Amreli News: નવા વર્ષના પ્રારંભે જ અમરેલી જિલ્લામાં કરૂણ ઘટના ઘટી છે. અમરેલી જિલ્લાના રાંઢિયા ગામમાં મધ્ય પ્રદેશનો એક પરિવાર સાત બાળકો સાથે મજૂરકામ અર્થે આવ્યો હતો. માતા-પિતા અન્ય ગામે મજૂરી કામે ગયા ત્યારે તેમના ચાર સંતાન વાડી પાસે રમતા-રમતા કારમાં જતા રહ્યાં હતા. સાંજે માતા-પિતા પરત ફર્યા ત્યારે બાળકો કારમાં બેભાન હાલતમાં જોવા મળ્યા હતા. વાડીના માલિકને જાણ કરતા તેઓ પહોંચ્યા હતા અને બનાવ અંગે પોલીસને જાણ કરી હતી. પોલીસે આવીને જોતા બાળકો મૃત્યુ પામ્યા હતા. પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રાંઢિયાના વાડી માલિક ભરત માંડાણીએ બનાવ અંગે જણાવ્યું હતું કે, ચીતલ રોડ પર મારી વાડી આવેલી છે. જેમાં એમપીના મજૂર સોભિયાભાઈ મારે ત્યાં મજૂરી કામ કરવા આવે છે. ચોથા ભાગે ભાગિયો તરીકે આવે છે. તેને સાત બાળકો છે. મોટો દીકરો જીતેન, પછી સુગરી છે અને સૌથી નાની દીકરીનું નામ સોનિયા છે. મૃતકો બાળકોનું નામ સુનિતા, સાવિત્રી, વિષ્ણુ અને કાર્તિક છે. આ મજૂર પરિવાર મારે ત્યાં કામ કરતા હતા અને વધારાના કામ માટે બહાર મજૂરીએ જાય છે.
વધુમાં જણાવ્યું હતું કે, પરિવાર મજૂરીએ જાય ત્યારે ચાર બાળકો વાડીએ જ રહેતા હતા.આજે માતા-પિતા જંગર ગામે મજૂરી કરવા ગયા હતા. હું સવારે સાત- સાડા સાત વાગ્યે ગાડી અહીં મુકીને ટ્રેક્ટર લઇને મારી બીજી વાડીએ ગયો હતો. સાંજે પરત આવતા બાળકોના માવતરનો મને ફોન આવ્યો હતો. ચારેય છોકરા કારની અંદર છે અને હાલતા-ચાલતા નથી. હું તરત આવ્યો અને બનાવ અંગે ગામના સરપંચ અરવિંદ કાકડિયા અને આઉટ પોલીસ સ્ટેશનના જમાદાર ને જાણ કરી હતી. બનાવની જાણ થતાં પોલીસ પહોંચી હતી અને ચાર બાળકો મૃત હાલતમાં મળી આવ્યા હતા.
સમગ્ર બનાવ અંગે અમરેલી ડીવાયએસપી ચિરાગ દેસાઈએ જણાવ્યું હતું કે, અમરેલીના રાંઢિયા ગામે ભરતભાઈ માંડાણીના ખેતરમાં ખેત મજૂરી કરતા સોભિયાભાઈ મછાર જે મધ્ય પ્રદેશના ધાર જિલ્લાના વતની છે. તેઓ પત્ની અને સાત બાળકો સાથે વાડીમાં ખેત મજૂરી કરતા હતા. 2 નવેમ્બરના રોજ શનિવારે સવારે સાડા સાત વાગ્યે વડિયા તાલુકાના જંગર ગામે પતિ અને પત્ની ખેત મજૂરીએ ગયા હતા. ઘરે તેમના બાળકો એકલા હતા.
ખેતરમાં વાડી માલિકની કાર હતી ત્યાં ચારેય બાળકો કારમાં રમવા માટે ગયા હોઇ શકે છે. ત્યારબાદ કાર લોક થઇ ગઇ હતી. સાંજે સાત વાગ્યે તેમના માતા-પિતા અને વાડી માલિક પરત આવતા ચારેય બાળકો સુનિતા, સાવિત્રી, વિષ્ણુ અને કાર્તિક ગુંગળામણથી કે અન્ય કોઇકારણસર મૃત્યુ પામ્યા હતા. હાલ તાલુકા પોલીસ સ્ટેશનમાં અક્સમાતે મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube