Rajkot News: હાલ રાજકોટ સહિત સમગ્ર દેશભરમાં ગૌરી નંદન ગણેશનો 11 દિવસીય મહોત્સવ ચાલી રહ્યો છે. ત્યારે સિદ્ધિ વિનાયકધામ દ્વારા છેલ્લા 17 વર્ષથી લાડુ સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.જેમાં માત્ર 50 કિલો વજનનાં વડીલ 19 લાડવા અને બહેનોમાં 43 વર્ષીય મહિલા 10 લાડવા આરોગી વિજેતા બન્યા હતા. આ લાડુ સ્પર્ધામાં 35થી વધુ સ્પર્ધકો જોડાયા હતા.રવિવારના રોજ રાજકોટ શહેર ભાજપ દ્વારા આયોજીત ગણપતિ મહોત્સવ અંતર્ગત લાડુ સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં પુરુષ વિભાગમાં 19 લાડુ ખાઈને વૃદ્ધ વિજેતા જાહેર થયા હતા.તમામ સ્પર્ધકોને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા અને આવતીકાલે ભાઈઓ-બહેનોમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમે વિજતા બનનારને રોકડ પુરસ્કાર આપવામાં આવશે.
રવિવારના રોજ ગણેશ મહોત્સવમાં યોજાયેલી આ સ્પર્ધામાં રાજકોટનાં મહિલાઓમાં 43 વર્ષીય સાવિત્રીબેન યાદવ નામની મહિલાએ 10 મિનિટમાં 10 જેટલા લાડુ આરોગ્યા છે. આ મહિલા વિભાગમાં સાવિત્રીબેન સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે રહ્યા હતા.18 વર્ષીય ક્રિષ્નાબેન સોરાણીએ 6 લાડવા જમીને બીજો ક્રમ અને 46 વર્ષના શીતલબેન ભાડેશીયાએ 5.5 લાડવા આરોગી ત્રીજો ક્રમ હાંસિલ કર્યો હતો,
જ્યારે કે પુરુષ વિભાગમાં સરપદળ ગામના ગોવિંદ લુણાગરિયા નામના 69 વર્ષીય વૃદ્ધે 30 મિનિટમાં 19 લાડુ આરોગ્યા હતા. જ્યારે કે બીજા ક્રમાંકે 14.5 લાડુ આરોગનારા અશોક રંગાણી રહ્યા હતા તેમજ મોકાસર ગામના 75 વર્ષીય માવજીભાઈ ઓળકિયાએ 12 લાડવા આરોગી ત્રીજો ક્રમ હાંસિલ કર્યો હતો.
સ્પર્ધામાં 18થી 70 વર્ષ સુધીના સ્પર્ધકો જોડાયા છે
શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીનાં જણાવ્યા મુજબ ભાજપ દ્વારા વર્ષ 2008થી ગણપતિ મહોત્સવનું અહીં આયોજન કરવામાં આવે છે. જેમાં દરરોજ જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમોની સાથે વિવિધ સ્પર્ધાઓ યોજાય છે. આજે આ ગણપતિ મહોત્સવનાં આઠમાં દિવસે બે સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં સાંજે 5 વાગ્યે બહેનો માટે પાણીપુરી સ્પર્ધામાં એક બહેન 3 મિનિટમાં 40 પાણીપુરી આરોગી હતી તો રાત્રે લાડુ સ્પર્ધા પણ યોજવામાં આવી છે. જેમાં 35 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો છે. આ સ્પર્ધામાં આપવામાં આવતા લાડુ ચોખ્ખા ઘીનાં હોય છે અને પ્રત્યેક લાડુનું વજન આશરે 100 ગ્રામ જેટલું હોય છે. સ્પર્ધા દરમિયાન લાડુ સાથે પાણી અને દાળ આપવામાં આવે છે તેમજ દરેક સ્પર્ધક દીઠ એક ઓબ્ઝર્વર પણ રાખવામાં આવે છે. લાડુ સ્પર્ધામાં 18થી 70 વર્ષ સુધીના સ્પર્ધકો જોડાયા છે.
પહેલી 10 મિનિટમાં માત્ર 5 લાડવા ખાવા એવો નિયમ છે
ગોવિંદ લુણાગરિયાએ જણાવ્યું હતું કે તેઓ છેલ્લા 10 વર્ષથી લાડુ સ્પર્ધામાં ભાગ લે છે. તેમજ તેઓ ખેતીકામના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાથી મોટા પ્રમાણમાં લાડુ ખાઈ શકે છે. આજે સવારથી હું સરપદળથી રાજકોટ આવી ગયો હતો અને મારા એક સંબંધીને ત્યાં માત્ર શરબત પીધું હતું. ગત વર્ષે મેં 21 લાડવા ખાઈને જીત મેળવી હતી. આજે સમય ન રહ્યો બાકી હજુ ઓછામાં ઓછા બે લાડવા ખાઈ શકું તેમ છું. પ્રથમ 10 મિનિટમાં માત્ર 5 લાડવા ખાવા તેવો નિયમ છે. બાકી 10 મિનિટમાં 11.5 લાડવા ખાઈ શકું તેમ છું.
મહિલા છેલ્લા 6 વર્ષથી વિજેતા બને છે
જ્યારે કે સાવિત્રીબેન યાદવ નામના મહિલાએ જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા છ વર્ષથી લાડુ સ્પર્ધામાં ભાગ લે છે તેમજ દર વર્ષે તેઓ લાડુ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવે છે અને આજે પણ આ પરંપરા જાળવી રાખી છે. હાલમાં પણ ગણપતિ બાપાની કૃપાથી કોઈપણ બીમારી નથી. અહીંનું આયોજન ખૂબ સારું હોય છે. અને ચોખ્ખા ઘીનાં લાડુ હોવાથી શરીરને કોઈ નુકસાન થતું નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે, સિદ્ધિ વિનાયક ધામમાં યોજવામાં આવેલી આજની લાડુ સ્પર્ધામાં 35 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. પ્રથમ ક્વોલિફાયર રાઉન્ડમાં માત્ર 10 મિનિટમાં 5 લાડુ આરોગી શકે તેવા 20 જેટલા સ્પર્ધકો હતા. ત્યારબાદ છેલ્લી 20 મિનિટમાં ગમે તેટલા લાડુ આરોગવનાં હતા. જેમાં લાડુ ગળે ઉતારવા માટે અમુક સ્પર્ધકોએ પાણી તો અમુક સ્પર્ધકોએ દાળ પીધી હતી. જોકે છેલ્લી 10 મિનિટ બાકી હતી ત્યારે 20 પૈકી મોટા ભાગના સ્પર્ધકોએ હાર સ્વીકારી લીધી હતી અને અંત સુધી લાડવા જમનાર પુરુષોમાં 3 અને મહિલાઓમાં ત્રણ સ્પર્ધકોને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતાં. આ સ્પર્ધા નિહાળવા ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને ભાજપ દ્વારા અહીં પણ સદસ્યતા અભિયાન ચલાવવામાં આવતું હોવાનું જોવા મળ્યું હતું.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube