Maharashtra Election 2024: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શનિવાર તા. 16મી નવેમ્બરે મુંબઈના ચૂંટણી પ્રવાસે જશે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પ્રચાર અંતર્ગત મુખ્યમંત્રી મુંબઈ મહાનગરમાં તેમના પ્રવાસ દરમિયાન એક જ દિવસમાં ચાર જનસભાઓને સંબોધન કરવાના છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શનિવારે સવારે 10 વાગ્યે દહીસર વિધાનસભા વિસ્તારમાં ગુજરાતી બિઝનેસ કમ્યુનિટી સાથે ‘ચાય પે ચર્ચા’માં સહભાગી થઈને મુંબઈમાં તેમના ચૂંટણી પ્રચાર અભિયાનનો પ્રારંભ કરશે.તેમના આ પ્રવાસ દરમિયાન બાંદ્રા કુર્લા ભારત ડાયમંડ બુર્સ ખાતે જેમ્સ એન્ડ જ્વેલરી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સભ્યો સાથે પણ મુખ્યમંત્રી સંવાદ-વાર્તાલાપ કરવાના છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બપોરે જોગેશ્વરી વેસ્ટમાં ગુજરાત ભવન ખાતે બૃહદ મુંબઈ ગુજરાતી સમાજ આયોજિત જનસભામાં ઉપસ્થિત રહેશે. આ જનસભામાં મુંબઈ મહાનગરના 140થી વધુ ગુજરાતી સમાજ સંગઠનોના પ્રતિનિધિઓ જોડાવાના છે.
જ્યારે શનિવારે સાંજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વર્સોવા વિધાનસભા બેઠકના ઉમેદવારના સમર્થનમાં મહાડા ગ્રાઉન્ડ, ઓશીવારા મેટ્રો સ્ટેશન જોગેશ્વરી વેસ્ટમાં આયોજિત સભામાં સંબોધન કરશે. જે બાદ તેઓ અંધેરી વિધાનસભા મત ક્ષેત્રના ઉમેદવારના સમર્થનમાં રામ મંદિર, મરોલ, અંધેરી ખાતે સભા સંબોધશે.મુખ્યમંત્રી આ સભા પૂર્ણ કરીને ઘાટકોપર ઇસ્ટ વિધાનસભા મત ક્ષેત્રના ઉમેદવારના સમર્થનમાં જનસભાને પોલીસ હોકી ગ્રાઉન્ડ ખાતે સંબોધન કરવાના છે.મુખ્યમંત્રી મહારાષ્ટ્ર વિધાનસભાની આગામી સમયમાં યોજાનારી ચૂંટણીઓના ઝંઝાવાતી પ્રચાર અંતર્ગત એક જ દિવસમાં ચાર જનસભાઓને સંબોધન કરીને શનિવારે મોડી રાત્રે ગાંધીનગર પરત આવશે.
ક્યારે છે મહારાષ્ટ્રમાં ચૂંટણી ?
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે રાજ્યની 288 વિધાનસભા બેઠકો માટે 20 નવેમ્બરે મતદાન થશે. ઝારખંડની સાથે રાજ્યમાં 23 નવેમ્બરે ચૂંટણીના પરિણામો જાહેર થશે. ઉત્તર પ્રદેશ પછી દેશના બીજા સૌથી મોટા રાજ્યની ચૂંટણી હરીફાઈમાં ભાજપ, કોંગ્રેસ, શિવસેના અને એનસીપીના બંને કેમ્પ સહિત કુલ 158 પક્ષો મેદાનમાં છે. આ પક્ષો ઉપરાંત રાજ્યમાં 2086 અપક્ષ ઉમેદવારો પણ છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર રાજ્યની 288 બેઠકો માટે કુલ 4136 ઉમેદવારો મેદાનમાં છે. 2019ની વિધાનસભા ચૂંટણીમાં બીજેપીના નેતૃત્વમાં એનડીએને 161 સીટો પર જીત મળી હતી. યુપીએને 98 બેઠકો મળી હતી. અન્યને 29 બેઠકો મળી હતી. જેમાં નાના પક્ષોને 16 બેઠકો મળી હતી. 13 બેઠકો પર અપક્ષોએ જીત મેળવી હતી.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube