December 18, 2024
KalTak 24 News
Gujarat

૯ ઓગસ્ટ: વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કરવામાં આવશે આદિજાતિ તુર નૃત્યની પ્રસ્તુતિ

9-august-adijati-tur-nritya-will-be-performed-at-the-statue-of-unity-on-the-occasion-of-world-tribal-day
  • તુર નૃત્ય એ ધોડિયા જનજાતિના લોકોનું વિશિષ્ટ શૈલીનું નૃત્ય છે
  • આદિજાતિ સમુદાયોના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની જાળવણીના ઉદ્દેશથી SoU તંત્ર દ્વારા આદિજાતિ નૃત્યનું આયોજન
  • દર વર્ષે વિશ્વભરમાં ૯ ઓગસ્ટનો દિવસ વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે

ગાંધીનગર, 7 ઓગસ્ટ, ૨૦૨૪: આગામી ૯ ઓગસ્ટના રોજ ‘વિશ્વ આદિવાસી દિવસ’ નિમિત્તે એકતા નગર સ્થિત વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી (SoU) ખાતે પ્રવાસીઓ માટે આદિજાતિ સમુદાયની ધોડિયા જનજાતિના લોકોના વિશિષ્ટ શૈલીના તુર નૃત્યની પ્રસ્તુતિ કરવામાં આવશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવતા પ્રવાસીઓ ભારતમાં રહેલી સંસ્કૃતિની વિવિધતામાં એકતાના દર્શન કરી શકે તે માટે તેમજ આદિજાતિ સમુદાયોના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની ઉજવણી કરવાના ઉદ્દેશથી આદિવાસી તુર નૃત્યની પ્રસ્તુતિનું આયોજન કરવામાં આવ્યું છે.

તુર નૃત્યની પ્રસ્તુતિ કરવામાં આવશે

આદિજાતિ સમુદાયોની વિવિધ વસ્તી વચ્ચે એકતા અને સમજણનો વિકાસ થાય તેમજ આદિજાતિ સંસ્કૃતિની જાળવણી કરવાના આશયથી સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ (SoUADTGA) તથા ગુજરાત આદિવાસી સંશોધન અને તાલીમ સોસાયટી(TRI)ના સંયુક્ત ઉપક્રમે તુર નૃત્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી ૯ ઓગસ્ટ, ૨૦૨૪ના રોજ સાંજે ૫.૪૫ કલાકે SoU કેમ્પસમાં તેમજ સાંજે ૭.૦૦ કલાકે બસ બે ખાતે ધોડિયા જનજાતિના વિશિષ્ટ શૈલીના તુર નૃત્યની પ્રસ્તુતિ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, દર વર્ષે વિશ્વભરમાં ૯ ઓગસ્ટનો દિવસ ‘વિશ્વ આદિવાસી દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે.

જાણો શું છે આદિવાસી તુર નૃત્ય

તુર નૃત્ય એ ધોડિયા જનજાતિનું પ્રચલિત નૃત્ય છે, જે તેઓ વર્ષોથી પરંપરાગત રીતે કરતા આવ્યા છે. આ નૃત્ય ધોડિયા જનજાતિની ધાર્મિક, આધ્યાત્મિક, સામાજિક અને સાંસ્કૃતિક ભાવના સાથે જોડાયેલું છે. પ્રાચીન કાળમાં ખાસ તો તુર નૃત્ય સ્મશાન યાત્રા દરમિયાન થતું હતું, જેમાં મૃત્યુ પામનાર વ્યક્તિના શબને સ્મશાન સુધી તુર એટલે કે નાનો ઢોલ વગાડીને નાચતા નાચતા લઇ જવામાં આવતું અને ત્યારબાદ સ્મશાનેથી તુર વગાડીને પાછા ઘરે આવતા. સ્મશાન યાત્રા દરમિયાન તુર નૃત્ય કરવા પાછળ ધોડિયા જનજાતિનો હેતુ એ છે કે જે વ્યક્તિનું મૃત્યુ થયું છે, તે સ્વર્ગની યાત્રાએ નીકળી રહ્યો છે, તો તે રાજીખુશીથી સ્વર્ગ તરફ પ્રયાણ કરે અને સંસારની માયાજાળમાંથી મુક્ત થાય. સ્મશાન યાત્રા ઉપરાંત, ધોડિયા જનજાતિના લોકો માતાની વરસી, લગ્ન પ્રસંગ જેવા વિવિધ અવસરો તેમજ હોળી, દિવાળી, મકરસંક્રાંતિ વગેરે જેવા તહેવારો પર પણ તુર નૃત્ય કરીને ખુશી અને આનંદ વ્યક્ત કરે છે.

તુરનું વાદ્ય નાચતી વખતે વપરાય છે અને તુર વગાડનારને તુરિયો કહેવામાં આવે છે. તુર નૃત્યમાં મુખ્યત્વે ૬૦ ચાળાઓ એટલે કે ૬૦ પ્રકારના નાચ હોય છે. ૬૦ ચાળાઓનું સંપૂર્ણ નૃત્ય કરવા માટે ઓછામાં ઓછો ત્રણથી ચાર કલાકનો સમય લાગે છે. જોકે સામાન્ય રીતે, ધોડિયા જનજાતિના લોકો તુર નૃત્યમાં ૧૦ થી ૧૫ ચાળાઓ જ કરે છે. દરેક ચાળામાં અલગ-અલગ ગરબા અને ભજન ગાવામાં આવે છે. આ ગરબા-ભજન ગાવા માટે તુર વગાડનાર સાથે બે કે ત્રણ સૈલ્યા એટલે કે ગરબા-ભજન ગાનારા હોય છે, જેઓ એક ધાર્મિક અને આધ્યાત્મિક વાતાવરણ ઊભું કરે છે, જેથી તુર નૃત્ય કરનારા નૃત્ય વૃંદ અને જોનારા લોકોમાં ધાર્મિક, આધ્યાત્મિક આસ્થા ઊભી થાય છે.

તુર નૃત્યનો પહેરવેશ અને ઘરેણાં

ધોડિયા જનજાતિમાં તુર નૃત્ય સવિશેષ ભાઈઓ દ્વારા કરવામાં આવતું નૃત્ય છે. આ નૃત્યના પહેરવેશમાં તેઓ બંડી, ટોપી, મોટો રૂમાલ, બુટ, મોજા પહેરે છે. તેની વિશિષ્ટતા એ છે કે તેમનો સંપૂર્ણ પહેરવેશ સફેદ રંગનો હોય છે. ભાઈઓ જ્યારે તુર નૃત્ય કરે ત્યારે તેઓ ગળામાં નાનો રૂમાલ ખાસ બાંધે છે. ગળા ઉપરાંત તેઓ હાથમાં અને કમરે પણ રૂમાલ રાખે છે અને આ રૂમાલ પણ સફેદ રંગનો જ હોય છે. આ નૃત્ય માત્ર ભાઈઓ કરતા હોવાથી તેઓ કોઈ ઘરેણા પહેરતા નથી.

તુર નૃત્યમાં ઉપયોગમાં લેવાતા વાદ્યો

ધોડિયા જનજાતિના લોકો તુર નૃત્યમાં સંગીતના વાદ્ય તરીકે ઢોલ અને થાળી વગાડે છે. આ ઢોલ બનાવવા માટે સેવન નામના વૃક્ષના લાકડાનો અને ગાય, ભેંસ કે મોટા બકરા જેવા પશુઓના ચામડાનો ઉપયોગ થાય છે. ઢોલ બનાવવા માટે સેવનના લાકડા અને ચામડાને ચોંટાડવા માટે ડાંગરની લુગદી અને કાળી રાખોડી ઉપયોગમાં લેવાય છે. આ ઉપરાંત, ઢોરનું ચામડું કડક રહે તે માટે નાની દોરી અને લોખંડની કડી લગાવવામાં આવે છે. નૃત્યમાં ઢોલ સાથે થાળી વગાડવામાં આવે છે, જે તાંબાની ધાતુની બનાવટ હોય છે. આ નૃત્યમાં કેટલીક વખત કાંસાની થાળીનો ઉપયોગ પણ થાય છે.

 

 

 

 

 

Related posts

Talati Cum Mantri Qualification: તલાટીની ભરતીને લઇને પંચાયત વિભાગનો મોટો નિર્ણય,હવે ધો.12 પાસને બદલે ગ્રેજ્યુએટ ઉમેદવારો જ ભરી શકાશે ફોર્મ

KalTak24 News Team

અનરાધાર વરસાદ / દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ,નવસારીમાં 6 કલાકમાં 10.5 ઈંચ વરસાદથી જળબંબાકાર

KalTak24 News Team

6 સપ્ટેમ્બરથી ગુજરાતના સૌથી મોટા ‘તરણેતરના મેળા’નો પ્રારંભ,પહેલીવાર ગ્રામીણ પરંપરાગત સાંસ્કૃતિક સ્પર્ધાઓ યોજાશે

KalTak24 News Team
Advertisement
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં