November 21, 2024
KalTak 24 News
Gujarat

સુરતમાં મોટી દુર્ઘટના: નાના વરાછામાં મેટ્રો પ્રોજેક્ટના કામમાં લાગેલી ક્રેન અચાનક નજીકના ઘર પર પડી; સદનસીબે જાનહાની ટળી

a-crane-overturned-during-metro-operation-in-surat-nana-varachha-gujarat-news

Surat News: સુરતના નાના વરાછા વિસ્તારમાં મેટ્રોનું હાઇડ્રોલિક લોન્ચર મશીન ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. મેટ્રો રેલની કામગીરી દરમિયાન એકાએક એક ક્રેન વચ્ચેથી વળી ગઈ હતી, જેના કારણે બીજી ક્રેન પર બધો વજન આવી જતા બીજી ક્રેઇન ત્રાંસી થઈને પડી ગઈ હતી અને હાઇડ્રોલિક મશીન ધરાશાયી થયું. આ ઘટનાને પગલે આજુબાજુના રહીશોમાં ડરનો માહોલ ઉભો થયો હતો. જોકે, હાલ તો ફાયરના અધિકારીઓ અને પોલીસની ટીમો ઘટના સ્થળે પહોંચી ગયા છે અને રસ્તો બંધ કરી કામગીરી શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે, મીકેનિકલ ફેલ્યોરના કારણે આ અકસ્માત સર્જાયો છે. જોકે, આ અંગે હજુ પણ તપાસ ચાલુ છે.

 

પિલ્લર ઉપર ચડાવવામાં આવતો હતો ત્યારે ઘટના ઘટી

સુરતમાં મેટ્રોની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે નાના વરાછા વિસ્તારમાં હાઇડ્રોલિક ક્રેન ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે, સુરતના નાના વરાછા વિસ્તારમાં આવેલ તપોવન સર્કલ પાસે હાઇડ્રોલિક મશીન ધરાશાયી થયું છે. આ મશીનની મદદથી ક્રેન દ્વારા પિલ્લર ઉચકી ઉપર ચડાવવામાં આવી રહ્યો હતો, તે દરમિયાન આ ઘટના બની છે.

Cran Crash in Surat three.jpg

પિલર પર સ્પાન બનાવવા માટે આ હાઇડ્રોલિક મશીન કામ કરે છે. આ મશીનને ઉપર ચડાવવા માટે બે મોટી અને હેવી ક્રેન દ્વારા પિલરની ઉપર હાઇડ્રોલિકને ચડાવવામાં આવી રહ્યું હતું. આ દરમ્યાન એક ક્રેન વચ્ચેથી વળી ગઈ હતી. જેના કારણે બીજી ક્રેન પર બધો વજન આવી જતા બીજી ક્રેઇન ત્રાંસી થઈને પડી ગઈ હતી. આ સાથે જ હવામાં લટકતું હાઇડ્રોલિક મશીન મકાન પર પડ્યું હતું. હાઇડ્રોલિક મશીન મકાન પર પડતા મકાનના આગળના ભાગને નુકસાન પહોંચ્યું છે. સદનસીબે આ મકાનમાં કોઈ હાજર ન હોવાથી મોટી જાનહાની ટળી હતી.

News18 Gujarati

જ્યારે આ ઘટના બની ત્યારે આજુબાજુના રહીશોમાં ભારે ડરનો માહોલ ઉભો થયો હતો. ધડાકાભેર અવાજ આવતા આજુબાજુના રહીશો ડરી ગયા હતા અને ભાગવા લાગ્યા હતા. હાઇડ્રોલિક મશીન અને ક્રેન નીચે પડ્યા ત્યારે ત્યાં પાર્ક કરેલી ત્રણ જેટલી ફોવ્હીલર કારો દબાઈ ગઈ હતી અને નુકસાન પહોંચ્યું હતું..જો કે ઘટનાને પગલે તાત્કાલિક જ ફાયરની ટીમ અને પોલીસની ટીમો પહોંચી ગઈ છે અને રસ્તો બંધ કરી કામગીરી શરૂ કરી છે.

હાર્દિક પટેલ, ફાયર ઓફિસર

કોઈ જાનહાનિ સામે આવી નથી

ફાયર ઓફિસરે જણાવ્યું કે, ફાયર કંટ્રોલથી કોલ મળેલ કે નાના વરાછા વિસ્તાર પાસે મેટ્રોની કામગીરી ચાલુ છે અને ત્યાં આકસ્મિક ઘટના ઘટી છે. ક્રેન છે જે નજીકમાં બંગ્લો છે તેની નજીક પડી છે. તુરંત જ ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટનાસ્થળે જવા માટે રવાના થઈ ગઈ હતી. ઘટનાસ્થળે આવીને સ્થિતિ જોતા ખ્યાલ મળ્યો કે, બે ક્રેન કામગીરી દરમિયાન કોઈ વસ્તુ ઊઠાવી રહી હતી ત્યારે એક ક્રેન બેન્ડ વળી જતા બીજી ક્રેન પર ભાર પડતા આ ઘટના ઘટી છે. તપાસમાં કોઈ જાનહાનિ સામે આવી નથી પરંતુ, ઘટના સમયે ગભરાઈને ડ્રાઈવર કૂદી જતાં સામાન્ય ઈજાગ્રસ્ત થયો છે, જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે.

WhatsApp Image 2024 08 22 at 8.44.18 PM
દક્ષેશ માવાણી, મેયર

ગુનેગાર વિરુદ્ધ કાયદેસરના પગલાં લેવામાં આવે

મેયર દક્ષેશ માવાણી પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ઘટના અંગે પૂછતા જણાવ્યું કે, આ ઘટના ખૂબ જ ગંભીર છે. થોડા દિવસ પહેલા પણ આવી ઘટના ઘટી હતી. આ પ્રોજેક્ટનું કામ ગુજરાત મેટ્રો રેલને આધીન છે. સુરત મહાનગરપાલિકા દ્વારા અગાઉની ઘટનામાં પણ ગંભીરતાથી નોંધ લઈને જાણ કરાઈ હતી કે, આવી ઘટના વારંવાર ન ઘટે. જોકે, ઘટના ફરીવાર ઘટી છે ત્યારે મેટ્રો રેલના અધિકારીઓ સાથે વાત કરી છે ને જે કોઈ આમા ગુનેગાર છે તેમના વિરુદ્ધ કાયદેસરના પગલાં લેવામાં આવે. જે પણ કોન્ટ્રાક્ટર હોય તેમની વિરુદ્ધ કાયદેસરના પગલાં ભરે.

અગાઉ પણ સ્પાન તૂટવાની ઘટના ઘટી હતી

AAP પક્ષના નેતા પાયલ સાકરિયા પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આ ઘટના અંગે પૂછતા તેઓએ જણાવ્યું હતું કે, અહીં મેટ્રો રેલની કામગીરી ચાલતી હતી. આ કામગીરી દરમિયાન એક ક્રેન આડી પડી ગઈ છે અને બીજી ક્રેન મકાન પર પડી છે. રસ્તો પણ બંધ છે. ક્રેન પડી શા માટે? કેમ આવી ગંભીર પ્રકારની બેદરકારી સામે આવી છે? આના પહેલા પણ મેટ્રોની કામગીરી દરમિયાન અનેક ઘટનાઓ ઘટી છે. પહેલા સ્પાન તૂટવાની ઘટના ઘટી હતી. એ સ્પાનવાળી ઘટનાનું ભીનું સંકેલવા માટે એવું કહ્યું હતું કે, અમે કોન્ટ્રાક્ટરને શો-કોઝ આપીશું ને ખુલાસા બાદ પગલાં લેશું. આજે આ ઘટનાને 1 મહિનો થઈ ગયો છે તો કેમ કોઈ કાર્યવાહી કરી નથી. કોઈપણ ઘટના ઘટે અધિકારીઓમાં કોઈને ડર જ નથી. કોન્ટ્રાક્ટર એની મસ્તીમાં કામ કરે છે. કોણ મૃત્યુ પામે છે કે કોણ જીવે છે? તેની સાથે તેને કોઈ લેવા દેવા જ નથી. આ તો સારુ છે ભગવાનનો આભાર માનીએ કે, અહીં કોઈ જાનહાનિ નથી થઈ.

News18 Gujarati

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, આ રસ્તા પર બે-બે શાળાઓ, બાળકો સ્કૂલે જવા માટે અવરજવર કરતા હોય છે ને વિસ્તાર દીઠ હજારો લોકોની અવરજવર થતી હોય છે એ સમયે આ ઘટના ઘટી હોત તો કેટલાય લોકોનો જીવ લેવાઈ જાત. આટલી ગંભીર ઘટના બાદ પણ શાસકો કે મેટ્રોવાળાની આંખો ખુલતી નથી. હજુ તો પ્રોજેક્ટ અડધે પણ નહી પહોંચ્યો હોય ત્યાં આવી ઘટનાઓ ઘટે છે, પૂરો થતાં-થતાં કેટલી ઘટના ઘટશે? આનો કેટલાય લોકો શિકાર બનશે. આ લોકોને બિલકુલ છાંવરવા ન જોઈએ અને શાસકોએ આમના પર એક્શન લેવા જોઈએ. એક્શન લેવડાવશો તો સુરત શહેરના લોકોને વિશ્વાસ આવશે કે ભવિષ્યમાં આવી કોઈ ઘટના નહી ઘટે. ફક્ત પ્રોજેક્ટનો જશ જ નહી પણ સાથે-સાથે જવાબદારી લેવી જોઈએ.

News18 Gujarati

ગાડીનું ફેલ્યોર થઈ જાય એમ આ પણ એક મિકેનિકલ ફેલ્યોર જ હતું

ઘટનાસ્થળે હાજર ગુજરાત મેટ્રો રેલ પ્રોજેક્ટના જનરલ મેનેજર પ્રવીણ એરાવતે જણાવ્યું હતું કે પ્રોસિજર મુજબ કામગીરી એકદમ યોગ્ય ચાલી રહી હતી. આ મિકેનિકલ મશીનરી ફેલ્યોર છે. આ એક અકસ્માત જ છે તોપણ અમે આ ઘટનાની સંપૂર્ણ તપાસ કરી રહ્યા છીએ. જે પણ આમાં ડેમેજ થયું છે એમાં અમે ક્રેનથી ટેન્ડમ લિફ્ટિંગ કરીને અમારો જે એલ.જી. બોક્સ, જે અમારું લોન્ચિંગ ગડર છે એનું બોક્સ ઉઠાવી રહ્યા હતા. આ ઘટનામાં અમારાં બંને ક્રેન ડેમેજ થયાં છે ને એક ઘરને નુકસાન પહોંચ્યું છે તથા એક બાઉન્ડરી વોલ ડેમેજ થઈ છે. આ ફક્ત એક અકસ્માત છે. આ અકસ્માતમાં અમુક વસ્તુઓ નિયંત્રણ બહાર હતી. જેમ તમારી ગાડીનું ફેલ્યોર થઈ જાય એમ આ પણ એક મિકેનિકલ ફેલ્યોર જ હતું.

જ્યારે તેમને આ કામગીરીના કોન્ટ્રેક્ટર વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે આ કામગીરીનો કોન્ટ્રેક્ટર RBL(રણજિત બિલ્ડકોન લિમિટેડ) છે. બેદરકારી દાખવનારને સજા આપવામાં આવશે કે નહિ? એવું પૂછતાં તેમણે જણાવ્યું, અમારુ પહેલું કામ છે ફેક્ચ્યૂલ ડેટાની ચકાસણી કરવી કે ફેક્ટ શું છે? એકવાર ફેક્ટ સામે આવે એ પછી સજા શું આપવી? એ નક્કી કરી શકાય. જોકે એની પહેલાં જે કામ કરવાનું છે એ છે ડેમેજ કંટ્રોલ કરવાનું અને અમે હાલ એ કરી રહ્યા છીએ.

 

 

Group 69

 

 

Related posts

ભાવનગર-અમદાવાદ શોર્ટ રૂટ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો,બાળક સહિત 5 લોકોનાં કમકમાટીભર્યાં મોત

KalTak24 News Team

ELECTION BREAKING: રેશ્મા પટેલે NCPમાંથી આપ્યું રાજીનામું,આપમાં જોડાઇ શકે છે તેવા સંકેત

Sanskar Sojitra

ગુજરાતના આ શહેરમાં 500 કરોડના ખર્ચે બનનાર ‘સરદારધામ’નું કરાયું ભૂમિપૂજન,2 હજાર વિદ્યાર્થી રહી શકે એવી વ્યવસ્થા

Sanskar Sojitra
Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News શ્રાવણ મહિનાની શરૂઆતે જ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને કેદારનાથ અને શિવજીની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવ્યા અને હિમાલય દર્શનનો કરાયો શણગાર..