Rajkot News: રાજકોટમાં (Rajkot) અવારનવાર વિવાદમાં રહેલું નીલ સિટી ક્લબ (Neel City Club) ફરી એકવાર વિવાદમાં સપડાયું છે. નવરાત્રિનાં રસોત્સવમાં નીલ સિટી ક્લબનાં આયોજકો ભૂલ્યા ભાન હોય તેવો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. આ વાઇરલ વીડિયોમાં (Viral Video) નવરાત્રી જેવા પવિત્ર તહેવારમાં ગરબાને બદલે શકીરાનાં સોંગ પર લોકો ઠુંમકા લગાવતા નજરે પડી રહ્યા છે. આ મામલે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, સનાતન ધર્મ સમિતિનાં સંત સહિત ખેલૈયાઓ દ્વારા ભારે વિરોધ નોંધાવવામાં આવ્યો છે.
રાજકોટમાં (Rajkot) નીલ સિટી ક્લબનાં વીડિયોએ હાલ ભારે વિવાદ સર્જયો છે. નીલ સિટી ક્લબમાં (Neel City Club Rajkot) ગરબોત્સવ દરમિયાન બોલિવૂડ અને હોલિવૂડનાં ગીત જેમ કે જમાલકુડુ અને શકીરાનાં ગીતો પર લોકો ડાન્સ કરતા જોવા મળ્યા હતા. નીલ સિટી ક્લબનાં આયોજનો નવરાત્રિનાં (Navratri 2024) પવિત્ર તહેવાર દરમિયાન જાણે ભાન ભૂલ્યા હોય તેવું લાગી રહ્યું છે. આ મામલે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે, આ બાબતે પ્રશાસન અને સરકારે કાર્યવાહી કરવી જોઈએ. તેમણે આ વાઇરલ વીડિયો સામે રોષ વ્યક્ત કરતા કહ્યું કે, આ પર્વ આપણે મા આદ્યશક્તિની આરાધના માટે ઊજવીએ છીએ.
આયોજકો ભાન ભૂલ્યા છે : વિજય રૂપાણી
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી જણાવ્યું હતું કે, જે વીડિયો પ્રસારિત થયા છે એમાં હું તેને વખોડી કાઢું છું. હિન્દુ સંસ્કૃતિ, આપણી પરંપરા અને નવરાત્રિનું મહત્વ. નવરાત્રિ ઉત્સવ એ માતાજીની આરાધનાનો ઉત્સવ છે. ભલે પ્રાચીન ગરબીઓને આજના સમયમાં અર્વાચીન થાય. મોટી સંખ્યામાં યુવાઓ આવીને ત્યાં બધા રાસ લે. નાચવું અને રાસ લેવો એ બન્નેમાં ફેર છે. થર્ટી ફર્સ્ટમાં જે ઉજવણી થાય છે એ નાચવાની થાય છે. નવરાત્રિમાં માની આરાધનાની સાથે રાસ લઈએ છીએ. ત્યારે ગઈકાલે સકીરાના ડાન્સ અને આ પ્રકારે જે આયોજકે કર્યું છે તેને હું સખ્ત શબ્દોમાં વખોડું છું.
#Rajkot માં શકિરાના સોંગ પર ડાન્સ થયા તેને હું વખોડું છું : પૂર્વ CM વિજય રૂપાણી
ગઈકાલે રાજકોટના નીલ સિટી ક્લબ ખાતે થયેલા ગરબામાં શકીરાના ફોટો સ્ક્રીન પર ચાલ્યા અને તેના સોંગ પર લોકોએ ડાન્સ કર્યો જેનો વીડિયો વાયરલ થયો છે અને માતાજીની આરાધનાના નામે ચાલતા આવા ડિંડકને ન જ ચલાવી… pic.twitter.com/OasGmk3x0k
— Jayesh cHauHaN (@JournoJayesh) October 6, 2024
વધુમાં જણાવ્યું હતું કે, નવી પેઢી પર એની ખરાબ અસર પડે, હિન્દુ સંસ્કૃતિની લાગણી ઘવાય તેવું કોઈપણ પ્રકારનું આયોજન થવું ન જોઈએ. સરકારે પણ આ અંગે ગુજરાતમાં જ્યાં પણ ગરબાના મોટા આયોજન થતા હોય ત્યાં નજર રાખવી જોઈએ. મર્યાદામાં નવરાત્રિ મહોત્સવ ઉજવાય એનું ધ્યાન રાખે એ અતિ આવશ્યક છે. નવરાત્રિ મહોત્સવ સ્ત્રીઓના સન્માનનો કાર્યક્રમ છે. તેમાં આ પ્રકારના જે ડાન્સો છે એ કોઈપણ સંજોગોમાં ચાલે નહીં અને આ પ્રકારે અટકાવવું જોઈએ.
સનાતન ધર્મ સમિતિના સંતે જણાવ્યું હતું કે, રાજકોટના એક ગરબામાં ફિલ્મી ગીતો અને નશાના ગીતો વગાડવામાં આવ્યા હતા. દારૂના ગીતો વગાડવામાં આવ્યા. ગરબાની પરમિશન લીધી હોય તો ગરબા જ વગાડવા જોઈએ. ભાગીતળ ગરબાની અંદર આ ન્યૂસન્સ નાખી અને જે પ્રકારનું કૃત્ય થાય છે એ ખરેખર નિંદનીય છે. ક્યાંય ચલાવી લેવાય તેમ નથી. આયોજક સામે પોલીસ એક્શન લેવાવા જોઈએ.
વધુમાં જણાવ્યું હતું કે, લોકોએ પણ જાગવાની જરૂર છે. આવું થતું હોય ત્યાં રોકવાની જરૂર છે. યુવાપેઢીની અંદર આવા પ્રોગ્રામ થતા હોય તો તમે શું પ્રેરણા આપો. સંસ્કૃતિની વાતો કરવી છે તો સંસ્કૃતિ સાચવવી પડે. સનાતન ધર્મના તહેવારોમાં આવી બેજવાબજારીપૂર્વકના કૃત્ય થતા હોય તો ત્યાં હાજર પોલીસકર્મીએ પણ ધ્યાન દોરવું જોઈએ. આવું થતું હોય તો તેને રોકવાની કોશિશ કરવી જોઈએ. રોકવું જોઈએ સંસ્કૃતિ વિરૂદ્ધનું કાર્ય થતું હોય તો સમાજે રોકવાની જરૂર છે.
આપણે આપણું કલ્ચર અને સંસ્કૃતિને જાળવવી જોઈએ : ખેલૈયાઓ
આ સાથે કેટલાક ખેલૈયાઓએ પણ નીલ સિટી ક્લબનાં (Neel City Club Rajkot) આયોજકો સામે ભારે રોષ વ્યક્ત કર્યો છે. ખેલૈયાઓએ કહ્યું કે, આ પ્રકારનાં વીડિયો અને ગીતો પર ગરબા ના થવા જોઈએ. આપણે આપણું કલ્ચર અને સંસ્કૃતિને જાળવવી જોઈએ. 31st ડિસેમ્બરમાં જે રીતે નાચગાન થાય છે તેવા નાચગાન નવરાત્રી પર ન હોવા જોઈએ.
ગરબાની મંજૂરી પર ડીજેનું આયોજન
મેયર નયનાબેને કહ્યું કે, મંજૂરી ગરબાની જ આપવામાં આવી હતી. પરંતુ, તેમના મગજમાં શું ફરતું હોય તે મંજૂરી આપનારને ન ખબર હોય. આયોજકોએ લોકોની ભાવનાને સમજીને પગલું લેવું જોઈએ. જોકે, મેં હજુ આ વીડિયો જોયો પણ નથી. આ કૃત્યથી માતાજીનું અપમાન થયું છે. તે આયોજકે પોતે ઘટનાની ગંભીરતા લેવી જોઈએ. જે લોકોએ આ કામ કર્યું તેમને સમજવું જોઈએ કે, હું માતાજીની આરાધનાનું કાર્ય કરૂ છું. ત્યાં 31 ડિસેમ્બર જેવો પ્રોગ્રામ ન થવો જોઈએ. આ સાથે જ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીએ રાજકોટમાં બનેલી આ ઘટનાની કડક શબ્દોમાં નિંદા કરી છે. સરકારને આ કૃત્ય સામે એક્શન લેવા સૂચન કરી છે.
પોલીસ કરશે કોઈ ફરિયાદ ?
ગરબાની પરમિશન પોલીસ અને ફાયર વિભાગ આપતું હોય છે,ત્યારે આયોજકો સામે હજી સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી નથી.રાજકોટના મેયરે પણ આ ઘટનાને વખોડી છે,તેમનું પણ કહેવું છે કે આવું થવું જોઈએ નહી,નવરાત્રિની પરંપરાને ભૂલીને લોકો પશ્ચિમી સંસ્કૃતિ તરફ વળ્યા હોય તેવું લાગી રહ્યું છે.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube