સુરત(Surat) : ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે આવેલા અરવિંદ કેજરીવાલે(Arvind Kejriwal) આજે સુરતમાં પ્રેસ કોન્ફરન્સને સંબોધી હતી. જેમાં તેમણે સુરતની બે સીટ પર મોટા માર્જિનથી જીતવાનો દાવો કર્યો અને આ વાતને કાગળ પર લખીને આપી હતી. સાથે જ તેમણે યુવાનો અને મહિલાઓમાં આમ આદમી પાર્ટીનો ક્રેઝ વધારે હોવાનું કહ્યું હતું.
વેપારીઓને ધમકાવવામાં આવી રહ્યા હોવાનો દાવો
અરવિંદ કેજરીવાલે પ્રેસ સંબોધતા કહ્યું કે, અમે વેપારીઓ સાથે જુદી જુદી જગ્યાએ સંવાદ કર્યા. બધી જગ્યાએ વેપારીઓને ડરાવવામાં-ધમકાવવામાં આવી રહ્યા છે. તમામ વેપારીઓએ અમને ભરોસો આપ્યો છે. તે ખુલીને સાથે આવી શકે તેમ નથી તેમની મજબૂરી છે. નહીંતર તેમનો ધંધો ખરાબ કરી દેશે. પરંતુ અંદરખાને તેઓ AAPને સપોર્ટ કરી રહ્યા છે. અમારી પાર્ટી આવશે તો તમને પૈસા કમાવવાની તક મળશે અને સિસ્ટમને સારી કરીશું અને તમને માન-સન્માન આપીશું.
મહિલાઓ-યુવાનો કરી રહ્યા છે AAPને સપોર્ટ!
વધુ માં કહ્યું, ગુજરાતની મહિલા અને યુવાઓને અપીલ કરવા માગું છું. તમે પોતપોતાના ઘરના સભ્યોને પણ AAPને વોટ આપવા માટે તૈયાર કરે. મહિલાઓ વોટ આપી રહી છે કારણ કે પહેલીવાર કોઈ પાર્ટી કહી રહી છે કે અમે તેમને મોંઘવારીથી રાહત આપીશું. મહિનાના 15 દિવસમાં પૈસા પૂરા થઈ જાય છે. વીજળી બિલ ઘટાડવાની જાહેરાતથી મહિલાઓમાં ખાસ ઉત્સાહ છે. બધા સર્વેમાં બતાવાઈ રહ્યું છે કે યુવા અને મહિલાઓના વોટ મામલે ભાજપથી AAP ખૂબ આગળ નીકળી ગઈ છે. મારી મહિલા અને યુવાઓને અપીલ છે કે તેઓ પોતાના ઘરના સદસ્યોને મનાવીને AAPને વોટ આપવા લઈ જાય.
સુરતમાં 7-8 જેટલી સીટ મળવાનો દાવો
સુરતમાં કેટલી બેઠકો મળશે તેના પર કેજરીવાલે કહ્યું કે, AAPની ગુજરાતમાં 92થી ઉપર સીટ આવી રહી છે. સુરતમાં 7-8થી વધારે સીટ આવશે. તેમણે લખીને આપ્યું હતું કે, ગોપાલ ભાઈ મોટા માર્જિનથી જીતી રહ્યા છે. CM ઈસુદાન ભારે માર્જિનથી જીતી રહ્યા છે. અલ્પેશ કથીરિયા ભારે માર્જિનથી જીતી રહ્યા છે. મોંઘવારીનું ભાજપે કોઈ સમાધાન આપ્યું નથી. આ ચૂંટણીમાં તમામ સર્વેમાં મોંઘવારી અને બેરોજગારી સૌથી મોટા મુદ્દા હોવાનું કહેવાઈ રહ્યું છે. કોઈ પાર્ટીઓ આ મુદ્દાની વાત જ નથી કરી રહી. આ કારણે જ લોકો અમારી પાસે આવી રહ્યા છે. આથી ખાસ કરીને મહિલાઓ અને યુવાઓમાં અમારો ક્રેઝ છે.