SURAT SPECIAL STORY: સુરત શહેર આંગણે અને સૂર્યપુત્રી તાપી નદીના કિનારે 10 એકર જમીનમાં શ્રી હનુમાન ચાલીસા યુવા કથા(Shree Hanuman Chalisa Yuva Katha – Surat)નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સુરતના મોટા વરાછા સ્થિત ગજેરા ગ્રાઉન્ડમાં શ્રી હનુમાન ચાલીસા યુવા કથા સમિતિ દ્વારા આગામી 31 મે થી 6 જુન સુધી આ ભવ્ય કથા યોજાશે. જેમાં સાળંગપુર ધામ(Salangpur Dham)ના શાસ્ત્રી હરિપ્રકાશદાસ સ્વામી(Hariprakash Swami) દ્વારા હજારો ભક્તોને કથાનું રસપાન કરાવશે. ત્યારે આ કથામાં(Katha) ભક્તો માટે શું-શું વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે અને કથામાં કયા-કયા મુખ્ય આયોજન હશે તેની તમામ માહિતી આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.
શ્રી હનુમાન ચાલીસા યુવા કથાનું ભવ્ય આયોજન
હીરા નગરી,ટેક્સટાઈલ હબ તરીકે ઓળખાતા સુરતમાં આગામી દિવસોમાં શ્રી હનુમાન ચાલીસા કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.આ કથા લોકોને સાળંગપુર ધામમાં વિરાજિત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી અહીં સાક્ષાત બિરાજમાન હશે તેવો અહેસાસ થશે.આ કથા આગામી 31 મે થી 6 જુન સુધી રાતે 8.30 થી 11.30 વાગ્યા સુધી યોજાશે. જેમાં સાળંગપુર ધામના શાસ્ત્રી હરિપ્રકાશદાસ સ્વામી સમગ્ર કથાનું રસપાન કરાવશે. મહત્ત્વનું છે કે, આ કથામાં સનાતન હિન્દુ ધર્મમાં હનુમાનજી મહારાજનો મહિમા જન-જન સુધી પહોંચે,તમામ સમાજને સાથે રાખી એક ઉત્તમ રાષ્ટ્રનું નિર્માણ થાય, યુવાનોમાં રાષ્ટ્ર ભક્તિ તેમજ આધ્યાત્મિક ભક્તિ ઉજાગર થાય અને યુવાનો વ્યસનો છોડી હનુમાન દાદાને આદર્શ માની સાચા રસ્તે વળે એવા ઉદ્દેશથી આ કથાનું સમગ્ર આયોજન કરાયું છે.
આયોજકો સાથે વાતચીતમાં જણાવ્યું કે,આજના યુગમાં યુવાનો હનુમાન દાદાને પોતાના આદર્શ માને છે ત્યારે વધુમાં વધુ યુવાનો આ કથામાં જોડાય તે માટે સમગ્ર કથાનું નામ જ યુવા કથા રાખવામાં આવ્યું છે.કથા દ્વારા શ્રી કષ્ટભંજન દાદાના દિવ્ય ચરિત્રોથી યુવા વર્ગને સંસ્કારથી સુશોભિત કરવાનો ઉમેદા હેતુ છે. કથામાં યુવાનોને વ્યસન મુક્તિ તેમજ રાષ્ટ્રભક્તિ અને ભક્તિનો સમન્વય થાય તે હેતુથી સમગ્ર કથા છે. દરરોજ કથા પૂર્વે રાષ્ટ્રગાન પણ કરવામાં આવશે. કથા થકી દરેક વર્ગના લોકોને એક સાથે જોડવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો છે.
View this post on Instagram
યુવા કથા સ્થળે શું ચાલી રહી છે તડામાર તૈયારીઓ?
મોટા વરાછા સ્થિત ગજેરા ગ્રાઉન્ડ ખાતે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. કથા સ્થળે 25 હજારથી વધુ લોકો બેસીને દાદાની કથા સાંભળી શકે તે માટેનું ભવ્ય આયોજન હાથ ધરાઈ રહ્યું છે. આ ઉપરાંત કથા આવનાર લોકો માટે વાહનોના પાર્કિંગ સહિતની વ્યવસ્થા ઉભી કરાવામાં આવી રહી છે. 300થી વધુ યુવાનો હાલ રાત-દિવસ આ કથાને લઈને તડામાર તૈયારીઓમાં જોડાય ગયા છે. છેલ્લાં દોઢ મહિનાથી યુવાનો રાત-દિવસ કામગીરીમાં જોડાયેલા છે. આ યુવાનો હાલમાં કથા સ્થળે આયોજન, પેમ્ફલેટ વિતરણ, હૉર્ડિંગ લગાવવા, ઘરે ઘરે જઈને લોકોને કથા વિશે માહિતી આપવી અને કંકોત્રી વિતરણ સહિતની કામગીરી કરી રહ્યા છે.
સુરતના આંગણે ભવ્યાતિભવ્ય શ્રી હનુમાન ચાલીસા યુવા કથાનું ભવ્ય અને દિવ્ય આયોજન થતું હોય ત્યારે આયોજકો દ્વારા કોઈ કચાસ બાકી રાખવામાં નથી આવી.કથા માં આવનાર લોકો સાળંગપુર ધામમાં બેસીને કથા સાંભળી રહ્યા હોય તેવો અનુભવ થાય તે માટેનું આયોજન હાથ ધરાઈ રહ્યું છે. આ કથા સ્થળે વાહનોના પાર્કિંગ,લોકો માટે પીવાના પાણી, શૌચાલય સહિતની તમામ વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી રહી છે.
શ્રી હનુમાન ચાલીસા યુવા કથા સમિતિ દ્વારા આયોજિત આ કથા અંગેની જાણકારી ઘરે-ઘરે સુધી પહોચાડવાનો પ્રયાસ હાથ ધરાયો છે. આ માટે શહેરના અલગ-અલગ વિસ્તારમાં 2 લાખથી પણ વધુ પેમ્ફલેટ, શહેરની અલગ વિસ્તારમાં 15 જેટલી જગ્યા પર મોટા હૉર્ડિંગ્સ, સુરતની અલગ-અલગ વિસ્તારની સોસાયટીના ગેટ પર બેનરો આ ઉપરાંત શહેરના અલગ-અલગ પોઈન્ટ પર 15 મોટા ગેઇટ પણ બનાવવામાં આવ્યા છે.
આયોજકો સાથે વાતચીતમાં જણાવ્યા અનુસાર કથા સ્થળે બે મોટા ધાર્મિક સ્ટોલ પણ ઉભા કરવામાં આવશે. જ્યાંથી તમે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને લગતા તમામ ધાર્મિક સાહિત્યનું વેચાણ કરાશે. આ સ્ટોલ સાળંગપુર સંસ્થા દ્વારા જ ઉભા કરવામાં આવશે. જ્યાંથી લોકો દાદાની ફોટો ફ્રેમ સહિતના તમામ સાહિત્યની ભક્તો ખરીદી કરી શકશે.
યુવા કથામાં સામાજિક કાર્યનું આયોજન
ગજેરા ગ્રાઉન્ડમાં આયોજિત આ યુવા કથામાં કથાની સાથે સામાજિક કાર્યો પણ કરાશે.7 દિવસ ચાલનારી આ યુવા કથામાં દરરોજ રક્તદાન શિબિર તેમજ વિના મુલ્યે સર્વ રોગ નિદાન કેમ્પનું પણ આયોજન કરાયું છે. સર્વરોગ નિદાન કેમ્પમાં હદયરોગ, ડાયાબીટીસ, મગજ અને કરોડરજ્જુ, બાળરોગો, સાંધા અને હાડકા, પેટના રોગો, આંખના રોગો, સ્ત્રીરોગો, કેન્સર નિષ્ણાંત, ફીજીયોથેરાપી, દાંતના રોગો, વગેરેના અનુભવી અને જાણીતા ડોકટરો દ્વારા નિદાન તપાસ કરવામાં આવશે.
આગામી તારીખ 28 મેના રોજ મારુતિ યજ્ઞ તથા 31 મેના રોજ ભવ્ય અને વિશાળ પોથીયાત્રા તથા 3 જૂનના રોજ હનુમાન જન્મોત્સવ,4 જૂનના રોજ દાદાને ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવશે અને 6 જૂનના રોજ કથા ની પુર્ણાહુતી થશે.આ ઉપરાંત તારીખ 1થી 5 જૂન સુધી મેડીકલ કેમ્પ તેમજ રક્તદાન કેમ્પનું પણ આયોજન કરાયું છે.
શ્રી હનુમાન ચાલીસા યુવા કથા અંતર્ગત લોક ડાયરો અને ધૂન કીર્તનનું 30મી મેના રોજ રાતે 8.30 વાગ્યે આયોજન કરાયું છે. જેમાં હાસ્ય કલાકાર હિતેશ અંટાળા તેમજ ગાયક કલાકાર વિવેક સાંચલા પણ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત શ્રી મારુતિ ધૂન મંડળ યુવા ગ્રુપ દ્વારા દાદાના ભજન-કીર્તનોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
સુરત શહેરને આંગણે આયોજીત શ્રી હનુમાન ચાલીસા યુવા કથામાં 28 મેના રોજ ભવ્ય મારુતિ યજ્ઞનું આયોજન કરાયું છે. યજ્ઞનો પ્રારંભ સવારે 7 કલાકે થશે અને સાંજે 5 કલાકે આ યજ્ઞની પુર્ણાહુતી થશે. તેમજ આ ભવ્ય મારુતિ યજ્ઞમાં 150 યુગલો જોડાશે.
શ્રી હનુમાન ચાલીસા યુવા કથાની ભવ્ય પોથીયાત્રા
31 મે બુધવારના રોજ બપોરે 3.30 કલાકે ભવ્ય પોથીયાત્રાનું આયોજન કરાયું છે. આ પોથીયાત્રા મોટા વરાછા વિસ્તારના અલગ-અલગ વિસ્તારથી નીકળી યુવા કથા મહોત્સવ સ્થળે પહોંચચે છે. આ પોથીયાત્રા અતિ ભવ્ય,દિવ્ય અને વિશાળ હશે. જેમાં 500 મહિલા ભક્તો દ્વારા રામચરિત માનસ ગ્રંથ પોતાના મસ્તક પણ ધારણ કરશે તેમજ ભક્તો પુરુષો માથે સાફો બાંધશે.
આ ઉપરાંત સમગ્ર પોથીયાત્રા માં કાઠીયાવાડી, રાજસ્થાનની થીમ પર વેશભૂષા પણ યોજાશે.આ ઉપરાંત પોથીયાત્રામાં બગીમાં સંતો સુરતના ભક્તોને દર્શન આપશે. પોથીયાત્રામાં ડીજે, બેન્ડબાજા, નાસિક ઢોલ, આફ્રિકન સીદી ધમાલ, સંગીત સાથે જમવાટ કરશે, હાથી,ઊંટગાડી,બળદગાડી, ખુલ્લી જીપ,બુલેટ સમૂહ પોથીયાત્રાની શોભા વધારશે. આ ઉપરાંત સ્કુલના પ્રદર્શન ફ્લોટ,વાનરો,હનુમાનજી દેવી-દેવતાઓ, મિકી માઉસ સાથે અસંખ્ય ભક્તો પોથીયાત્રામાં ચાર ચાંદ લગાવશે.
આ પોથીયાત્રા ભવ્ય અને વિશાળ તો હશે જ પરંતુ આ પોથીયાત્રા દરમ્યાન લોકોને સ્વચ્છતાનો ખાસ સંદેશ આપવામાં આવશે.જે રૂટ પરથી પોથીયાત્રા પસાર થશે તેની પાછળ 50 લોકોની ટીમ હશે. જે રસ્તાઓ સંપૂર્ણ સાફ કરતા જશે.આ ઉપરાંત લોકોને પર્યાવરણની જાળવણી માટે ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી, સ્વચ્છતા, વ્યસન મુક્તિનો સંદેશો અપાશે તેમજ આઝાદી કા અમૃત મહોત્સવ તેમજ G-20ની થીમ પણ પોથીયાત્રામાં સામેલ કરવામાં આવશે.જે લોકોના આકર્ષણનું કેન્દ્ર બનશે. આ ઉપરાંત શહેરની જનતાને કોઈ અગવડતા ન પડે તે માટે ૨૦૦ જેટલા સ્વયસેવકો ટ્રાફિક નિયમન પણ કરશે.
3 જુન ના રોજ રાતે 8.30 થી 11.30 સુધી ચાલનારી શ્રી હનુમાન જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે. જેમાં 51 કિલોની કેક દાદાને ધરાવવામાં આવશે. સમગ્ર સભા મંડપને ફૂલો અને ફુગ્ગાથી શણગારવામાં આવશે. 51 કિલો ચોકલેટ અને કેડબરી દાદાને ધરાવવામાં આવશે. તેમજ 108 કિલો પુષ્પ વર્ષાથી દાદા અને સંતો ભક્તોને વધાવવામાં આવશે.
“મારા દાદાને મારો અન્નકૂટ” ભવ્ય અન્નકૂટ
4 જુનના રોજ ‘મારા દાદાને મારો અન્નકૂટ’ કાર્યક્રમ હેઠળ દાદાને વિશેષ રીતે અન્નકૂટ ધરાવવામાં આવશે. જેમાં લોકો પોતાના ઘરેથી દાદા માટે અલગ-અલગ વાનગીઓનો અન્નકૂટ લઈને આવશે જે વિશેષ રીતે ગોઠવણી કરીને દાદાને ધરાવવામાં આવશે.
વધુમાં જણાવીએ તો,અતિ ભવ્ય અને પાવન કથાનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે આ પાવન કથાનો લાભ લેવા શહેરની તમામ જનતાને તો ભાવભર્યું આમંત્રણ પાઠવામાં આવ્યું જ છે. આ સાથે જ શહેર અને ગુજરાતના અલગ-અલગ IAS, IPS, રાજકીય અગ્રણીઓ, વેપારીઓ તેમજ શહેરના મોટા ઉઘોગપતિઓને પણ આમંત્રણ પાઠવામાં આવ્યું છે. આ ઉપરાંત શહેરના તમામ સાધુ-સંતોને પણ આ કથામાં આમંત્રણ અપાયું છે.ત્યારે સાધુ સંતો પણ આ કથામાં ભક્તોને દર્શન આપશે.
આયોજકો સાથે વાતચીત માં જણાવ્યા અનુસાર આ કથામાં જે કઈ પણ દાનભેટ આવશે. તે તમામ દાન ભેટ સાળંગપુર સ્થિત કષ્ટભંજન દાદાના ચરણોમાં અપર્ણ કરવામાં આવશે. આ ઉપરાંત આયોજકો દ્બારા શહેરના યુવાનો અને ધર્મપ્રેમી જનતાને આ ભવ્ય કથાનું રસપાન કરવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
કલતક 24 ન્યૂઝ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતનું નંબર 1 ગુજરાતી ન્યૂઝ પોર્ટલ એટલે કલતક 24 ન્યૂઝ (KalTak 24 News) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો કલતક 24 ન્યૂઝ પર.લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ..
તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો
નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ