ગાંધીનગર : વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આગામી 28 ઓક્ટોબરના રોજ ગુજરાત આવી રહ્યા છે. તેમના આગામી ગુજરાત પ્રવાસ દરમિયાન તેઓ અમરેલી જિલ્લા ખાતે ₹4800 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે, જેમાં અમરેલી, જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, કચ્છ અને બોટાદ જિલ્લાના લગભગ 1600 જેટલા વિકાસકાર્યોનો સમાવેશ થાય છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ₹705 કરોડના પાણી પુરવઠા વિભાગના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે. તેઓ અમરેલી જિલ્લાની ગાગડિયો નદી પર ₹35 કરોડના ખર્ચે નિર્મિત ભારતમાતા સરોવરનું લોકાર્પણ કરશે. આ સાથે જ તેઓ, જળસંચય વિભાગ હેઠળ ₹20 કરોડના પિટ રિચાર્જ, બોર રિચાર્જ, અને કૂવા રિચાર્જના 1000 કામોનું ખાતમુહુર્ત અને 590 કામોનું લોકાર્પણ પણ કરશે. વડાપ્રધાનશ્રી ₹2800 કરોડથી વધુના નેશનલ હાઇવે ઓથોરિટી ઑફ ઇન્ડિયા (NHAI) ના વિવિધ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે. વધુમાં, ₹1094 કરોડના ખર્ચે રેલવે વિભાગ હેઠળ ભુજ-નલિયા ગેજ કન્વર્ઝન પ્રોજેક્ટનું પણ લોકાર્પણ કરશે.
પાણી પુરવઠા વિભાગના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આગામી 28 ઓક્ટોબરે અમરેલી જિલ્લા ખાતેથી ₹705 કરોડના પાણી પુરવઠા વિભાગના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે, જેમાં ₹112 કરોડના કાર્યોનું ખાતમુહુર્ત અને ₹644 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે. આ વિકાસકાર્યોમાં બોટાદ જિલ્લા માટે નાવડાથી ચાવંડ બલ્ક પાઇપલાઇનનું લોકાર્પણ તેમજ ભાવનગર જિલ્લામાં પીવાના પાણી માટેની પસવી જૂથ ઓગમેન્ટેશન પાણી પુરવઠા યોજના ભાગ-2ના કામોના ખાતમુહુર્તનો સમાવેશ થાય છે.
નાવડાથી ચાવંડ બલ્ક પાઇપલાઇન પ્રોજેક્ટના પૂર્ણ થવાથી બોટાદ, અમરેલી, જૂનાગઢ, રાજકોટ અને પોરબંદર જિલ્લાના 1298 ગામો અને 36 શહેરોના લગભગ 67 લાખ લાભાર્થીઓને વધારાનું 28 કરોડ લીટર પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. જ્યારે, ભાવનગર જિલ્લામાં પીવાના પાણી માટેની સ્કીમો હેઠળ જિલ્લાના મહુવા, તળાજા અને પાલીતાણા તાલુકાના 95 ગામોને આવરી લેવામાં આવ્યા છે, જેની વસ્તી લગભગ 2.75 લાખ લોકોની છે.
₹35 કરોડના ખર્ચે નિર્મિત ભારતમાતા સરોવરનું લોકાર્પણ
પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ (PPP) મોડલ અન્વયે ગુજરાત સરકાર અને ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા ₹35 કરોડના ખર્ચે લાઠીના દુધાળા ખાતે હેતની હવેલી પાસે ભારતમાતા સરોવરનું નિર્માણ કરવામાં આવ્યું છે. વોટરશેડ ડિપાર્ટમેન્ટ હસ્તકના 4.50 કરોડ લીટર પાણીની સંગ્રહશક્તિ ધરાવતા ચેકડેમને ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા ઊંડો કરવામાં આવ્યો છે, તેની પહોળાઈ પણ વધારવામાં આવી છે, અને ચેકડેમની બંને બાજુએ માટી નાખીને તેની મજબૂતાઈમાં વધારો કરવામાં આવ્યો છે. તેના પરિણામે ચેકડેમની પાણીની સંગ્રહશક્તિમાં 20 કરોડ લીટરનો વધારો થયો છે. આ ચેકડેમને ભારતમાતા સરોવર નામ આપવામાં આવ્યું છે, અને હાલ ભારતમાતા સરોવરમાં અંદાજે 24.50 કરોડ લીટર પાણીનો સંગ્રહ થયો છે. તેના કારણે આજુબાજુના ખેતરમાં આવેલા બોર તેમજ કૂવાના પાણીના સ્તરમાં વધારો થયો છે, જેના લીધે આસપાસના ગામોમાં પાણીની સગવડ થઈ છે, અને ગામના ખેડૂતોને સિંચાઇ માટે પરોક્ષ રીતે લાભ મળ્યો છે.
₹2800 કરોડથી વધુના NHAIના વિવિધ કામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આગામી 28 ઓક્ટોબરના રોજ અમરેલી ખાતે ₹2811 કરોડના નેશનલ હાઇવે ઓથોરિટી ઑફ ઇન્ડિયા (NHAI)ના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે, જેમાં ₹2185 કરોડના 4 વિકાસકાર્યોનું લોકાર્પણ અને ₹626 કરોડના એક વિકાસકાર્યનું ખાતમુહુર્ત કરવામાં આવશે.
NHAIના લોકાર્પણના 4 વિકાસકાર્યોમાં ₹768 કરોડના ખર્ચે NH 151Aના ધ્રોળ-ભાદરા-પાટિયા સેક્શન અને ભાદરા પાટિયા – પિપળિયા સેક્શનનું ચારમાર્ગીયકરણ, ₹1025 કરોડના ખર્ચે NH 151Aના દ્વારકા-ખંભાળિયા-દેવરિયા સેક્શન- 203 કિમીથી 176 કિમી અને 171 કિમીથી 125 કિમી સેક્શનનું ચારમાર્ગીયકરણ, ₹136 કરોડના ખર્ચે NH 51ના માધવપુરથી પોરબંદર સેક્શન (338 કિમીથી 379 કિમી)નું ચારમાર્ગીયકરણ અને ₹256 કરોડના ખર્ચે NH 151 ના જેતપુર-સોમનાથ સેક્શનના ચારમાર્ગીયકરણ પર જૂનાગઢ બાયપાસ સહિતના બાકી કામોના બાંધકામનો સમાવેશ થાય છે. આ સાથે જ ₹626 કરોડના ખર્ચે જામનગર જિલ્લાના ધ્રોળ બાયપાસથી મોરબી જિલ્લાના આમરણ સુધીના ખૂટતા સેક્શનના ચારમાર્ગીયકરણના કામનું ખાતમુહુર્ત પણ કરવામાં આવશે.
₹1094 કરોડના ખર્ચે ભુજ-નલિયા ગેજ કન્વર્ઝન પ્રોજેક્ટનું લોકાર્પણ
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આગામી 28 ઓક્ટોબરે ભુજ-નલિયા ગેજ કન્વર્ઝન પ્રોજેક્ટ દેશને સમર્પિત કરશે. ભુજ-નલિયા ગેજ કન્વર્ઝન પ્રોજેક્ટ ₹1094 કરોડના ખર્ચે પૂર્ણ કરવામાં આવ્યો છે. આ સેક્શનમાં 24 મેજર અને 254 માઇનર બ્રિજ સામેલ છે, તેમજ 3 રોડ ઓવરબ્રિજ અને 30 રોડ અંડરબ્રિજનો પણ આ પ્રોજેક્ટમાં સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ ખૂબ જ ફાયદાકારક છે, જે રાજ્યના કચ્છ જિલ્લાના સામાજિક-આર્થિક વિકાસને વેગ આપશે.
આ સાથે જ વડાપ્રધાનશ્રી પ્રવાસન સંબંધિત ₹200 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહુર્ત પણ કરશે, જે હેઠળ ગુજરાતના પોરબંદર જિલ્લાના મોકરસગાર ખાતે કર્લી રિચાર્જ જળાશયનો વિશ્વસ્તરીય સસ્ટેનેબલ ઇકોટુરિઝમ તરીકે વિકાસ કરવામાં આવશે. આમ, વડાપ્રધાનશ્રી આગામી દિવાળી અને ગુજરાતી નવ વર્ષ પહેલા ગુજરાતના નાગરિકો માટે કરોડોના વિકાસકાર્યોની ભેટ લઇને આવશે.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube