુતરીયાએ જણાવ્યું હતું કે, અમારી કલેક્ટર સાથે મિટિંગ ચાલતી હતી. જોકે, આ ઘટનાની જાણ થતાં અમે મિટિંગ મૌકુફ રાખીને અહીંયા પહોંચ્યા છે. તંત્રની તમામ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઇ છે અને હજી પણ વધુ ટીમો આવી રહી છે. બાળકીને જલ્દી બહાર કાઢવાના તમામ પ્રયત્નો તંત્ર દ્વારા કરાઇ રહ્યા છે.

રોબોટની મદદથી રેસ્ક્યૂ ઓપરેશન જલ્દી થશે: ધારાસભ્ય જનક તળાવિયા

ધારાસભ્ય જનક તળાવિયાએ જણાવ્યું હતું કે અમને જાણ થતાં જ અમે ઘટનાસ્થળે પહોંચ્યા છીએ. તંત્ર પણ તુરંત ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. હાલ બાળકીને બચાવવા માટેના તમામ પ્રયત્નો ચાલુ છે. બાળકીને બહાર કાઢ્યા બાદ આરોગ્યની પણ તમામ સુવિધા છે. હાલ રાજૂલાથી રોબોટ પહોંચવાની તૈયારી છે. રોબોટની મદદથી બાળકીનું રેસ્ક્યૂ ઓપરેશન જલ્દી થશે.