- સુરતના પરિવારે ઘર માટે દાગીના વેચીને 4 લાખ રૂપિયા ભેગા કર્યા હતા.
- પુણા વિસ્તારમાંથી નીકળતા સમયે રોકડા ભરેલી બેગ રસ્તામાં પડી ગઈ હતી.
- રસ્તે જતા યુવકને બેગ મળ્યા બાદ માલિકને શોધીને પૈસા પરત કર્યા
Surat News: સુરતમાં હાલ ચાલતા હળાહળ કળિયુગમાં અનોખી ઈમાનદારીના દર્શન થયાં હતાં. વરાછા વિસ્તારમાં આવેલા યોગીચોક ખાતેની મહાલક્ષ્મી સોસાયટીમાં એક પરિવારના 4 લાખ રૂપિયા પડી ગયા હતાં. આ પરિવાર પોતાનું ઘર લેવા માટે થઈને 4 લાખ રૂપિયા લઈને જઈ રહ્યા હતા. આ દરમિયાન થેલી તૂટી જતાં રૂપિયા ખોવાયા હતાં. જે એક એવા વ્યક્તિને મળ્યા હતાં. જે ભાડે રહેતા હતાં. તેઓએ રૂપિયા પોતાની પાસે રાખવાની જગ્યાએ પરત કર્યા હતાં. જેથી લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતાં.
જુઓ VIDEO:
જ્વેલરી વેચી રૂપિયા ઘરે લઈ જતાં ઘટના બની
વાત એવી છે કે અશોકભાઈ મુંજાણી પ્રમુખ છાયા સોસાયટીમાં રહે છે. નવું મકાન ખરીદવા ઈચ્છતા હોવાને કારણે રૂપિયા ઘટતા હોવાથી પોતાની પત્નીનાં ઘરેણાં લઈને જ્વેલર્સ પાસે પહોંચ્યા હતા. જ્વેલર્સ પાસેથી રૂ.4,70,000 લઈને પોતાની બાઈક પર પત્ની સાથે તેઓ ઘરે પરત ફરી રહ્યા હતા. એમ્બ્રોડરીનું કામ કરતા અશોકભાઈ જ્યારે ઘર પરત ફરતા હતા ત્યારે મહાલક્ષ્મી સોસાયટી પાસે અંદાજે બપોરના બે વાગ્યાની આસપાસ 4 લાખ જેટલા રૂપિયા પડી ગયા હતા. પત્નીએ પોતાના પતિની જીવનભરની મૂડીમાંથી જે ઘરેણાં ખરીદ્યાં હતાં એ જ્વેલરને આપ્યા બાદ ઘરે પણ પહોંચ્યા નહીં અને રસ્તામાં જ એના રૂપિયા પડી જતાં આઘાત લાગ્યો હતો.
મળેલા પૈસા પરત કર્યા
મુકેશભાઈ તળાવિયા પોતે લેસનું કામ કરે છે અને મહાલક્ષ્મી સોસાયટીમાં રહે છે. તેઓ પસાર થઈ રહ્યા હતા એ દરમિયાન જ તેમને રસ્તા ઉપર પડેલા ચાર લાખ રૂપિયા મળ્યા હતા. મુકેશભાઈ જરા પણ લાલચમાં આવ્યા વગર આસપાસના લોકોને પોતાનું એડ્રેસ આપ્યું હતું અને મોબાઈલ નંબર પણ આપી દીધો હતો. જો કોઈ વ્યક્તિ પોતાની વસ્તુ શોધવા માટે અહીં આવે તો તેને મારો સંપર્ક નંબર અને એડ્રેસ આપી દેવા માટે સૂચન કર્યું હતું.
રૂપિયા પરત મેળવનારા અશોકભાઈ મુંજાણીએ કહ્યું કે, અમે પ્રમુખ છાયા સોસાયટીમાં રહીએ છીએ. મિત્રની દુકાનેથી મકાન લેવા માટે રૂપિયા લેવા ગયાં હતાં.હું પૈસા લઈને પરત ફરી રહ્યો હતો ત્યારે મેં ભૂલ એ કરી કે રૂપિયાને ડીકીમાં મૂકવાને બદલે મારી ગાડીના હેન્ડલ ઉપર લટકાવ્યા હતા. બમ્પ આવતાં જ મારી જે પ્લાસ્ટિકની થેલી હતી એ ફાટી ગઈ હશે અને એમાંથી 4 લાખ રૂપિયા નીચે પડી ગયા હશે. મારી પાસે કુલ 4.72 લાખ રૂપિયા હતા અને એમાંથી ચાર લાખ રૂપિયા રસ્તામાં પડી ગયા હતા. ઘરે આવીને જોતાં જ ખબર પડી કે થેલીમાંથી ચાર લાખ રૂપિયા નીચે પડી ગયા છે. અમે તરત શોધવાનું શરૂ કરતાં મહાલક્ષ્મી સોસાયટી પાસે પહોંચતાં ત્યાં એક મહિલાએ કહ્યું કે મુકેશભાઈને મળ્યા છે, તમે તેમનો સંપર્ક કરી લો.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમે તેના ઘરે ગયા હતા, પણ એ ભાઈ તો તેમની ફેક્ટરીએ નીકળી ગયા હતા, પણ તેમના ઘરે બહેન હતાં, તેમણે કહ્યું કે ના તમારા પૈસા અહીં સેફ છે, તમે બેસો અને પછી ચા-પાણી પાયા. બાદમાં એ ભાઈને બોલાવ્યા અને તેણે પૂરેપૂરા પૈસા સુપરત કર્યા હતા, આથી મને ખૂબ જ આનંદ થયો. નવું ઘર લેવા માટે અમે અમારા દાગીના વેચીને રૂપિયા લાવ્યા હતા. મુકેશભાઈનો ખૂબ ખૂબ આભાર કે તેમણે અમને આ રૂપિયા પરત આપ્યા છે.
4 લાખ જેટલી રકમ પરત કરનાર મુકેશભાઈ તળાવિયાએ કહ્યું કે, હું ફેક્ટરી પર જતો હતો આ દરમિયાન સોસાયટીની શેરીમાં રૂપિયા પડ્યાં હોવાનું સામે આવ્યું હતું. મને શરૂઆતમાં થયું કે, આ રૂપિયા નકલી હશે એટલે એક બંડલ લઈને ચેક કર્યું તો રૂપિયા હોવાનું સામે આવ્યું હતું. અને ત્યાર બાદ આસપાસના લોકોને જાણ કરી હતી કે મને રૂપિયા મળ્યા છે અને કોઈપણ વ્યક્તિ અહીં આવે તો તેને મારો કોન્ટેક નંબર અને મારું સરનામું જણાવી દેવાનું કહ્યું હતું. હું મહાલક્ષ્મી સોસાયટીમાં રહું છું. કોઈનો આત્મા દુઃખી કરીને પૈસા લઈ લેવા એ મને યોગ્ય લાગ્યું નહોતું. 10થી 15 મિનિટ સુધી હું ત્યાં ઊભો રહ્યો, પરંતુ કોઈ આવ્યું નહિ, જેથી હું ઘરે જતો રહ્યો હતો.બાદમાં અમે આઠેય બંડલ લઈને આસપાસ જાણ કરી કે રૂપિયા મને મળ્યા છે. કોઈના હોય તો પ્રૂફ સાથે મારી પાસે મોકલજો.
રામરાજ્યને છાજે એવું કાર્ય:રાજ્યના શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયા
સમગ્ર ઘટના અંગે પ્રફુલ્લ પાનશેરિયાએ કહ્યું કે,રામરાજ્યની જે આપણે કલ્પના કરી રહ્યા છીએ એમાં પ્રેમ, લાગણી અને પ્રામાણિકતા દરેક લોકોમાં હોય. માનવતા લોકોના જીવનમાં હોય, વિચારોમાં હોય એ પ્રકારના રાજ્યની કલ્પના કરી રહ્યા છીએ. એક વ્યક્તિ જેના જીવનની મૂડીમાં જેટલાં ઘરેણાં ભેગાં કર્યાં હતાં, તે પોતાનું મકાન ખરીદવા માટે જ્વેલર્સને ત્યાં વેચીને રૂપિયા લઈને પરત જઈ રહી હતી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે બીજી તરફ, મહાલક્ષ્મી સોસાયટીમાં મુકેશભાઈ, જેઓ પોતે ભાડાના ઘરમાં રહે છે અને ખૂબ જ મધ્યમવર્ગના છે. તેમને પણ પૈસાની ખૂબ જરૂરિયાત હશે. એમ છતાં બીજાના હકનું ન ખાવું અને પ્રામાણિકતાપૂર્ણ પોતાનું જીવન જીવવાના આદર્શ સાથેની માનસિકતા ધરાવતા મુકેશભાઈએ તરત જ એ રૂપિયા પરત આપી દીધા એ ખૂબ જ આનંદની અને ભાવભીની ક્ષણ છે. મારા વિધાનસભા વિસ્તારમાં આ પ્રકારના લોકો રહે છે, એનો મને ખૂબ જ આનંદ છે.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube