Shree Hanuman Chalisa Yuva Katha Surat,સંસ્કાર સોજીત્રા,સુરત: સુરત શહેરના આંગણે સૂર્યપુત્રી તાપી નદીના તટે વસેલુ નગર એટલે કર્ણભૂમિ સુરત શહેરના આંગણે ૫૫ વિધા જમીનમાં ભવ્ય શ્રી હનુમાન ચાલીસા યુવા કથા(જીવન પરિવર્તનની આંધી)નું આયોજન કરવામાં આવ્યું છે. સરથાણા ખાતે રૂક્ષ્મણી ચોક , મીરા એવન્યુ ની બાજુમાં , આઇકોનિક રોડ ખાતે શ્રી મારુતિ સેવા વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રી મારુતિ ધૂન મંડળ યુવા ગ્રુપ – સુરત અને શ્રી હનુમાન ચાલીસા યુવા કથા સમિતિ દ્વારા આગામી ૨૭ ડીસેમ્બર થી ૦૩જાન્યુઆરી સુધી આ કથા યોજાશે.જેમાં સાળંગપુરના શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી શ્રોતાઓને હનુમાનજીના મહિમાનું રસપાન કરાવશે. આ કથામાં સાતે સાત દિવસ કુલ 2025 ગંગા સ્વરૂપે બહેનોને એક વર્ષ સુધી ચાલે એવી અનાજ કરિયાણાની કીટનું વિતરણ કરાશે. જેમાં અંદાજે 4.50 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચો થશે. ત્યારે આ કથામાં લોકો માટે શું-શું ખાસ વ્યવસ્થા ઊભી કરાઈ છે અને કથામાં કયા-કયા આકર્ષણો હશે તેની તમામ માહિતી અમે તમને જણાવીએ.
ભવ્ય અને દિવ્ય શ્રીહનુમાન ચાલીસા યુવા કથાનું આયોજન
હીરા નગરી, ટેક્સટાઈલ હબ અને હવે બ્રીજ સિટી તરીકે ઓળખાતા અને સુરતમાં શ્રી હનુમાન ચાલીસા કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથા લોકોને સાળંગપુર ધામમાં વિરાજિત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી અહીં સાક્ષાત હોય તેવો અહેસાસ થશે. આ કથા આગામી ૨૭ ડીસેમ્બર થી ૦૩જાન્યુઆરી સુધી રાતે 8.30થી 11.30 વાગ્યા સુધી યોજાશે. જેમાં સાળંગપુર ધામના શાસત્રી હરીપ્રકાશદાસજી સ્વામી કથાનું રસપાન કરાવશે.મહત્વનું છે કે, આજના યુવાનો પશ્ચિમી સંસ્કૃતિથી દૂર રહે અને ડ્રગ દારૂ સહિત અન્ય વ્યસનો ના કરે તે માટે હરિ પ્રકાશ સ્વામી દ્વારા આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથામાં દરરોજ શરૂઆત રાષ્ટ્રગાનથી થશે. મહત્ત્વનું છે કે, આ કથામાં સનાતન હિન્દુ ધર્મમાં હનુમાનજી મહારાજનો મહિમા જન-જન સુધી પહોંચે, તમામ સમાજને સાથે રાખી એક ઉત્તમ રાષ્ટ્રનું નિર્માણ થાય, યુવાનોમાં રાષ્ટ્ર ભક્તિ તેમજ આધ્યાત્મિક ભક્તિ ઉજાગર થાય અને યુવાનો વ્યસનો છોડી હનુમાન દાદાને આદર્શ માની સાચા રસ્તે વળે એવા ઉદ્દેશથી આ કથાનું આયોજન કરાયું છે.
સનાતન હિન્દુ ધર્મમાં હનુમાનજી મહારાજનો મહિમા જન-જન સુધી પહોંચે તેમજ તમામ સમાજના લોકોને સાથે રાખી એક ઉત્તમ સમાજનું નિર્માણ થાય અને યુવાનોમાં રાષ્ટ્રભકિત તેમજ આધ્યાત્મિક ભકિત ઉજાગર થાય અને યુવાનો વ્યસન મુક્ત થઈ હનુમાનજી દાદાને પોતાના આર્દશ માની સાચા રસ્તે વળે એવા શુભ ઉદ્દેશથી તેમજ શ્રી મારૂતિધૂન મંડળ યુવા ગૃપ કરતાલ ધ્વનિ-ધુન દ્વારા થતી સેવા ગંગાસ્વરૂપ બહેનોને વર્ષોથી અનાજ-કરીયાણાની કીટ આપવાનું કાર્ય કરે છે. તો આ કથા દરમિયાન 2025નું નવુ વર્ષની શરૂઆત સાથે 2025 જેટલા નિરાધાર ગંગાસ્વરૂપ બહેનોને અનાજ-કરીયાણાની કીટ વિતરણથી માનવતાની મહેક મહેકાવવા ના ઉદ્દેશ્યથી સમગ્ર કથાનું આયોજન કરવામાં આવ્યું છે.
2025 ગંગા સ્વરૂપ બહેનોને અનાજ કરિયાણાની કીટનું કરાશે વિતરણ
2025 ગંગા સ્વરૂપ બહેનોને અપાનારી અનાજ કરિયાણાની કીટ વિશે વાત કરતા ચેતનભાઇ ઠુમરે જણાવ્યું કે, છેલ્લા 21 વર્ષથી અમે ધૂન મંડળ ચલાવીએ છીએ એટલે અમારી પાસે ગંગા સ્વરૂપે બહેનો જે સુરતમાં રહે છે એનો મોટી સંખ્યામાં ડેટા છે. અમે એવી ગંગા સ્વરૂપે બહેનોને અનાજ કરિયાણાની કીટો આપીશું કે જેમના દીકરા 18 વર્ષથી ઓછી ઉંમરના હોય અને એમના જીવન નિર્વાહ માટેનો કોઈ આવકનો સ્ત્રોત હોય નહીં. એક કીટની કિંમત અંદાજે 15-20 હજાર રૂપિયા થાય છે. આ કથા ની અમે પાંચ લાખ પત્રિકાઓનું વિતરણ કર્યું હતું. આ તમામ બહેનો એવી રીતે નક્કી કર્યા કે કોઈના રેફરન્સ દ્વારા આવ્યા હોય તેમને યોગ્ય તપાસ કરીને અમે આ કીટનું વિતરણ કરવાનું નક્કી કર્યું છે.
આ અંગે હરિપ્રકાશ સ્વામીએ જણાવ્યું કે, ભાવી પેઢી માટે હનુમાનજી રોલ મોડેલ છે. આ કથામાં 2025 ગંગા સ્વરૂપે બહેનોને અનાજ કરિયાણાની કીટનું વિતરણ થશે તે ખૂબ જ સરાનીય અને પ્રશંસનીય કામગીરી છે. કથા શરૂ થયાથી અંત સુધી દરરોજ બહેનોને આ કીટ નું વિતરણ કરાશે. આમ આખી કથા દરમિયાન 2025 બહેનોને અનાજ કરિયાણાની એક વર્ષ સુધી ચાલે એવી કીટ આપવામાં આવશે.
કથા સ્થળે તડામાર તૈયારીઓ
શ્રી હનુમાન ચાલીસા કથા ગ્રાઉન્ડ,રૂક્ષ્મણી ચોક , મીરા એવન્યુ ની બાજુમાં,આઇકોનિક રોડ ખાતે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. કથા સ્થળે ૫૦ હજારથી વધુ લોકો બેસીને દાદાની કથા સાંભળી શકે તે માટેનું આયોજન હાથ ધરાઈ રહ્યું છે. આ ઉપરાંત ત્યાં લોકોના વાહનોના પાર્કિંગ સહિતની વ્યવસ્થા ઉભી કરાઈ રહી છે. ૫૦૦થી વધુ યુવાનો હાલ દિવસ રાત આ કથાને લઈને તડામાર તૈયારીઓમાં જોતરાયા છે. છેલ્લાં દોઢ મહિનાથી યુવાનો દિવસ રાત કામગીરીમાં જોતરાયા છે. આ યુવાનો હાલમાં કથા સ્થળે આયોજન, પેમ્ફલેટ વિતરણ, હૉર્ડિંગ લગાવવા, ઘરે ઘરે જઈને લોકોને કથા વિષે માહિતી આપવી અને કંકોત્રી વિતરણ સહિતની કામગીરી કરી રહ્યા છે.
ઘર-ઘર સુધી કથા અંગેની માહિતી પહોંચાડવામાં આવી
શ્રી હનુમાન ચાલીસા યુવા કથા સમિતિ દ્વારા આયોજિત આ કથા અંગેની જાણકારી ઘરે-ઘરે સુધી પહોચાડવાનો પ્રયાસ હાથ ધરાયો છે. આ માટે શહેરમાં 2 લાખથી વધુ પેમ્ફલેટ, શહેરમાં અલગ-અલગ જગ્યા પર મોટા હૉર્ડિંગ્સ, સોસાયટીના ગેટ પર બેનરો આ ઉપરાંત શહેરના અલગ-અલગ પોઈન્ટ પર મોટા ગેઇટ પણ બનાવવામાં આવશે.
કથા સ્થળે બે મોટા ધાર્મિક સ્ટોલ પણ હશે
આયોજકોના જણાવ્યા અનુસાર કથા સ્થળે બે ધાર્મિક સ્ટોલ પણ ઉભા કરવામાં આવશે. જ્યાંથી શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને લગતા તમામ ધાર્મિક સાહિત્યનું વેચાણ કરાશે. આ સ્ટોલ સાળંગપુર સંસ્થા દ્વારા જ ઉભા કરવામાં આવશે. જ્યાંથી લોકો દાદાની ફોટો ફ્રેમ સહિતના તમામ સાહિત્ય ખરીદી કરી શકશે.
કથાના કાર્યક્રમ
આગામી તારીખ 27-12-2024ના રોજ રાત્રે 8.30 કલાકે ધૂન-કિર્તન-ભજન,મારૂતિ યજ્ઞ,તારીખ 28-12-2024 ના રોજ ભવ્ય અને વિશાળ પોથીયાત્રા,દાદાના ભવ્ય અન્નકૂટ દર્શન, તારીખ 31-12-2024ના રોજ હનુમાન જન્મોત્સવ, તારીખ 1-1-2025ના રોજ દાદાનો ભવ્ય ફલફુટ ઉત્સવ, તારીખ 03-1-2025ના રોજ કથા પુર્ણાહુતી.૨૦૨૫ નિરાધાર ગંગા સ્વરૂપ બહેનોને વિનામુલ્યે અનાજ કરીયાણાની” કિટ વિતરણ.
દાદાના ભવ્ય ધૂન-કીર્તન-ભજન
શ્રી હનુમાન ચાલીસા યુવા કથા અંતર્ગત ધૂન કીર્તનનું 27મી ડીસેમ્બરના રોજ રાતે 8.30 વાગ્યે આયોજન કરાયું છે. શ્રી મારુતિ ધૂન મંડળ યુવા ગ્રુપ – સુરત દ્વારા કથાની પૂર્વસંધ્યાએ સંગીતની સુરવાલી દ્વારા દાદાના ભવ્ય ધૂન-કીર્તન-ભજનનું આયોજન થશે જેમાં દાદાના ભક્તો સુરના તાલે ભક્તિના રંગે રંગાશે.
પોથીયાત્રાની ભવ્યતા
૨૮ ડીસેમ્બર શનિવારના રોજ બપોરે 3.00 કલાકે ભવ્ય પોથીયાત્રાનું આયોજન કરાયું છે. આ પોથીયાત્રા સિધેશ્વર ઇમ્પેક્ષ અર્જુન પાર્ક પુણા-સીમાડાથી નીકળી કથા સ્થળે જશે. આ પોથીયાત્રા અતિ ભવ્ય, દિવ્ય અને વિશાળ હશે જેમાં 1100 મહિલા ભક્તો રામચરિત માનસ ગ્રંથ પોતાના મસ્તક પણ ધારણ કરશે. સંતો મહંતો પોથીયાત્રા દરમિયાન દર્શનનો લાભ આપશે.તેમજ પુરુષો સાફો બાંધશે.ભારતીય સંસ્કૃતી નૃત્ય-નાટીકાની શોભાવૃધ્ધીથી નાચી ઉઠશે. આ ઉપરાંત પોથીયાત્રામાં ઘોડા બગીમાં સંતો સુરતના ભક્તોને દર્શન આપશે. પોથીયાત્રામાં ડીજે, બેન્ડબાજા, નાસિક ઢોલ, આફ્રિકન સીદી ધમાલ, સંગીત સાથે જમવાટ કરશે, હાથી ઉટગાડી, બળદગાડી, ખુલ્લી થાર જીપ, બુલેટ સમૂહ પોથીયાત્રાની શોભા વધારશે. આ ઉપરાંત ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા દેવી-દેવતા તેમજ હનુમાનજી વાનર સેનાની વેશભૂષા ધારણ કરીને ભક્તો પોથીયાત્રામાં ચાર ચાંદ લગાવશે.
શ્રી હનુમાન જન્મોત્સવની ભવ્યતા
31 ડીસેમ્બર એ મંગળવારે રાત્રે 10.00 વાગે શ્રીહનુમાન જન્મોત્સવ ઉજવણી કરવામાં આવશે. જેમાં 151 કિલોની કેક દાદાને ધરાવવામાં આવશે. સમગ્ર સભામંડપ ફુલો, રંગોળી અને વિવિધ ભાતચીત્રોથી સજાવાશે. 2000 કિલો ચોકલેટ અને કેડબરી દાદાને ધરાવવામાં આવશે. તેમજ 108 કિલો પુષ્પ વર્ષાથી દાદા અને સંતો ભક્તોને વધાવવામાં આવશે.અનેક પ્રકારના હનુમાનજી અને વાનર સેનાના દર્શન થશે.સભા મંડપ ફટાકડા-આતશબાજીથી દાદાના જન્મોત્સવમાં ડી.જેના તાલે લાખો યુવાનો ભકતીમય રીતે 31 ડીસેમ્બરે નવા વર્ષની ઉજવણી કરશે.
વિશેષ ફલફુટ ઉત્સવ ઉજવાશે
૦૧ જાન્યુઆરી બુધવારે સાંજે 8 કલાકેના રોજ ‘દાદાનો ભવ્ય ફલફુટ ઉત્સવ’ ઉજવાશે. જેમાં વિવિધ પ્રકારના 11000 કિલોથી વધુ દેશી તેમજ વિદેશી ફળોથી ભવ્ય ફલફૂટ દાદાને ધરાવવામાં આવશે.દરેક ભાવિક ભકતો પોતાની શ્રધ્ધાભાવથી દાદાને ધરવા માટે ફળો ઘરેથી લાવશે જે સુંદર ભાતકૃતીથી સજજ થશે.ફલફૂટની તારીખે સાંજે ૪.૦૦ વાગ્યા સુધીમાં ફૂટ કથાસ્થળે લઈને આવશે જે વિશેષ રીતે ગોઠવણી કરીને દાદાને ધરાવવામાં આવશે.
શહેરના અનેક અગ્રણીઓ તેમજ સાધુ સંતો ઉપસ્થિત રહેશે
સુરતમાં અતિ ભવ્ય અને પાવન કથાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ પાવન કથાનો લાભ લેવા શહેરની તમામ જનતાને તો ભાવભર્યું આમંત્રણ પાઠવામાં આવ્યું છે. આ સાથે જ શહેરના તમામ IAS, IPS, રાજકીય અગ્રણીઓ, વેપારીઓ તેમજ શહેરના મોટા ઉઘોગપતિઓને પણ આમંત્રણ પાઠવામાં આવ્યું છે. આ ઉપરાંત શહેરના તમામ પ્રેરણાદાયી સાધુ સંતોને પણ આ કથામાં આમંત્રણ અપાયું છે. તમામ સાધુ સંતો પણ આ કથામાં ભક્તોને દર્શન આપશે.
કથામાં અસંખ્ય નિરાધાર ગંગાસ્વરૂપ બહેનો અનાજ કરીયાણાની કીટ વિતરણ
આયોજકોના જણાવ્યા અનુસાર આ કથા અંતર્ગત દરરોજ યજમાનના હસ્તે 2025 નિરાધાર ગંગાસ્વરૂપ બહેનોને અનાજ કરીયાણાની કીટ વિતરણ થશે.આ ઉપરાંત આયોજકો દ્બારા શહેરના યુવાનો અને ધર્મપ્રેમી જનતાને કથાનું રસપાન કરવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
કથા સ્થળ વિશાળ આબેહૂબ સાળંગપુર કષ્ટભંજન દેવના મંદિર ની પ્રતિકૃતિ
સુરતના આંગણે ભવ્યાતિભવ્ય શ્રીહનુમાન ચાલીસા યુવા કથાનું આયોજન થતું હોય ત્યારે આયોજકો દ્વારા કોઈ કચાસ બાકી રાખવામાં આવી નથી. લોકો સાળંગપુર ધામમાં બેસીને કથા સાંભળી રહ્યા હોય તેવો અનુભવ થાય તે માટેનું આયોજન હાથ ધરાઈ રહ્યું છે. આ સાથે સૌપ્રથમ વખત સુરતના આંગણે મિનિ સાળંગપુર ધામના પણ દર્શન થશે.આ કથા ગ્રાઉન્ડમાં વિશાળ આબેહૂબ સાળંગપુર કષ્ટભંજન દેવના મંદિર ની પ્રતિકૃતિ બનાવવામાં આવી રહી છે અને આ મંદિરમાં કષ્ટભંજન દેવ સાળંગપુરમાં બિરાજમાન છે, તેવી જ મૂર્તિ બિરાજમાન થનાર છે.
આયોજક મંડળના સભ્ય બિપિન તળાવિયા સાથે ખાસ વાતચીતમાં તેઓએ જણાવ્યું કે, હનુમાન ચાલીસા કથામાં શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (Swami Hariprakash) આવશે અને સુરતના ભક્તોને કથાનું રસપાન કરાવશે.કથામાં આવનાર સૌ ભક્તજનોનું સ્વાગત કરવામાં આવશે અને તેઓ મંદિર દર્શન કરીને કથામાં પોતાનું સ્થાન ગ્રહણ કરશે. પાર્કિંગ વ્યવસ્થા પણ એવી ગોઠવવામાં આવી છે કે કોઈપણ ભક્તને વધુ ચાલવું ના પડે અને પાર્કિંગ કરીને સીધા કથામાં પ્રવેશ કરી શકે. 40 વીઘા જગ્યામાં બારસો મીટર બાય 500 મીટર ની બેઠક વ્યવસ્થામાં કથાનું વિશાળ 140 બાય 40 ft નું સ્ટેજ હશે સાથે સાથે એક લાખથી વધુ ભક્તજનો બેસી શકે તેના માટે ખુરશીની વ્યવસ્થા કરવામાં આવશે. આટલું જ નહીં સુરક્ષાને ધ્યાનમાં રાખીને અહીંયા ગૃહ વિભાગ તરફથી ટેમ્પરરી પોલીસ ચોકીની પણ વ્યવસ્થા કરવામાં આવનાર છે.
આ કથા નો મુખ્ય હેતુ યુવાનોને ખોટા રસ્તે જતા અટકાવવા આટલું જ નહીં નિરાધાર ગંગાસ્વરૂપ એટલે કે વિધવા બહેનો હોય તેમને 15,000 થી વધુ ની કિંમતની અનાજ કરિયાણાની કીટ દર વર્ષે આપવામાં આવે છે. તેના રજીસ્ટ્રેશન પણ થશે. હાલમાં આ રજીસ્ટ્રેશન કથા સ્થળ પર છેલ્લા ઘણા દિવસોથી શરૂ થઈ ગયું છે અને અનેક ગંગાસ્વરૂપ બહેનો ટ્રસ્ટ નહીં સેવાનો લાભ લેવા રજીસ્ટ્રેશન કરાવી ચૂક્યા છે.
ગંગા સ્વરૂપ બહેનોને અપાતી અનાજ-કરીયાણાની કિટમાં આટલી વસ્તુ હશે.
- 3 કટ્ટા ઘઉં
- 2 તેલના ડબ્બા
- 10 કિલો ખાંડ
- 2 કિલો ચા
- 15 કિલો ચોખા કોલમ
- 5 કિલો તુવેર દાળ
- 10 કિલો બાજરી
- 2 કિલો ગોળ
- 5 કિલો ખીચડીયા ચોખા
- 1 કિલો મગ દાળ
- 1 કિલો મગ
- 1 કિલો ચોળી
- 1 કિલો કાબુલી ચણા
- 1 કિલો દેશી ચણા
- 1 કિલો અડદની દાળ
- 500 ગ્રામ વટાણા
- 1 કિલો મઠ
- 3 બાંધા કપડાં ધોવાના સાબુ
- 10 પીસ લાવવાના સાબુ
- 3 થેલી કપડાં ધોવાનો પાવડર
- 2 કિલો ચણા દાળ
- 2 કિલો ચણાનો લોટ
- 2 થેલી મમરા
- 500 ગ્રામ મકાઈ
- 500 ગ્રામ પૌવા
- 300 ગ્રામ ભૂંગળી
- 1 કિલો લાલ મરચું
- 1 કિલો ધાણાજીરું
- 1 કિલો હળદર
- 3 કિલો મીઠું
- 100 ગ્રામ હિંગ
- 100 ગ્રામ મસાલો
- 500 ગ્રામ હેર ઓઇલ
- 250 ગ્રામ જીરૂ
- 500 ગ્રામ રાઈ
- 1 કિલો ચોખાના પીવા
- 2 બોક્સ માચીસ
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube