Ahmedabad-Keshod flight Started: ગુજરાતમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ભગવાન ભોલેનાથનું ભવ્ય મંદિર સોમનાથ આવેલું છે. ભગવાન શિવના ૧૨ પવિત્ર જ્યોતિર્લિંગમાનું એક જ્યોતિર્લિંગ અહીં સોમનાથ ખાતે આવેલું છે. અહી દરરોજ હજારો શ્રદ્ધાળુઓ ભગવાન શિવના દર્શને આવતા હોય છે. સોમનાથની પવિત્ર યાત્રા કરવા આવતા શ્રદ્ધાળુઓ માટે શ્રેષ્ઠ માનવંદના અને આરામદાયક પ્રવાસ પ્રદાન કરવો હંમેશા સોમનાથ ટ્રસ્ટ અને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડનો પ્રથમ ઉદ્દેશ રહ્યો છે. જે અંતર્ગત સોમનાથ ટ્રસ્ટ દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સમર્થ પ્રયત્નથી આજથી ધનતેરસ પર્વના પાવન દિવસે સોમનાથ ખાતે દર્શને આવતા યાત્રિકો માટે અમદાવાદ-કેશોદ વિમાનસેવા તથા ત્યાંથી નિ:શુલ્ક પીકઅપ બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ભારતીય સંસ્કૃતિને પુનઃ ઉજાગર કરી ગુજરાત અને ભારતના તીર્થધામોને વૈશ્વિક પ્રવાસનમાં શીર્ષ પર લાવવાના સંકલ્પને અનુસરીને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સાતત્યપૂર્ણ પ્રયત્નોથી પર્યટનને સરળ અને સુખદાયક બનાવવાના ઉદ્દેશ્ય સાથે આ વિકાસયાત્રાને અગ્રેસર કરી રહ્યા છે. મુખ્યમંત્રીશ્રીના સઘન પ્રયાસો અને યોગ્ય આયોજનની ફલશ્રુતિરૂપે હવે સોમનાથ મહાદેવના શ્રદ્ધાળુઓ અને સાસણ ગીરની મુલાકાતે આવનાર યાત્રિકો માટે હવે વધુ સુવિધાઓ ઉપલબ્ધ થઈ રહી છે. આ પ્રગતિશીલ દિશામાં એક મહત્વપૂર્ણ પગલા તરીકે અમદાવાદથી કેશોદ સીધી ફ્લાઇટ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આજે ધનતેરસના પવિત્ર પર્વે સોમનાથ મહાદેવના ભક્તોને સરકાર દ્વારા વિમાન સેવાની આકાશી ભેટ મળી છે.
ફ્લાઈટ સમયસૂચિ અને દિવસો:
અમદાવાદથી કેશોદ વિમાન સેવા અઠવાડિયામાં ત્રણ દિવસ એટલે કે મંગળવાર, ગુરૂવાર અને શનિવારના દિવસે ઉપલબ્ધ રહેશે, જે શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓને વધુ પ્રવાસન વિકલ્પો આપશે.
ફ્લાઇટની સમય સૂચિ અનુસાર
ઉપરોક્ત દિવસો દરમિયાન અમદાવાદથી સવારે 10:10 વાગ્યે ફ્લાઈટ ટેકઓફ કરશે અને 10:55 વાગ્યે કેશોદ પહોંચશે, જ્યારે કેશોદથી બપોરે 13:15 વાગ્યે ફલાઈટ ટેકઓફ કરી 14:30 વાગ્યે અમદાવાદ પરત આવશે.
આ ઉપરાંત શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી નિ:શુલ્ક પીકઅપ બસ સેવાનો પણ પ્રારંભ કરવામાં આવ્યો છે. કેશોદ વિમાનમથક પર ઉતરતા યાત્રિકો અને શ્રદ્ધાળુઓને ઉત્કૃષ્ટ આતિથ્ય અનુભવ આપવા માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા નિ:શુલ્ક “વાતાનુકૂલિત પીક-અપ બસ” સેવા શરૂ કરવામાં આવી છે. આ સેવાથી પ્રવર્તમાન મુંબઈ-કેશોદ ફ્લાઈટ, અને નવી પ્રારંભ થયેલ અમદાવાદ-કેશોદ ફ્લાઈટમાં આવનાર યાત્રાળુઓને આરામદાયક અને સુગમ મુસાફરીનો અનુભવ આપશે. સોમનાથના દેવદર્શન માટે આ નવી શરૂઆત સાથે આ વિમાન સેવા અને પીકઅપ બસની વ્યવસ્થા શ્રદ્ધાળુઓને અભૂતપૂર્વ અનુભવ કરાવશે. ગુજરાત સરકારના અવિરત પ્રયાસો અને વડાપ્રધાનશ્રીની અધ્યક્ષતામાં વિશ્વસ્તરીય યાત્રી સેવાના અભિગમને આત્મસાત કરનાર શ્રી સોમનાથ ટ્રસ્ટના સંયુક્ત પ્રયત્નોથી સોમનાથનો પ્રવાસ વધુ લોક ભોગ્ય, વધુ સરળ અને સોહામણો બની રહેશે, એમ સોમનાથ ટ્રસ્ટ અને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની યાદીમાં જણાવાયું છે.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube