Surat Murder Video : સુરતમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. સુરતના કતારગામના રત્નમાલા સર્કલ પાસે નજીવી બાબતે હત્યાની ઘટના સામે આવી છે. આ તરફ સમગ્ર ઘટનાના CCTV વિડીયો સામે આવ્યા છે. આ CCTVમાં આરોપી મયુર મેર યુવક પર પીકઅપ ચડાવીને ફરાર થતો જોવા મળ્યો. ઘટનાને લઈ લોકોના ટોળાં ઉમટી પડ્યા હતા. આ તરફ આરોપી પીકઅપ વાન લઈને ફરાર થઈ ગયો હતો.જ્યાં એક 56 વર્ષીય આધેડે એક ટેમ્પો ચાલકને ટેમ્પો ધ્યાનથી ચલાવવાનું કહેતા ચાલક ઉશ્કેરાયો હતો અને આધેડને ટેમ્પો વડે અડફેટે લઇ કચડી નાંખ્યા હતા. બનાવમાં આધેડનું મોત નીપજ્યું હતું. પોલીસે હત્યાનો ગુનો નોંધી ચાલકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આધેડ ટેમ્પો ચાલકને સમજાવવા ગયા હતા
બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, સુરતના કતારગામ વિસ્તારમાં રત્નમાલા સર્કલ પાસે નજીવી બાબતે બોલાચાલી થતા ટેમ્પા ચાલકે આધેડને ટેમ્પા અડફેટે લઈને કચડી નાંખ્યા હતા. 56 વર્ષીય જીતેન્દ્રભાઈ કંથારિયા તેમના પુત્ર સાથે કતારગામ રત્નમાલા સર્કલ પાસેથી પસાર થતા હતા. એ દરમ્યાન ટેમ્પાએ તેઓની બાઈકને ટક્કર મારી હતી જેથી ધ્યાનથી ગાડી ચલાવવાનું કહ્યું હતું. જેમાં બોલાચાલી થઇ હતી. જીતેન્દ્રભાઈ બાઈક પરથી ઉતરીને સમજાવવા ગયા હતા.
સુરતના કતારગામમાં રત્નમાલા સર્કલ પાસે ગાડી સાઈડમાં કરવા બાબતે બબાલ થતા આરોપીએ કરી હત્યા
મયુર મેર નામના આરોપીએ યુવક પર ચડાવી પીકઅપ વાન
આરોપીની ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી કતારગામ પોલીસ અને સુરત ક્રાઇમ બ્રાન્ચ
📸 : @Priykantnews#surat #ViralVideo #Crime #Katargam #Gujarat #News pic.twitter.com/hsC32DNVED— Sanskar Sojitra (@sanskar_sojitra) November 17, 2024
ટેમ્પો ચાલકે 15 ફૂટ સુધી ઢસડ્યા
ટેમ્પો ચાલક ઉશેકેરાઈ ગયો હતો અને ટેમ્પા ચાલકે જીતેન્દ્રભાઈને ટેમ્પાની અડફેટે લઈને આશરે 15 ફૂટ સુધી ઢસડીને લઇ ગયો હતો જેમાં ગંભીર ઈજા થતા જીતેન્દ્રભાઈને હોસ્પિટલ લઇ જવાયા હતા જ્યાં તબીબોએ તેઓને મૃત જાહેર કર્યા હતા. આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે જેમાં પોલીસે ટેમ્પા ચાલક મયુર અર્જુનભાઈ મેરની ધરપકડ કરી છે.
પોલીસે ટેમ્પો ચાલકને ઝડપ્યો
આ સમગ્ર ઘટનામાં સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં જોઈ શકાય છે કે ફોરવ્હીલ ટેમ્પો ચાલક જીતેન્દ્રભાઈને અડફેટે લે છે ત્યારબાદ ત્યાં લોકો પણ એકઠા થઇ જાય છે અને બાદમાં ટેમ્પો ચાલક ટેમ્પો લઈને ત્યાંથી ફરાર થઇ જાય છે. ક્રાઈમ બ્રાંચની ટીમે ટેમ્પા ચાલકને ઝડપી પાડ્યો હતો જયારે પોલીસે ટેમ્પો પણ જપ્ત કરી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મૃતક બેંક ઓફ બરોડામાં પ્યૂન તરીકે ફરજ બજાવતા હતા
વરિયાવ તાડવાડી વિસ્તારમાં 57 વર્ષીય મૃતક જિતેન્દ્રભાઈ વિશ્રામભાઈ કંથારિયા પરિવાર સાથે રહેતા હતા. પરિવારમાં પત્ની, બે દીકરા, એક દીકરી પરિણીત છે. જિતેન્દ્રભાઈ બેંક ઓફ બરોડામાં પ્યુન તરીકે ફરજ બજાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. જિતેન્દ્રભાઈ ગતરોજ દીકરાને નોકરી પરથી લઈને ઘરે જતા હતા. દરમિયાન કતારગામ રત્નમાલા સર્કલ નજીક પિકઅપ વાન સાઈડમાં કરવાને લઈને બોલાચાલી થયા બાદ તેમની પર પિકઅપ વાન ચડાવીને હત્યા કરી દેવામાં આવી હતી.
મૃતકના સંબંધી હિરેન કંથારિયાએ જણાવ્યું હતું કે, જિતેન્દ્રભાઈ આ પિકઅપ વાનચાલકને માત્ર સમજાવવા માટે ગયા હતા. માત્ર હજુ ટકોર જ કરી હતી ત્યાં જ ઉશ્કેરાઈ ગયેલા મયૂરે તેમના પર પિકઅપ વાન ચડાવી દીધી હતી અને 100થી 150 મીટર જેટલા ઢસડયા હતા. પુત્રની નજર સામે જ પિતાનું મોત નીપજ્યું હતું. આ મોત નહીં પણ હત્યા જ કરવામાં આવેલી છે. માત્ર ટકોર કરવાને લઈને કરપીણ હત્યા કરાય છે.
બીજી તરફ આ ઘટનાને લઇ કતારગામ પોલીસે તાત્કાલિક ધોરણે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. કતારગામ પોલીસની તપાસમાં સામે આવેલા સીસીટીવી ફૂટેજમાં આ ગંભીર ઘટના કેદ થઈ હતી. જે સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોવા મળે છે કે મૃતક અને ટેમ્પો ચાલક વચ્ચે બોલાચાલી થાય છે અને ત્યારબાદ બોલેરો પીકઅપ વાનનો ચાલક મૃતકને ઘસડી ગયા બાદ ફરાર થઈ જાય છે. જે સીસીટીવી ફૂટેજના આધારે કતારગામ પોલીસ દ્વારા બોલેરો પીકઅપ વાનના ચાલક સામે એટ્રોસિટી, હત્યા અને હિટ એન્ડ રનની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા હતા.
દરમિયાન આ ગુનામાં ફરાર બોલેરો પીકઅપ વાનના ચાલકને ઝડપી પાડવા કતારગામ પોલીસની અલગ અલગ ટીમો કામે લાગી હતી. જ્યાં સુરત ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે ગણતરીના કલાકોમાં જ બોલેરો પીકઅપ વાનના ચાલક મયુર મેરને ઝડપી પાડી કતારગામ પોલીસને સોપ્યો હતો. જ્યાં કતારગામ પોલીસ દ્વારા હાલ આરોપીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. જોકે બોલેરો પીકઅપ વાનના ચાલકની ગુંડાગર્દી કહો કે દાદાગીરીના કારણે એક પરિવારે આધાર સ્તંભ ગુમાવ્યો છે. ત્યારે આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ પરિવારજનોએ કરી છે.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube