- શિક્ષણ અને કેળવણી બે આંખો છે. જે જોવા અને જીવવાની દ્રષ્ટી આપે છે.
- શિક્ષણ એક કલ્પવૃક્ષ છે. તમે ધારો તે પામી શકો.
- શિખવાનો નશો ચઢી જાય તો જીવનમાં ચમત્કાર થાય છે.
Saurashtra Patel Seva Samaj Surat in Thursday’s thought:માણસ જીવનના અંત સુધી નવું શિખતો હોય છે, બદલાતો હોય છે. બદલાતા સમય સાથે જીવનની દિશા આપવા શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી દર ગુરૂવારે હેલ્થ, વેલ્થ અને હેપ્પીનેસને કેન્દ્રમાં રાખી વિચારોનું વાવેતર કરવામાં આવે છે. તારીખ ૨૮મી નવેમ્બરે વરાછા બેંક ઓડીટોરીયમ ખાતે ૮૭ માં થર્સ-ડે થોર્ટ કાર્યક્રમનું આયોજન થયું હતું. તેમાં કાનજીભાઈ ભાલાળાએ જણાવ્યું હતું કે, અંધકારને દુર કરવા દિવડો પ્રગટાવીએ છીએ. તે જ રીતે અજ્ઞાનને દુર કરવા શિક્ષણ એક દિવડો છે. શિક્ષણ એટલે માત્ર અક્ષરજ્ઞાન નહિ પરંતુ નવું શિખવુ, જાણવું, સમજવું અને બોધપાઠ પણ મેળવી જીવનમાં આગળ વધવું તે શિક્ષણ છે, તે કેળવણી છે. માણસના જીવનમાં પ્રગતિ અને સુખાકારીનો આધાર શિક્ષણ છે. શિક્ષણની ખુબ મોટી તાકાત છે.
તે અંગે ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે, ઓરીસ્સાથી ધો.૧૦ પાસ એક યુવાન સુરતમાં લુમ્સના કારખાનામાં કારીગર તરીકે આવે છે. મજુરી કરતા કરતા ભણી આજે ઓરીસ્સા સરકારમાં ક્લાસવન અધિકારી તરીકે નિમણુંક પામ્યા છે. તેને ધ્યાનમાં રાખી નવો વિચાર આપતા જણાવ્યું હતું કે, શિક્ષણ એ જીવનમાં ઉજાસ આપે છે. જેનાથી ઉન્નતીની દિશા મળે છે. અમરેલી નજીકના વિઠ્ઠલપુર ખંભાળીયામાં ૧૫૦ યુવક યુવતીઓ માસ્ટર ડીગ્રી ધરાવે છે. ૮ પી.એચ.ડી અને ૨૪ ડોક્ટરો છે. ૧૨૦ થી વધુ યુવક યુવતીઓ વિદેશમાં સારી નોકરી કરી રહ્યા છે.
ગામમાં હરીજન સમાજના ૨૦ થી વધુ યુવક યુવતીઓ સરકારી નોકરીમાં છે. આ તાકાત શિક્ષણની છે. તેનો ઉજાસ, ગામના નિવૃત શિક્ષક મનુભાઈ ગોંડલીયાના કારણે થયો છે. ભણતર સાથે ગણતર પણ જરૂરી છે. શિક્ષણ અને કેળવણી બે આંખો છે જે જોવા અને જીવવાની દ્રષ્ટી આપે છે. શિક્ષણ અને અનુભવ મોટી તાકાત છે. માણસ ધારે તે પ્રાપ્ત કરી શકે છે.લોકોમાં સરખું છે તે કુદરતી છે. જે જુદુ પડે છે તે શિક્ષણ છે અને તે વ્યક્તિનું ધડતર છે. છેલ્લે જણાવ્યું કે, જો શીખવાનો નશો ચઢી જાયતો જીવનમાં ચમત્કાર થાય છે.
શિક્ષણ એક કલ્પવૃક્ષ છે. તમે ધારો તે પામી શકો છો. – CA આશિષ સિમડીયા
સુરતના જાણીતા ચાર્ટડ એકાઉન્ટન્ટ્સ દંપતી અને ગેપ્સ સી.એ (GAPS) કોચીંગના ફાઉન્ડર સી.એ આશીષ સિમડીયા અને સી.એ પ્રાપ્તિ સિમડીયા ખાસ અતિથી તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, સામાન્ય વ્યક્તિએ અસામાન્ય બનવું હોય તો માત્ર શિક્ષણ જ એક રસ્તો છે. શિક્ષણ એક કલ્પવૃક્ષ છે. તેનાથી વ્યક્તિ ધારે તે પામી શકે છે. તેમણે જણાવ્યું હતું કે, શિક્ષણ પરિવર્તન માટે નિમીત બની શકે છે. શિક્ષણથી આકાશ અને જમીન નહિ પરંતુ આકાશ અને પાતાળ જેટલો તફાવત પડે છે.. દરેક ઘરે સ્ત્રીને શિક્ષીત કરવાથી સુદ્રઢ રાષ્ટ્રનું ધડતર થઈ શકે છે. શિક્ષા એકમાત્ર એવી વસ્તુ છે, જે આપવાથી હંમેશા વધે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દીકરીને કરીયાવરમાં ડીગ્રી આપવી જોઈએ.
લુમ્સના કારીગર માંથી સરકારી અધિકારી બન્યા તેનું સન્માન.
૧૫ વર્ષ પહેલા સુરતમાં ટેક્ષટાઈલ લુમ્સના કારખાનામાં કારીગર તરીકે કામ કરવા આવેલ ઓરીસ્સાના બિષ્ણુ ચરણ નાયકે સુરતમાં મજુરી કરતા કરતા ઇન્દિરાગાંધી ઓપન યુનિવર્સિટી માંથી એમ.એ ની ડિગ્રી મેળવી છે. વધુ પરીક્ષા આપીને વિરનર્મદ યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક તરીકે નોકરી મેળવી હતી. પરંતુ તાજેતરમાં તેમણે ઓરીસ્સાની રાજ્ય જાહેર સેવા આયોગ (OPSC) ની પરીક્ષા પાસ કરી તેઓ ક્લાસવન અધિકારી બન્યા છે. તેમની ઉદાહરણરૂપ સફળતાને બિરદાવી સન્માનિત કર્યા હતા.
નવા ટ્રસ્ટીદાતાનું અભિવાદન
જમનાબા વિદ્યાર્થી ભવન અને કિરણ મહિલા ભવનના નિર્માણ માટે બાંધકામક્ષેત્રની અગ્રણી કંપની અનંતા ડેવલોપર્સના શ્રી સંજયભાઈ મનસુખભાઈ મેશિયા પરીવાર તરફથી રૂપિયા ૨૧ લાખ દાનનો સંકલ્પ થયો છે. આ પ્રસંગે ઉપસ્થિત સંજયભાઈ મેશિયા તથા તેમના ધર્મપત્ની આશાબેનનું અભિવાદન કરવામાં આવ્યું હતું. ગત ગુરુવારના વિચારને રજુ કરતા હાર્દિક ચાંચડે જણાવ્યું હતું કે, અજ્ઞાનના અંધકારને દુર કરવા જ્ઞાનનો દીપ પ્રગટાવીએ. કાર્યક્રમનું સંકલન ભાવેશભાઈ રફાળીયા તથા રીયલ નેટવર્કના અંકિત સુરાણીએ કર્યું હતું.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube