- દીકરીને એસિડ પીવડાવ્યા બાદ માતાનો આપઘાત
- ભીમોરા ગામે માતાએ પણ એસિડ પી કર્યો આપઘાત
- આપઘાત કર્યો તે અંગે કારણ હજુ અકબંધ
Rajkot News: રાજકોટના ઉપલેટાના ભીમોરા ગામે ઘરે એકલી રહેલી પરિણીતાએ પોતાની 9 માસની માસુમ પુત્રીને એસિડ પીવડાવ્યા બાદ પોતે પણ એસિડ ગટગટાવી લીધું હતું. ગૃહ કંકાશના કારણે પરિણીતાએ આ પગલું ભર્યા બાદ પતિને ફોન કરી જાણ કરતાં પરિવારજનો ઘરે દોડી ગયા હતાં અને માતા પુત્રીને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. પરંતુ પરિણીતાનું સારવાર મળે તે પહેલા જ મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે માસુમ પુત્રીની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પોલીસે પરિણીતા સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ, ઉપલેટાના ભીમોરા ગામે રહેતા મનીષાબેન જગાભાઈ મકવાણા નામની પરિણીતાએ ગઈકાલે બપોરે ઘરે એકલી હતી. ત્યારે પોતાની 9 માસની માસુમ પુત્રી ધાર્મિને એસિડ પીવડાવ્યા બાદ પોતે પણ એસિડ ગટગટાવી લીધું હતું. આ બનાવ બાદ પરિણીતાએ વાડીએ કામે ગયેલા પતિ જગાભાઈ મકવાણાને ફોન કરી જાણ કરતાં પરિવારજનો ઘરે દોડી ગયા હતા અને માતા પુત્રીને બેભાન હાલતમાં હોસ્પિટલે લઈ ગયા હતાં. જ્યાં પરિણીતાનું સારવાર મળે તે પહેલા જ મૃત્યુ નિપજ્યું હતું.
મારે સંતાનમાં એક જ દીકરી છે
પોલીસને આપેલી ફરિયાદમાં ફરિયાદીએ જણાવ્યું છે કે, તેઓ રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ભીમોરા ગામ ખાતે રહે છે. રવિવારના રોજ બપોરના ત્રણ વાગ્યાના અરસામાં પત્ની મનીષાનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, મે એસિડ પી લીધું છે તમે ઘરે આવો. જેથી તાત્કાલિક અસરથી હું તેમજ મારી માતા અને નાનો ભાઈ ઘરે પહોંચ્યા હતા. ઘરે પહોંચતા પત્ની ગાદલા ઉપર આળોતી હતી અને ઉલટી કરતી હતી તેમજ દીકરી ધાર્મિને પણ ઉલટી થતી હતી. તો સાથે જ મોઢા ઉપર ફીણ પણ આવી ગયા હતા.
વધુમાં જણાવ્યું હતું કે, જોકે, સારવાર દરમિયાન મારી પત્નીનું મોત થયું હતું અને મારી દીકરી ધાર્મીની તબિયત વધારે ગંભીર થતા તેને મારા મોટાભાઈ રામભાઈ ઘેલાભાઇ મકવાણા રાજકોટ સરકારી દવાખાને સારવારમાં લઈ ગયા છે. હાલ મારી દીકરીની સારવાર ચાલુ છે અને મારી પત્ની મનિષા કોઈ કારણે આવેશમાં આવી અમારા ઘરે એકલી હોઇ તે સમય દરમિયાન પોતે જાતે એસિડ પી મારી દીકરી ધાર્મીને પણ મારી નાખવાના ઇરાદે એસિડ પીવડાવી પોતે મરણ ગયેલ તો મારી પત્ની વિરુદ્ધ ફરિયાદ નોંધાવું છું.
માસૂમ પુત્રીની હાલત ગંભીર હોય વધુ સારવાર અર્થે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ બનાવ અંગે પાટણવાવ પોલીસે જગાભાઈ ગાંડાભાઈ મકવાણાની ફરિયાદ પરથી પત્ની મનીષાબેન સામે પુત્રીની હત્યાનો પ્રયાસ કરવા અંગેનો ગુનો નોંધ્યો છે.
પોલીસની પુછપરછમાં મઘરવાડા ગામની મનીષાના બે વર્ષ પહેલા જ લગ્ન થયા હતા અને બનાવ સમયે પતિ, સાસુ અને દીયર વાડીએ કામે ગયા હતાં. ત્યારે આવેશમાં આવી જઈ આ પગલું ભરી લીધું હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. ગૃહકંકાશના કારણે બનેલી આ ઘટનાના કારણે પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.
છેલ્લા કેટલાક સમયથી માતાપિતા લાગણીહીન બન્યા હોય તેવું લાગી રહ્યું છે. માતાપિતાના ઝગડાઓમાં માસુમોની જિંદગી હણાઈ રહી છે. ક્યાંક બાળકોને તરછોડી દેવાય છે, તો ક્યાંક બાળકોને મોતને ઘાટ ઉતારી દેવાય છે. આવી ઘટનાઓ સભ્ય સમાજ પર અનેક આંગળીઓ ઉઠાવી રહી છે. પરંતું છતા માતાપિતા બાળકોની જિંદગી સાથે રમકડાની જેમ રમે છે. આ સમગ્ર ઘટનામાં 9 મહિનાની બાળકીનો શું વાંક હતો?
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube