December 19, 2024
KalTak 24 News
Gujarat

ગુજરાત સરકારે ખેડૂતો માટે જાહેર કર્યું 1419 કરોડનું કૃષિ રાહત-સહાય પેકેજ;રાજ્ય સરકાર 20 જિલ્લાના અંદાજે 7 લાખ ખેડૂતોને સહાય ચૂકવશે

agricultural-relief-assistance-package-by-govt-for-farmers-in-areas-affected-by-heavy-rains
  • Gujarat રાજ્યમાં ઓગષ્ટ-૨૦૨૪ મહિનામાં વરસેલા ભારે વરસાદથી નુકશાનગ્રસ્ત વિસ્તારના ખેડૂતો માટે સરકાર દ્વારા કૃષિ રાહત-સહાય પેકેજ જાહેર
  • મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રૂ. ૧૪૧૯.૬૨ કરોડની માતબર રકમનું કૃષિ રાહત પેકેજ જાહેર
  • પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ અને કૃષિ મંત્રી શ્રી રાધવજી પટેલે કરી જાહેરાત
  • અસરગ્રસ્ત ખેડૂતોને SDRFના નિયમો પ્રમાણે તેમજ નુકશાનની તીવ્રતાને ધ્યાને લઇ રાજ્ય ભંડોળમાંથી વધારાના રૂ. ૩૨૨.૩૩ કરોડની ટોપ-અપ સહાય પણ અપાશે: પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ
  • રાજ્યના ૨૦ જિલ્લાના ૧૩૬ તાલુકાના કુલ ૬૮૧૨ ગામોનો વિસ્તાર ભારે વરસાદથી અસરગ્રસ્ત
  • SDRFના નિયમો પ્રમાણે ૩૩ ટકાથી વધુ નુકશાન હોય તેવા આશરે ૭ લાખથી વધુ ખેડૂતોને મહત્તમ ૨ હેક્ટરની મર્યાદામાં સહાય મળશે
  • ભારે વરસાદના પરિણામે 33 ટકા થી વધુ નુકસાન પામેલ કુલ ૮,૮૩,૦૦૦ હેક્ટર વિસ્તાર

Gandhinagar News: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની અધ્યક્ષતામાં આજે મળેલી કેબિનેટ બેઠકમાં ખેડુત હિતલક્ષી મહત્વનો નિર્ણય કરાયો છે. રાજ્યમાં તાજેતરમાં ભારે વરસાદથી થયેલ નુકશાનને પગલે રાજ્ય સરકાર દ્વારા કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે

આ અંગે વિગતો આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, ગુજરાતના કેટલાક જિલ્લામાં ઓગષ્ટ-૨૦૨૪ માસ દરમિયાન વરસેલા વરસાદના પરિણામે ખેડૂતોના ખેતી અને બાગાયતી પાકોને વ્યાપક પ્રમાણમાં નુકશાન થયું છે. આવી વિકટ પરિસ્થિતિમાં જગતના તાતને આર્થિક નુકશાનીમાં સહાયરૂપ થવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની મંજૂરીથી રાજ્ય સરકાર દ્વારા ઉદાર હ્રદયે રૂ. ૧૪૧૯.૬૨ કરોડની માતબર રકમનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે.જેમાં રૂ. ૧૦૯૭.૩૧ કરોડ SDRF હેઠળ અને રાજ્ય બજેટમાંથી સહાય પેટે રૂ. ૩૨૨.૩૩ કરોડ ચૂકવાશે.

મંત્રી રાઘવ પટેલે રાહત પેકેજ અંગે વિસ્તૃત વિગતો આપતા જણાવ્યું હતું કે, ઓગષ્ટ માસમાં પંચમહાલ, નવસારી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, ખેડા, આણંદ, વડોદરા, મોરબી, જામનગર, કચ્છ, તાપી, દાહોદ, રાજકોટ, ડાંગ, અમદાવાદ, ભરૂચ, જુનાગઢ, સુરત, પાટણ અને છોટા ઉદેપુર એમ ર૦ જિલ્લાના મળી કુલ ૧૩૬ તાલુકાના કુલ ૬૮૧૨ ગામોમાં ભારે વરસાદ વરસતા અસરગ્રસ્ત થયા હતા.

આ અસરગ્રસ્ત વિસ્તારમાં વિવિધ ટીમોની રચના કરી વિગતવાર સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. કુલ ૧૨૧૮ જેટલી ટીમોએ આ અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વે હાથ ધર્યો હતો. જેના આધારે આશરે ૭ લાખથી વધુ અસરગ્રસ્ત ખેડૂતોને સહાય આપવામાં આવશે.

 


ખેડૂતોને નિયમોનુસારની સહાય આપવા માટે નિયત કરાયેલા ધોરણો અંગે વાત કરતા મંત્રીશ્રીએ કહ્યું હતું કે, અસરગ્રસ્ત ખેડૂતોને SDRF-સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડના ધારા-ધોરણો મુજબ પાક નુકશાની માટે સહાય આપવામાં આવશે. સાથે જ નુકશાનની તીવ્રતાને ધ્યાને રાખીને રાજ્ય ભંડોળમાંથી/રાજ્ય બજેટ હેઠળ વધારાની રૂ. ૩૨૨.૩૩ કરોડની ટોપ અપ સહાય અપાશે.

કૃષિ મંત્રી શ્રી રાધવજી પટેલે કૃષિ રાહત પેકેજ માટે રાજ્ય સરકારે નિયત કરેલા ધોરણો વિશે વિસ્તૃત વિગતો આપી હતી.તદ્અનુસાર,

(૧) ખરીફ ૨૦૨૪-૨૫ ઋતુના વાવેતર કરેલા બિનપિયત ખેતી પાકોમાં ૩૩ ટકા કે તેથી વધુ નુકસાન માટે SDRFના નોર્મ્સ મુજબ રૂ. ૮,૫૦૦ તેમજ રાજ્ય બજેટ હેઠળ રૂ. ૨,૫૦૦ સહાય મળી કુલ રૂ. ૧૧,૦૦૦ પ્રતિ હેક્ટર લેખે ખાતાદીઠ મહત્તમ ૨ હેક્ટરની મર્યાદામાં સહાય અપાશે.
(૨) વર્ષાયુ અથવા પિયત પાકોના ૩૩ ટકા કે તેથી વધુ નુકસાન માટે SDRFના નોર્મ્સ મુજબ રૂ. ૧૭,૦૦૦ તેમજ રાજ્ય બજેટ હેઠળ રૂ. ૫,૦૦૦ સહાય મળી કુલ રૂ. ૨૨,૦૦૦ પ્રતિ હેક્ટર લેખે ખાતાદીઠ મહત્તમ ૨ હેક્ટરની મર્યાદામાં સહાય અપાશે.
(૩) બહુવર્ષાયુ બાગાયતી પાકોના ૩૩ ટકા કે તેથી વધુ નુકસાન માટે SDRFના નોર્મ્સ મુજબ રૂ. ૨૨,૫૦૦ પ્રતિ હેક્ટર લેખે ખાતાદીઠ મહત્તમ ૨ હેક્ટરની મર્યાદામાં સહાય અપાશે.

આ ઉપરાંત જે કિસ્સામાં જમીન ધારકતાના આધારે નિયત ધોરણો મુજબ જો સહાય ચૂકવવા પાત્ર રકમ રૂ. ૩,૫૦૦ કરતાં ઓછી થતી હોય, તો તેવા કિસ્સામાં ખાતાદીઠ ઓછામાં ઓછા રૂ. ૩૫૦૦ ચૂકવવામાં આવશે.

જેમાં SDRF ઉપરાંતની તફાવતની રકમ રાજ્ય બજેટમાંથી ચૂકવવામાં આવશે. આ પેકેજેમાં બિન પિયત પાકો માટે રૂ. ૪૭૫.૭૧ કરોડ, પિયત પાકો માટે રૂ. ૯૪૨.૫૪ કરોડ અને બહુવર્ષાયુ પાકો માટે રૂ.૧.૩૭ કરોડ મળી કુલ રૂ. ૧૪૧૯.૬૨ કરોડ સહાય ચૂકવવામાં આવશે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું

અત્રે નોંધનીય છે કે, ખેડૂતોને સહાય આપવા અંગે સંબંધિત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અસરગ્રસ્ત ગામોની યાદી જાહેર કરવામાં આવશે. સહાય માટે નુકસાનગ્રસ્ત ગામોના નિયત નુકસાન ધરાવતા ખાતેદાર ખેડૂતોએ ગ્રામ્ય કક્ષાએ ઇ-ગ્રામ સેન્ટર પરથી સાધનિક આધાર પુરાવા સાથે ડિજીટલ ગુજરાત પોર્ટલ પર અરજી કરવાની રહેશે.

 

 

 

Advertisement
Advertisement

 

 

 

 

Related posts

વિધાનસભા ની ચૂંટણી જીત્યા બાદ હાર્દિક પટેલએ મા અંબાના આશીર્વાદ લીધા, મીડિયા સાથે વાતચીત માં શું કહ્યું?

Sanskar Sojitra

સુરત/ જીવન એક કળા છે તેને મન ભરીને જીવવા કુશળતા જરૂરી છે,વિચારોના વાવેતરમાં ૬૭મો વિચાર થયો રજૂ..

Sanskar Sojitra

સુરત/ પી.પી સવાણી પરિવાર દ્વારા આયોજિત ‘માવતર’ લગ્નોત્સવમાં 75 પિતાવિહોણી દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડયાં,રાજકીય મહાનુભાવો અને સમાજ અગ્રણીઓના હસ્તે કન્યાદાન

Sanskar Sojitra
Advertisement
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં