સુરત: સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં સામુહિક આપઘાતની ઘટના સામે આવી છે જ્યાં એક જ પરિવારના ચાર સભ્યોએ સામુહિક આપઘાત કરી લીધો છે. જહાંગીરપુરા વિસ્તારમાં એક જ પરિવારના ચાર સભ્યોના ઘરમાંથી મૃતદેહો મળી આવતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે. ઘટના પાછળનું કારણ હાલ અકબંધ છે. પોલીસે આજુબાજુનાં ઘરના લોકોનાં નિવેદન લેવાનું શરૂ કર્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરત શહેરના જહાંગીરપુરા વિસ્તારની એક સોસાયટીમાં એક જ પરિવારના ચાર સભ્યોના મૃતદેહ તેમના જ મકાનમાં મળી આવ્યા છે. જેની જાણકારી પાડોશીઓને થતા તેમણે આ અંગે સ્થાનિક પોલીસને જાણ કરી હતી, જે બાદ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસ તપાસ દરમિયાન પરિવારના સભ્યોના મૃતદેહો પલંગમાં જ મળી આવ્યા છે. ત્યાં જ પ્રાથમિક તપાસમાં પોલીસે આશંકા વ્યક્ત કરી છે કે, પરિવારના સભ્યોએ સામુહિક આપઘાત કર્યો હોય શકે.
મૃતક ચારેય વૃદ્ધો હોવાની માહિતી મળી
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, રાજન રેસિડેન્સીના પાંચમાં માળે ફ્લેટમાં ચાર વૃદ્ધો રહેતા હતા. જેમાં ત્રણ મહિલા અને એક પુરૂષનો સમાવેશ થાય છે. રાત્રે જમ્યા બાદ ચારેય સૂતા હતા અને સવારે ઊઠ્યા જ નહીં અને મૃત હાલતમાં મળી આવ્યા છે. બાજુમાં જ પરિવારનો એક પુત્ર રહે છે. તે સવારે દરવાજો ખખડાવ્યો પણ ખોલ્યો નહોતો. આથી તેની પાસે બીજી ચાવી હતી તેનાથી ઘરનો દરવાજો ખોલ્યો હતો. અંદર જોતા ચારેય વૃદ્ધો મૃત હાલતમાં જોવા મળ્યા હતા. ચારેયે રાત્રે પૂરી અને કેરીનો રસ આરોગ્યો હતો. ત્યારબાદ ફૂડ પોઈઝિંગ થયું હોય તેવું પણ માનવામાં આવે છે. ચારેયના મોત હાલ શંકાસ્પદ માનવામાં આવી રહ્યા છે.
રાજહંસ રેસિડેન્સીના ઈ બિલ્ડિંગના પાંચમાં માળે 504 નંબરના ફ્લેટમાં આ બનાવ બન્યો છે. અંદર પ્રવેશતા એક વૃદ્ધનો મૃતદેહ જમીન પર ગાદલા પર પડ્યો હતો. તેની સામે જ સેટી પર બે મહિલાના મૃતદેહ પડ્યા હતા. જ્યારે એક મહિલાને વોમિટિંગ થયા બાદ ઊંધા પડેલા જોવા મળ્યા હતા. આ ઘટનાથી રહસ્ય ઘેરાયું છે, કારણ કે, ઘટનામાં ચારેયે આપઘાત કર્યો છે કે ફૂડ પોઈઝનિંગથી મોત થયું છે? આ સવાલ હાલ ઉઠ્યો છે. જો કે, પોલીસ તપાસ બાદ જ ઘટનાનું સાચુ કારણ જાણવા મળશે.
મૃતકોના નામ
- જશુબેન કેશવભાઈ વાઢેર (ઉં.વ.58)
- શાંતુબેન વાઢેર (ઉં.વ.55)
- ગૌબેન હીરાભાઈ વાઢેર (ઉં.વ. 55)
- હીરાભાઈ દાનભાઈ મેવાડા (ઉં.વ. 60)
કંઈ સમજાતું નથી-સંબંધી
હંસાબેને કહ્યું કે, આ મારા વેવાણ થાય. મેં દીકરી આપી હતી. અમને ફોન આવ્યો એટલે દોડા દોડ આવ્યાં હતાં. અમારા છોકરા અને વહુ આવ્યાં હતાં. પરિવારમાં દીકરી જમાઈ અને વેવાણ પણ છે. ભત્રિજીએ કહ્યું કે, રાત્રે મેમાન આવ્યા હોવાથી જમીને સૂતા હતાં. મેમાન જુદા પડ્યાં. વહુને છોકરો નીચે ગયા હતાં. સવારે નાસ્તો આપવા વહુ ઉપર ગઈ હતી. પરંતુ દરવાજો ખોલતા નહોતા. શું થયું તે કોઈને અંદાજ આવતો નથી. સવારે તેમના દીકરાએ મને જાણ કરી હતી. મારા કાકી બેંકમાં કામ કરતાં હતાં.
એફએસએલની ટીમ બોલાવી છેઃ એસીપી
એસીપી આર.પી. ઝાલાએ જણાવ્યું હતું કે, હાલમાં તમામનું કઈ રીતે મોત થયું છે તેની કોઈ માહિતી મળી નથી. ફૂડ પોઈઝનિંગ છે કે સુસાઈડ કર્યું છે કે શું છે ખરેખર એ જાણવા માટે એફએસએલની ટીમ બોલાવી છે. મૃતકનો દીકરો મુકેશભાઈ પણ બાજુના મકાનમાં રહે છે. વીડિયોગ્રાફી કરી આખા ઘરનું સર્ચ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. મરનારના નામમાં એકનું નામ જાણવા મળ્યું છે, જેનું નામ જશુબેન છે.
ગઈકાલે રાત્રે બધા સાથે જમ્યા હતા
સંબંધી જયેન્દ્રસિંહે જણાવ્યું હતું કે, આ પરિવાર મારા કાકા થાય છે. મારા કાકા કોરોનામાં ગુજરી ગયા હતા. મારા કાકી અને તેના બે છોકરા અહીં રહે છે. મૃતકોમાં ત્રણ મહિલા અને એક પુરૂષ છે. ત્રણેય બહેનો છે, ગામડેથી આવ્યા છે એને હું ઓળખતો નથી. ગઈકાલે રાત્રે બધા સાથે જમ્યા હતા. બાદમાં સવારે તેના પરિવારના એક બહેન નાસ્તો લઈને આવ્યા ત્યારે ઘરમાં બધા ગમે તેમ પડેલા હતા. પોલીસની કાર્યવાહી થાય અને મેડિકલ રિપોર્ટ આવે તેના પર બધો મદાર છે. પરિવારમાં પાંચ સભ્યો છે. જેમાં નાનો દીકરો ગોવા છે અને બીજો અહીંયા જ રહે છે.
સામૂહિક આત્મહત્યા કે મૃત્યુ?
માહિતી અનુસાર, પતિ-પત્ની અને 1 સાળી સાથે રહેતા હતા. જયારે એન્ય એક સાળી થોડા દિવસ પહેલા સાથે રહેવા આવી હતી. રાતે જમીને ઊંઘતા બાદ સવારે કોઈ ઉઠ્યું જ નહીં. એક પરિજને જણાવ્યું કે તેઓ રાતે દાળભાત જમીને ઊંઘ્યા હતા. પરિવારમાં કોઈ આર્થિક તકલીફ ન હતી. જયારે પાડોશીએ જણાવ્યું કે પરિવારમાં કોઈને કોઈ તકલીફ ન હતી. ત્યારે પોલીસે ઘટના સ્થળે પહોંચીને આગળની તપાસ શરૂ કરી દીધી છે. FSL ટીમે પણ આ અંગે તપાસ શરૂ કરી દીધી છે. આ સામૂહિક આત્મહત્યા કે મૃત્યુ આ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube