સુરત: ગુજરાતની સહકારી બેંકોમાં અગ્રગણ્ય એવી ધી વરાછા કો-ઓપ. બેંક લિ., સુરત દ્વારા પોતાના વહીવટી સહકાર ભવન સરથાણા ખાતે દેશના આઝાદીના ૭૮માં સ્વતંત્રતા પર્વની ધ્વજ વંદન કરીને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. બેંકનાં ખાતેદારો,સભાસદો અને સમાજ અગ્રણીઓની સવિશેષ ઉપસ્થિતિમાં બેંકના ચેરમેનશ્રી ભવાનભાઈ નવાપરા દ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. મુખ્ય અતિથિ તરીકે લેખિકા અને કવયિત્રી શ્રીમતી પ્રજ્ઞાબેન વશી, અતિથિ વિશેષ તરીકે સુરત ડાયમંડ એસોશિયેશનનાં સ્થાપક પ્રમુખશ્રી રામજીભાઈ એસ. ઇટાલિયા, બેંકના બોર્ડ ઓફ મેનેજમેન્ટ ચેરમેનશ્રી કાનજીભાઈ ભાલાળા, ડિરેક્ટરશ્રી જે. કે. પટેલ તેમજ બોર્ડ ઓફ મેનેજમેન્ટનાં સભ્યશ્રી અરવિંદભાઈ ધડુક પણ જોડાયા હતા.
બેંકનાં ચેરમેનશ્રી ભવાનભાઈ નવાપરા દ્વારા દેશને મળેલ આઝાદી વિશે વાત કરતા જણાવ્યું હતું કે, વર્તમાન સમયે ભારત દેશ ટેકનોલોજી ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે. જે રાષ્ટ્રને હજુ ઘણી ઐતિહાસિક સિદ્ધિઓ હાંસલ કરાવશે. દેશની યુવા શક્તિ ભારતને વિશ્વગુરુ બનાવવામાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવશે ત્યારે આ યુવા શક્તિ દેશની ખરી સંપત્તિ છે. યુવા ધનને ડ્રગ્સ જેવા દુષણોથી દૂર રહી રાષ્ટ્રની પ્રગતિમાં સહભાગી થવા પ્રયત્નો કરવા જોઈએ.
મુખ્ય અતિથિ શ્રીમતી પ્રજ્ઞાબેન વશી એ ભારતની સંસ્કૃતિને વાગોળતા વધુમાં જણાવ્યું હતું કે, ભારતની સંસ્કૃતિ જ રાષ્ટ્રની ધરોહર છે. સંસ્કૃતિ અને ઈતિહાસને જાળવી રાખવા અને આવનારી પેઢીને તેમનાથી અવગત કરવા એ આપણી નૈતિક ફરજ છે.
ભારત દેશના દરેક નાગરિકે રાષ્ટ્રહિતને સર્વોપરી માની સતત પ્રગતિશીલ રહેવું જોઈએ એવી ભાવના સાથે બેંકનાં બોર્ડ ઓફ મેનેજમેન્ટ ચેરમેનશ્રી કાનજીભાઈ ભાલાળાએ લોકોમાં રાષ્ટ્ર ચેતના જાગૃત કરી હતી. વધુમાં જણાવ્યું હતું કે શિક્ષણ, ધર્મ, સમાજ વ્યવસ્થા અને રાજસત્તા રાષ્ટ્રનું ચારિત્ર્ય નિર્માણ કરે છે. નાગરિકોના વાણી, વર્તન અને વ્યવહારમાં રાષ્ટ્રહિત ભળે તો તે ખરી દેશભક્તિ છે.
બેંક દ્વારા આયોજીત દેશભક્તિના આ કાર્યક્રમમાં બેંકનાં લીડર એવા જનરલ મેનેજરશ્રી વિઠ્ઠલભાઈ ધાનાણીએ તમામને મોં મીઠું કરાવી અને સુદ્રઢ રાષ્ટ્ર નિર્માણમાં તમામ લોકો સહભાગી બને તેવી શુભેચ્છા પાઠવી હતી. અંતે કાર્યક્રમની આભાર વિધિ કરતા બેંકના ડેપ્યુટી જનરલ મેનેજરશ્રી સુરેશભાઈ કાકડીયા દ્વારા ઉપસ્થિત તમામનો સહ્રદય આભાર માની દરેકના મનમાં રાષ્ટ્રપ્રેમની ભાવના અવિરત ઝળહળતી રહે તેવી શુભેચ્છા પાઠવી હતી.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube