- વન્યજીવ પ્રેમીઓની સિંહણને અનોખી શ્રદ્ધાંજલિ
- ક્રાંકચમાં “રાજમાતા” સિંહણનુ સ્મારક બનાવાયુ
- ગામના એક ડુંગર ઉપર નિર્માણ કરાયુ સ્મારક
Rajmata Lioness: અમરેલી જિલ્લાના ક્રાંકચ પંથક(Krankach village Amreli)ના લોકોએ એક સિંહણને અનોખી શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. આ પંથકના લોકોએ “રાજમાતા”(Rajamata) નામની સિંહણનુ સ્મારક બનાવ્યુ છે. ગામના એક ડુંગર ઉપર રાજમાતાનુ સ્મારક બનાવી “દુનિયાની સૌથી વધુ પ્રસિદ્ધ સિંહણ” તરીકે નવાજવામાં આવી છે. લીલીયા તાલુકાના ક્રાંકચમાં વન્યજીવ પ્રેમીઓએ પ્રતિમા બનાવીને સિંહણને શ્રદ્ધાંજલિ પાઠવી છે. સિંહણે લીલીયા તાલુકાને પોતાનુ નિવાસ સ્થાન બનાવ્યુ હતુ અને ઘણાં બચ્ચાંને જન્મ આપીને ક્રાંકચના વિસ્તારમાં સાવજોનુ સામ્રાજ્ય સ્થાપિત કર્યુ હતુ.
જુઓ VIDEO:
રાજમાતા’નું એકચક્રી રાજ !
લીલીયા ક્રાકંચ વિસ્તારમાં સિંહોનું રાજ સ્થાપવામાં રાજમાતાની સૌથી મહત્વની ભૂમિકા હતી. રાજમાતાનું નામ તેનો ઠસ્સો અને તેની પ્રતિભાને શોભે તેમ હતું,આ સિંહણ ગીરના સૌથી મોટા ઝૂંડનો હિસ્સો હતી. તે અન્ય કોઈ સિંહણને પોતાના વિસ્તારમાં ઘુસવા નહોતી દેતી. વાઈલ્ડ લાઈફ એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં સ્થાઈ થયેલા તમામ સિંહ તેમજ સિંહણ રાજમાતાના જ વંશજો છે. ક્રાકચ બવાડી ડુંગરનો વિસ્તાર રાજામાતાને વધુ પસંદ હતો. રાજમાતાનું આ સૌથી મનપસંદ વિશ્રામસ્થાન હતું. હવે ત્યાં જ સ્મારક બનાવવામાં આવ્યું છે, જે બે કિલોમીટર દૂરથી પણ દેખાઇ રહ્યું છે.
ગળામાં રેડિયો કોલર લગાવ્યુ હોવાથી સ્થાનિકો “કોલરવાલી” પણ કહેતા
સિંહણને રાજમાતાના નામથી પણ ઓળખવામાં આવતી હતી. રાજમાતાના નામે જંગલમાં લાંબા સમય સુધી જીવિત રહેવાનો, સૌથી વધુ બચ્ચાંને જન્મ આપવાનો અને 18 વર્ષની ઉંમરે એક બચ્ચાંને જન્મ દેવા સહિતના 3 વિશ્વ રેકોર્ડ બન્યા હતા. 15 ઓગષ્ટ 2020 માં સિંહણના મોત બાદ વન્યજીવ પ્રેમીઓનુ સ્મારક બનાવવાનુ સ્વપ્ન સાકાર થયુ છે. વર્ષ 2008 માં ભારતીય વન્ય જીવ સંસ્થાનના સંશોધકોએ સિંહણના ગળામાં રેડિયો કોલર લગાવ્યુ હોવાથી સ્થાનિકો “કોલરવાલી” પણ કહેતા હતા.
રાજમાતાએ અઢી દાયકા પહેલા પોતાનું સામ્રાજય બનાવ્યું
ગીર જંગલ બહાર નીકળી શેત્રુંજી નદીના કાંઠે અઢી દાયકા પહેલા પોતાનું સામ્રાજય બનાવનાર રાજમાતા સિંહણે ક્રાંકચ પંથકને વિશ્વભરના નકશામા ગૌરવવંતુ સ્થાન અપાવ્યું છે અને તેથી ગામ લોકોએ આ રાજમાતાની સ્મૃતિમાં ગામની સીમમા તેની પ્રતિમાનુ સ્થાપન કર્યુ છે. રાજમાતા સિંહણની કાયમી સ્મૃતિ સિંહ પ્રેમીઓમાં અકબંધ જળવાઈ રહે તેવા હેતુને સાર્થક કરવા પોતાના ખર્ચે ક્રાંકચના બવાડી નજીક ઊંચા ટેકરા પર રાજમાતાનું સ્ટેચ્યુ સ્થાપિત કર્યું છે.
બવાડી ટેકરી પર રાજમાતાના સ્મારકનું નિર્માણ
વર્ષ 2020માં સૌથી લાંબુ આયુષ્ય ભોગવ્યા બાદ જ્યારે રાજમાતાનું ઉંમર સંબંધિત બીમારીઓને કારણે મોત થયું. તેના બેસણામાં જ સિંહપ્રેમીઓએ રાજમાતાનું સ્મારક બનાવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો અને હવે સ્મારક તરીકે સિંહપ્રેમીઓનો આ સંકલ્પ પૂર્ણ થયો છે. રાજુલા પંથકમાં અનેક સિંહો નામથી ઓળખાય છે. જેમાં કવીન રાણી, અર્જુન મેઘરાજ નામના સિંહોના નામ જાણે શૂરવીરોની જેમ ઇતિહાસના ચોપડે નોંધાયા છે, પરંતુ આ બધામાં શિરમોર છે રાજમાતા, કે જેનું નામ ઇતિહાસના પાનાઓમાં સુવર્ણ અક્ષરે અંકિત થયું છે.
સિંહણનું નામ રાજમાતા કેમ રાખ્યું?
ક્રાકચના ધર્મેન્દ્રભાઈ ધાધલ જણાવે છે કે, અહીં ખૂબ સિંહો વસવાટ કરી રહ્યા છે, જેમાં રાજમાતા મોટી સિંહણ હતી. જેથી ગામ લોકોએ એનું નામ રાજમાતા રાખ્યું હતું. રાજમાતા અહીં ઘણા સમયથી વસવાટ કરતી હતી. અમને જેટલો માનવી પ્રત્યે પ્રેમ છે એટલો જ પ્રેમ સિંહણ પ્રત્યે પણ હતો અને હજી સિંહો પ્રત્યે છે. રાજમાતા પ્રત્યે અને એટલો પ્રેમ હતો કે ગ્રામજનોને એ એમની યાદગાર માટે અહીંયા સ્મારક બનાવ્યું છે.
ક્રાંકચમાં વસેલા તમામ સિંહો રાજમાતાના સંતાનો અથવા તેમના વંશજો
મહેન્દ્રભાઈ ખુમાણ, મનોજ જોષી, જલપાન રૂપાપરા, પૂર્વેશ કાચા, ભરતભાઈ ખાચર અને વન્યજીવ પ્રેમીઓએ રાજમાતાની યાદમાં પ્રતિમા બનાવી છે. સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે ક્રાંકચમાં વસેલા તમામ સિંહો રાજમાતાના સંતાનો અથવા તેમના વંશજો છે. રાજમાતાના કારણે ક્રાંકચ પંથકમાં અનેક સિંહો વસવાટ કરી રહ્યા છે. ક્રાંકચ અને આજુબાજુના ગામડાઓમાં રાજમાતા લોકપ્રિય હોવાથી લાંબો સમય સુધી જીવિત રહી હોવા છતાં એકપણ માણસને નુકસાન કર્યુ ન હોતુ.
રાજમાતાના કારણે 53 સાવજ વસ્યા
આજે લીલીયા વિસ્તારમાં 53 સાવજો વસ્યા તે રાજમાતાની દેન હોવાનું સિંહપ્રેમીઓ જણાવી રહ્યા છે ત્યારે રાજમાતા સિંહણનું સ્મારક બનાવવાનો વિચાર વર્ષ 2020માં રાજમાતા સિંહણનું બેસણું રાખવામાં આવેલ ત્યારે કરવામાં આવ્યો હતો. આ સ્મારક બનાવવામાં સ્થાનિક પર્યાવરણ પ્રેમી મહેન્દ્રભાઈ ખુમાણ, મનોજભાઈ જોશી, ડો. જલપાન રૂપાપરા, ડો. પૂર્વેશ કાચા, ભરતભાઈ ખાચર સહિતના સ્થાનિક પર્યાવરણ પ્રેમીઓ તથા ક્રાંકચ લોકોએ અગત્યની ભૂમિકા ભજવી હતી.
‘જે બચ્ચાને જન્મ આપ્યો એમના ગુણ પણ રાજમાતા જેવા’
ક્રાકચ ગામના સિંહ પ્રેમી મહેન્દ્રભાઈ ખુમાણ જણાવે છે કે, રાજમાતા એક એવી સિંહણ હતી કે જેનો પરિવાર બહું મોટો છે. 19 વર્ષની વયે તેમનું અવસાન થયું હતું. એમણે જે બચ્ચાને જન્મ આપ્યો એમના ગુણ પણ રાજમાતા જેવા જ છે. રાજમાતાએ કોઈ માણસને ઇજા નથી કરી, એ તેમના બચ્ચાને સાચવતી, જે વિસ્તારમાં જતી એ વિસ્તારમાં સારી રીતે રહેતી હતી.
સિંહણે ત્રણ વિશ્વ રેકોર્ડ બનાવ્યા છેઃ મનોજ જોશી (પ્રકૃતિ પ્રેમી)
આ બાબતે પ્રકૃતિ પ્રેમી મનોજ જોશીએ જણાવ્યું હતું કે, અમે તેને ગૌરવ શાળી એટલે કહીએ છીએ કે, સિંહણે ત્રણ વિશ્વ રેકોર્ડ બનાવ્યા છે. તેમજ વાઈલ્ડ લાઈફ ઈન્સ્ટિટ્યુટે પણ તેની નોંધ લીધી છે. એમાં સૌથી વધુ વિસ્તારમાં જે ફરવા વાળી છે તે માદા રાજમાતા છે. એમને એક એ પણ રેકોર્ડ છે કે સૌથી વધુ સાત વખત તેમણે બચ્ચા આપ્યા છે. ત્રીજો રેકોર્ડએ છે કે સિંહણની 18 વર્ષની ઉંમર હતી ત્યારે તે માતા બની હતી. એક બચ્ચાને જન્મ આપ્યો હતો. ત્યારે સૌથી ગૌરવ શાળી જે છે તે રાજમાતા છે. એટલે અહીંયા તેમનું સ્ટેચ્યું પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે.
રાજમાતાના નામે ત્રણ વિશ્વવિક્રમ
હવે વાત કરીએ રાજમાતાના નામે નોંધાયેલા 3 એવા વર્લ્ડ રેકોર્ડની, કે જે આજે પણ અતૂટ છે. જેને આજ દિવસ સુધી કોઇ તોડી શક્યું નથી.
- સૌથી પહેલો રેકોર્ડ છે સૌથી લાંબા આયુષ્યનો. એશિયાટિક સિંહો સામાન્ય રીતે 16 વર્ષ જીવતા હોય છે, પરંતુ રાજમાતા તેમાં અપવાદ હતી. રાજમાતાએ 19 વર્ષ સુધી લાંબુ આયુષ્ય ભોગવી રેકોર્ડ બનાવ્યો.
- આ ઉપરાંત મુક્ત રીતે વિહરતી સિંહણ દ્વારા સૌથી વધુ બચ્ચાને જન્મ આપવાને વિશ્વ વિક્રમ પણ રાજમાતાના નામે છે. રાજમાતાએ તેમના જીવનકાળ દરમિયાન 8 વખત ગર્ભ ધારણ કર્યો અને આ દરમિયાન કુલ 15થી વધુ સિંહબાળને જન્મ આપ્યો.
- આ ઉપરાંત રાજમાતાએ 18 વર્ષે માતા બનવાનો પણ અનોખો વિશ્વ વિક્રમ નોંધાવ્યો છે. રાજમાતાએ છેલ્લી વાર 2018માં સિંહબાળને જન્મ આપ્યો હતો. જોકે તે જ વર્ષે સિંહબાળ ગુમ થઈ જતા રાજમાતાનું સ્વાસ્થ્ય ખરાબ થવા લાગ્યું હતું.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube