ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022માં ગુજરાત ટાઇટન્સનું શાનદાર પ્રદર્શન ચાલુ છે. રવિવારે રમાયેલી મેચમાં ગુજરાતે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ને ત્રણ વિકેટે હરાવ્યું હતું. ગુજરાતની છ મેચોમાં આ પાંચમી જીત હતી અને તે પોઈન્ટ ટેબલમાં નંબર વન પર છે.
તોફાની ઇનિંગ રમીને કેપ્ટન હાર્દિક પંડ્યાની કમી અનુભવવા ન દેનાર ગુજરાત ટાઇટન્સની જીતમાં રાશિદ ખાને મહત્વની ભૂમિકા ભજવી હતી. મેચની કેપ્ટનશીપ કરી રહેલા રાશિદ ખાને માત્ર 21 બોલમાં ત્રણ સિક્સરઅને બે ચોગ્ગાની મદદથી 40 રન બનાવ્યા હતા. રાશિદ ખાનની IPL કેરિયરનો આ સર્વશ્રેષ્ઠ સ્કોર હતો.
ચાર બોલમાં મેચ ફેરવાય ગઈ
આ વિસ્ફોટક ઇનિંગ દરમિયાન રાશિદે ઇનિંગની 18મી ઓવરમાં ક્રિસ જોર્ડનને બરાબર ફીરકી લીધી. જોર્ડનની તે ઓવરમાં રાશિદે પહેલાં ચાર બોલમાં ત્રણ સિક્સર અને એક ચોગ્ગાની મદદથી કુલ 22 રન બનાવ્યા, જેણે મેચ ગુજરાત ટાઇટન્સની તરફેણમાં કરી દીધી. જોવામાં આવે તો જોર્ડને ફેંકેલી 18મી ઓવરમાં કુલ 25 રન બનાવ્યા હતા. જેના કારણે ગુજરાતને છેલ્લી બે ઓવરમાં 23 રનની જરૂર હતી, જે તેણે બનાવી લીધા
ક્રિસ જોર્ડનની ઓવર
17.1 ઓવર – 6 રન
17.2 ઓવર – 6 રન
17.3 ઓવર – 4 રન
17.4 ઓવર – 6 રન
17.5 ઓવર – 1 રન
17.6 ઓવર – 2 રન
આવો રહ્યો મુકાબલો
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈ સુપર કિંગ્સે નિર્ધારિત 20 ઓવરમાં પાંચ વિકેટે 169 રન બનાવ્યા હતા. ઋતુરાજ ગાયકવાડે 48 બોલમાં પાંચ છગ્ગા અને ચોગ્ગાની મદદથી સૌથી વધુ 73 રનની ઇનિંગ રમી હતી. તેમના સિવાય અંબાતી રાયડુએ 46 અને કેપ્ટન રવિન્દ્ર જાડેજાએ અણનમ 22 રનનું યોગદાન આપ્યું હતું. ગુજરાત તરફથી અલઝારી જોસેફે સૌથી વધુ બે વિકેટ લીધી હતી.
જવાબમાં ગુજરાત ટાઇટન્સે એક બોલ બાકી રહેતા સાત વિકેટે 170 રન બનાવીને મેચ જીતી લીધી હતી. ડેવિડ મિલરે 51 બોલમાં આઠ ચોગ્ગા અને છ છગ્ગાની મદદથી અણનમ 94 રનની મેચ વિનિંગ ઇનિંગ્સ રમી હતી. આ દરમિયાન મિલરે રાશિદ ખાન સાથે છઠ્ઠી વિકેટ માટે 70 રનની ભાગીદારી કરી હતી. CSK માટે ડ્વેન બ્રાવોએ ત્રણ ખેલાડીઓને અને મહિષ તિક્ષાનાએ બે ખેલાડીઓને આઉટ કર્યા હતા.