Organ Donation in Surat: ટેક્ષટાઇલ અને ડાયમંડ સિટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર શહેર તરીકે ખ્યાતી પામી રહ્યું છે. સુરત શહેરે ડોનેટ લાઈફના માધ્યમથી 500 કિડનીનું દાન કરાવી અંગદાનના ક્ષેત્રમાં નવો માઈલસ્ટોન બનાવ્યો છે. ડોનેટ લાઈફ દ્વારા વધુ એક અંગદાન સુરતની સ્મીમેર હોસ્પિટલથી કરાવવામાં આવ્યું છે. સ્મીમેર હોસ્પિટલે સ્ટેટ ઓર્ગન એન્ડ ટીસ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશન (SOTTO)માં ઓર્ગન રીટ્રાયવલ હોસ્પિટલ તરીકે નોંધણી કરાવ્યા પછી સ્મીમેર હોસ્પિટલથી પ્રથમ અંગદાન કરાવવામાં આવ્યું છે. આદિવાસી સમાજના 49 વર્ષીય બુધાભાઈ પારસીંગભાઈ નાયકાના પરિવારે ડોનેટ લાઈફના માધ્યમથી બુધાભાઈના લિવર અને કિડનીનું દાન કરી ત્રણ વ્યક્તિઓને નવજીવન બક્ષી માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે
મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હતો
મૂળ પંચમહાલના વતની અને સુરતના કામરેજ ખાતે રહેતા અને સફાઈ કામદાર તરીકે કાર્ય કરતા બુધાભાઈ તા. 28 એપ્રિલના રોજ સાંજે કરીયાણું લેવા જતા હતા. ત્યારે વાવ ગામ પાસે અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા તેઓ નીચે પડી ગયા હતા અને માથામાં ઈજાઓ થતા તેઓ બેભાન થઈ ગયા હતા. 108 એમ્બ્યુલન્સ મારફત તેમને સુરતની સ્મીમેર હોસ્પિટલમાં સર્જરી વિભાગ યુનિટ 4ના પ્રો. ડૉ. દિનેશ પ્રસાદ અને આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. જીગ્નલ સોનાવલેની સારવાર હેઠળ દાખલ કર્યા હતા. નિદાન માટે CT સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ અને મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું નિદાન થયું હતું.
અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી
29 એપ્રિલના રોજ મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ.જીતેન્દ્ર દર્શન, સર્જરી વિભાગના વડા ડૉ. અર્ચના નેમા, ન્યુરોસર્જન ડૉ. દીપેશ કક્કડ, સર્જરી વિભાગના સીનીયર રેસિડન્ટ ડૉ. ચિંતન પટેલે બુધાભાઈ બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. સર્જરી વિભાગના વડા ડૉ.અર્ચના નેમાએ ડોનેટ લાઈફના સ્થાપક નિલેશ માંડલેવાલાનો ટેલિફોનિક સંપર્ક કરી બુધાભાઈના બ્રેઈનડેડ અંગેની જાણકારી આપી. ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી બુધાભાઈના પત્ની ગંગાબેન, ભાઈ કાળુભાઈ, ભાણેજ પ્રકાશભાઈ અને મુકેશભાઈ, દિવ્યેશભાઈ શેખડા, મનોજભાઈ પટેલ તેમજ નાયકા પરિવારના અન્ય સભ્યોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી હતી.
પત્ની સફાઈ કામદાર તરીકેનું કાર્ય કરે છે
બુધાભાઈના ભાઈ કાળુભાઈએ જણાવ્યું કે, અમે ગરીબ પરિવારના છીએ, રોડ સફાઈનું કાર્ય કરીને અમારા પરિવારનું જીવન પોષણ કરીએ છીએ. જીવનમાં અમે કોઈ ચીજ-વસ્તુઓનું દાન કરી શકવાના નથી. આજે મારા ભાઈ બ્રેઈનડેડ છે અને તેનું મૃત્યુ નિશ્વિત જ છે, શરીર તો રાખ જ થઈ જવાનું છે. ત્યારે મારા ભાઈના જેટલા પણ અંગોનું દાન થઈ શકતું હોય તે કરાવીને ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન આપવા માટે આપ આગળ વધો. બુધાભાઈના પરિવારમાં પત્ની ગંગાબેન (ઉં.વ. 46), સફાઈ કામદાર તરીકેનું કાર્ય કરે છે. બે પુત્રો સંજય (ઉં.વ 22) અને કનુ (ઉં.વ.19) ખેતમજૂર છે.
અત્યાર સુધી 117 ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યા
પરિવારજનો તરફથી અંગદાનની સંમતી મળતા SOTTOનો સંપર્ક કરવામાં આવ્યો. SOTTO દ્વારા કિડની અને લિવર અમદાવાદની IKDRCને ફાળવવામાં આવી હતી. કિડની અને લિવરનું દાન અમદાવાદની IKDRCના ડૉ. અખિલ અને તેમની ટીમે સ્વીકાર્યું હતું. દાનમાં મેળવવામાં આવેલી બે કિડની અને લિવરનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની IKDRCમાં ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓમાં કરવામાં આવ્યું હતું. કિડની અને લિવર સમયસર અમદાવાદ મોકલવા માટે સુરતની સ્મીમેર હોસ્પિટલથી કામરેજ ટોલનાકા સુધીનો ગ્રીન કોરીડોર સુરત શહેર પોલીસ દ્વારા બનાવવામાં આવ્યો હતો. સુરત શહેર પોલીસ દ્વારા વિવિધ અંગો દેશના જુદા-જુદા શહેરોમાં સમયસર પહોંચાડવા માટે અત્યાર સુધી 117 ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યા છે.
ગુજરાતનું સૌ પ્રથમ લિવરનું દાન 2006માં સ્મીમેરમાં આવ્યું
સ્મીમેર હોસ્પિટલે સ્ટેટ ઓર્ગન એન્ડ ટીસ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશન (SOTTO)માં ઓર્ગન રીટ્રાયવલ હોસ્પિટલ તરીકે નોંધણી કરાવ્યા પછી સ્મીમેર હોસ્પિટલથી કરાવવામાં આવેલું આ પ્રથમ અંગદાન છે. સ્મીમેર હોસ્પિટલથી બ્રેઈનડેડ વ્યક્તિઓના અંગદાન કરાવવા માટેનું માર્ગદર્શન મેયર દક્ષેશ માવાણી અને મ્યુનિસિપલ કમિશનર શાલીની અગ્રવાલ દ્વારા હંમેશા મળતું રહ્યું છે. ઉલ્લેખનિય છે કે, ગુજરાતનું સૌ પ્રથમ લિવરનું દાન ફેબ્રુઆરી 2006માં સુરતની સ્મીમેર હોસ્પિટલથી કરવામાં આવ્યું હતું.
1137 વ્યક્તિઓને નવુંજીવન અને નવી દૃષ્ટી બક્ષવામાં સફળતા
સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા કુલ 1227 અંગો અને ટીસ્યુઓનું દાન કરાવવામાં આવ્યું છે. જેમાં 500 કિડની, 218 લિવર, 51 હૃદય, 48 ફેફસાં, 8 પેન્ક્રીઆસ, 4 હાથ, 1 નાનું આતરડું અને 397 ચક્ષુઓના દાનથી દેશ અને વિદેશના કુલ 1137 વ્યક્તિઓને નવુંજીવન અને નવી દૃષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube