Surat Lok Sabha Election 2024: સુરતમાં ધાર્મિક માલવિયા અને અલ્પેશ કથીરિયા ભાજપ આવતીકાલે જોડાશે. બંને ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલની હાજરીમાં સુરત ખાતે ભાજપનો કેસરિયો ધારણ કરશે. મહત્ત્વનું છે કે, ધાર્મિક માલવિયા અને અલ્પેશ કથીરિયા બંને આવતી કાલે સાંજે 8 કલાકે વરાછા મિની બજાર ખાતે કાર્યકરો સાથે ભાજપમાં વિધિવત રીતે જોડાઈ રહ્યા છે.
આપમાંથી વિધાનસભાની ચૂંટણી હાર્યા બાદ અલ્પેશ અને ધાર્મિક બંને રાજકીય કાર્યક્રમોથી દૂર રહેવાનું પસંદ કરી રહ્યા હતા. ત્યારથી જ શંકા હતી કે આ બંને નેતાઓ કંઈક નવાજૂની કરશે. આમ આદમી પાર્ટી દ્વારા યોજાતા કાર્યક્રમમાં પણ તેઓ સતત ગેરહાજર રહેતા હતા. અંદરો અંદર આમ આદમી પાર્ટીના નેતાઓને પણ ગંધ આવી ગઈ હતી કે તેઓ પાર્ટી છોડશે. આખરે સ્થિતિ પણ એવી જ ઊભી થઈ. સતત આમ આદમી પાર્ટીના કાર્યક્રમથી દૂર રહેતા તેઓએ 18 એપ્રિલના રોજ એકાએક પાર્ટીના સભ્યપદ પરથી રાજીનામું આપી દીધું હતું.
આંદોલનના ઉદભવ સ્થાનેથી ભાજપમાં જોડાશે
માનગઢ ચોકમાં આવેલી સરદાર વલ્લભભાઈની પ્રતિમા પાસેથી આંદોલનની શરૂઆત થઈ હતી. આંદોલનનું કેન્દ્રબિંદુ માનગઢ ચોક રહ્યો હતો. ત્યારે હવે પાસ સાથે સંકળાયેલા આ યુવાનો ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સહિતના નેતાઓની હાજરીમાં ભાજપમાં જોડાવા જઈ રહ્યાં છે. વિધિવત રીતે બન્ને પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાશે. જો કે, ક્યા મુદ્દે આ બન્ને નેતાઓ ભાજપમાં જોડાવાના છે તે અંગે સ્પષ્ટતા કરી નથી. કઈ ફોર્મ્યુલાના આધારે તેઓ ભાજપમાં જોડાશે તે હજુ કશુ જાહેર થયું નથી.
ભાજપના ધારાસભ્યો અને મંત્રીઓ હાજર રહેશે
અલ્પેશ કથીરિયાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, હું પ્રસંગમાં છું, આવતીકાલે ભાજપમાં જોડાઈશ. આવતીકાલે વરાછા મિની બજાર ખાતે આવેલા સરદારની પ્રતિમાને હાર પહેરાવી અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા સાંજે 8:00 વાગે ભાજપમાં જોડાશે. આ કાર્યક્રમમાં ભાજપના ધારાસભ્યોથી લઈને મંત્રીઓ પણ હાજર રહેશે.
યુવાનોનું સમર્થન લેવાયું-ધાર્મિક
ધાર્મિક માલવિયાએ કહ્યું કે, હાલ લોકસભાની ચૂંટણી અગાઉ જ વડીલો તથા સમાજના યુવાનોની ઈચ્છા હતી. રાજકીય રીતે પણ આપણું પ્રતિનિધિત્વ જળવાઈ રહે તે જરૂરી છે. જેથી કરીને આપમાંથી રાજીનામા આપ્યા બાદ યુવાનો સાથે બેઠકો યોજી હતી. તેમના મંતવ્યો જાણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જેમાં તમામની એક જ ઈચ્છા હતી કે સતાપક્ષ સાથે રહીએ. જેથી આવતીકાલે ભાજપમાં વિધિવત રીતે જોડાવાનું નક્કી કર્યું છે.
આપમાંથી રાજીનામું આપતાંની સાથે જ અલ્પેશ અને ધાર્મિક માલવિયા બંને ભાજપમાં જોડાઈ જાય તેવી અટકળો શરૂ થઈ ગઈ હતી. દરમિયાન સરથાણા વિસ્તારમાં એક ફાર્મ હાઉસમાં પાટીદાર સમાજના આગેવાનો સાથે બેઠક પણ કરવામાં આવી હતી. ત્યાર બાદ ભાજપમાં જોડાવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આવતીકાલે અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા બંને બસો જેટલા પાટીદાર સમાજના આગેવાનો સાથે ભાજપમાં જોડાશે.
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે સુરતમાં બનેલી ઘટનામાં આખા ઓપરેશનમાં હાર્દિક પટેલનો હાથ હોવાની ચર્ચા ચાલી રહી છે. પાટીદાર આંદોલન સમયે આ બન્ને હાર્દિક પટેલના સાથી હતા અને તેમને દક્ષિણ ગુજરાતની જવાબદારી આપવામાં આવી હતી. આ ઉપરાંત અલ્પેશ કથીરિયા પર પણ પાટીદાર આંદોલન સમયથી કેસ ચાલી રહ્યા છે. હવે બન્ને ભાજપ માટે કામ કરશે.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube