- જાગૃત, તંદુરસ્ત અને પ્રગતિશીલ રહેવું તે પણ નાગરિક ધર્મ છે.- કાનજી ભાલાળા
- શહેરની ઓળખ ત્યાંના લોકોના વર્તન થી નક્કી થાય છે.- શ્રી મૃગાંકભાઈ પટેલ
- વિચારોનું વાવેતર કાર્યક્રમ એ લોક શિક્ષણનું શ્રેષ્ઠ માધ્યમ છે.- નરેશ વરીયા
- દેશપ્રેમ અને પ્રગતિશીલ અભિગમ રાષ્ટ્ર ને મહાન બનાવે છે. -કાનજી ભાલાળા
Saurashtra Patel Seva Samaj Surat in Thursday’s thought: સારા નાગરિક બનતા પહેલા સારા માણસ બનવું પડે. સારા માણસ બનવા સારા વિચારોની જરૂર પડે. લોકો સારૂ જીવન જીવે તે દિશા અને વિચાર આપવા માટે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી દર ગુરૂવારે હેલ્થ, વેલ્થ અને હેપ્પીનેસને કેન્દ્રમાં રાખી વિચારોનું વાવેતર કરવામાં આવે છે. ૧૦-૦૪-૨૦૨૫ ગુરૂવારે વરાછા બેંક ઓડીટોરીયમ ખાતે યોજાયેલ ૧૦૬ માં થર્સ-ડે થોર્ટ કાર્યક્રમમાં કાનજીભાઈ ભાલાળાએ જણાવ્યું હતું કે, કોઈ પણ રાષ્ટ્રની પ્રગતિનો આધાર તેના નાગરિકો છે. જાગૃત અને પ્રગતિશીલ નાગરિક રાષ્ટ્રની મૂડી છે. જેમ કોઈ વ્યક્તિ કેવી ? તે વ્યક્તિના વાણી, વિચાર અને વર્તન ઉપર આધાર રાખે છે. વ્યક્તિનો સ્વભાવ એની ઓળખ બને છે. તે જ રીતે કોઈ શહેર, રાજ્ય કે રાષ્ટ્રની પણ ઓળખ હોય છે. શહેરના લોકોની સમજ, જીવન શૈલી અને માન્યતાઓના આધારે જે તે શહેરની એક ઈમેજ બનતી હોય છે.
તેમ દેશની ઓળખ પણ લોકોના વાણી-વર્તન અને જીવનના અભિગમને આધારે બનતી હોય છે. તેમણે નવો વિચાર આપતા જણાવ્યું હતું કે, નાગરિકો જ રાષ્ટ્રની તાકાત છે. તેનું વર્તન રાષ્ટ્રની ઓળખ બને છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કાયદાઓ શાંતિ અને સુખાકારી માટે હોય છે. તેનું પાલન કરવું તે નાગરીક સમજ (સિવીક સેન્સ) છે. તાજેતરમાં સુરત શહેરમાં અશક્ય લાગતી વાત એટલે શહેરમાં ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવું. પરંતુ લોકો ખુબ જ સહજતાથી રોડ ઉપરના ટ્રાફિક સિગ્નલોનું પાલન કરી રહ્યા છે. હેલ્મેટ પણ પહેરવા લાગ્યા છે. આ જાગૃતિ એટલે કે નાગરીક સમજણ છે જેને આપણે સિવીકસેન્સ કહીએ છીએ. આ માટે સુરતીઓ અભિનંદનને પાત્ર છે.
બીજા વિશ્વ યુદ્ધમાં જાપાનમાં અણુબોમ્બના હુમલા પછી લોકોએ કોઈપણ જાતના વધારાના પગાર કે વળતર વગર ૧૬ થી ૧૮ કલાક કામ કર્યું. અઠવાડીયાની રજાઓ રદ કરી રાષ્ટ્રને બેઠુ કરવા જાપાનના તમામ નાગરિકોએ ભારે મહેનત કરી પરિણામે જાપાન સમૃદ્ધ અને વિકસીત રાષ્ટ્ર બન્યું હતું. ખરેખર દેશપ્રેમ અને પ્રગતિશિલ અભિગમ રાષ્ટ્રને મહાન બનાવે છે. નાગરિક તરીકેના કર્તવ્યનું પાલન કરવું તે નાગરિક ધર્મ છે. નાગરીક કેવો હોવો જોઈએ તે બાબતમાં જણાવ્યું હતું કે, તે જાગૃત, તંદુરસ્ત અને પ્રગતિશીલ હોવો જોઈએ. નિરોગી એટલે કે તન મનથી તંદુરસ્ત નાગરિક સાથે પ્રગતિશીલ હોય તો રાષ્ટ્ર સુદ્રઢ અને પ્રગતિશીલ બની શકે છે.
શહેરની ઓળખ ત્યાંના લોકોના વર્તન થી નક્કી થાય છે. – શ્રી મૃગાંકભાઈ પટેલ
વિચારોના વાવેતર કાર્યક્રમના મુખ્ય વક્તા અતિથી તરીકે દિવ્યભાસ્કર સુરતના નિવાસી તંત્રીશ્રી મૃગાંક પટેલે જણાવ્યું હતું કે, ટ્રાફિકસિગ્નલ અને હેલ્મેટ માટે કાયદાનું પાલન કરતા સુરતીઓને વિશેષ અભિનંદન આપું છું. લોકો ખુબ ઝડપથી ટ્રાફિક નિયમોનું પાલન કરવા લાગ્યા છે. જાહેરમાં નાગરિકોનું વર્તન અને વ્યવહારને સીવિકસેન્સ કહેવામાં આવે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોઈપણ શહેરની ઓળખાણ ત્યાંના લોકો અને તેમની સિવીકસેન્સથી થાય છે. સ્વચ્છતા અને સારૂ વર્તન ઘર પુરતું જ શા માટે ? આ શહેર પણ આપણું ઘર છે. એમ સમજી તેની સ્વચ્છતા, તેના ટ્રાફિક અને પ્રદુષણ બાબતે કાળજી લેવી જોઈએ. ખરેખર એક અખબારના તંત્રી તરીકે મને લાગે છે કે સુરતની પ્રજા હંમેશા નવિ વાત ઝડપથી સ્વીકારવામાં અગ્રેસર હોય છે. ટ્રાફિક બાબતમાં સુરતનો અભિગમ નોંધનીય છે. સર્વે સુરતવાસીઓ ધારે તો સુરતને સંસ્કારોનું શહેર બનાવી શકે તેમ છે. સુરતની ઓળખ અનેક રીતે છે. તે જ રીતે સુરત સંસ્કાર નગરી બને તે માટે પ્રયાસ કરવા વિચારોના વાવેતર કાર્યક્રમના વાહકોને આહવાન કર્યું હતું. છેલ્લે એક ગંભીર ટકોર કરતા જણાવ્યું હતું કે, બીજાની દેખાદેખીમાં જીવન જીવવું ન જોઈએ.
આ પણ વાંચો:
વિચારોનું વાવેતર કાર્યક્રમ એ લોક શિક્ષણનું શ્રેષ્ઠ માધ્યમ છે. – નરેશ વરીયા
ધબકારના તંત્રી અને રાજકીય વિશ્લેષક એવા નરેશભાઈ વરીયાએ જણાવ્યું હતું કે, વિચારોનું વાવેતર કાર્યક્રમએ લોક શિક્ષણનું શ્રેષ્ઠ માધ્યમ છે. આ કાર્યક્રમના આપજકો અને વાહકોને અભિનંદન પાઠવું છું તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઘરના સંસ્કાર અને સરકારનો જો સમન્વય થાય તો ચોક્કસ સામ્ય સમાજ બનતો હોય છે. તંત્ર જો કાયદાનો અમલ કરાવે તો નાગરીક ધર્મ બની જાય છે. સારા માણસ બનવા માટે સારા વિચારની જરૂર છે. અને જીવનમાં આંતરમનની વાત ખુબ મહત્વની છે. એક વિચારથી રાષ્ટ્રને સ્વામિવિવેકાનંદ જેવી વિભૂતિ મળી છે.
પુસ્તક વાંચન સાથે કાર્યક્રમ પ્રારંભ થયો
પુસ્તક વાંચનનું મહત્વ સમજી વાંચન અંગે ટેવ પાડવા માટે કાર્યક્રમ શરૂ થાય તે પહેલાની ૫ થી ૧૫ મિનીટના સમયમાં આપેલા સર્વોએ પ્રથમ પુસ્તક વાંચન કર્યું હતું અને ત્યારે પછી કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. જીવનમાં હકારાત્મક પરિવર્તન લાવવા માટે વાંચનની ટેવ પડવી જરૂરી છે.
નવા દાતા ટ્રસ્ટીશ્રીનું અભિવાદન કરાયું.
જમનાબા વિદ્યાર્થીભવન અને કિરણ મહિલા ભવનના નિર્માણ માટે રૂ. ૨૧ લાખના દાનનો સંકલ્પ કરનાર ઉર્જા રેયોનના શ્રી નરેશભાઈ સવજીભાઈ વસ્તરપરા તથા મનીષાબેનનું અભિવાદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કિરણ મહિલા ભવનમાં પુસ્તકાલયના દાતાશ્રી પ્રવિણાબેન તથા જયંતીભાઈ એકલેરાવાળા ઉપસ્થિત રહ્યા હતા. ગત ગુરુવારનો વિચાર ધર્મેશભાઈ ચોવટીયાએ રજુ કર્યો જયારે કાર્યક્રમનું સંકલન હાર્દિક ચાંચડ તથા અંકિત સુરાણીએ કર્યું હતું.
આ પણ વાંચો:

- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube