મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિનો તાગ મેળવવા ઉચ્ચ સ્તરીય બેઠક ગાંધીનગરમાં યોજી હતી.મુખ્યમંત્રીશ્રી સોમવારે બપોરે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા હતા અને વરસાદગ્રસ્ત જિલ્લાઓના કલેકટરો મ્યુનિસિપલ કમિશ્નરો તથા જિલ્લા અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજીને તલસ્પર્શી વિગતો મેળવી હતી.તેમણે ખાસ કરીને નીચાણવાળા વિસ્તારના લોકોના સલામત સ્થળાંતર માટે તાકીદ કરી હતી, મુખ્ય મંત્રી શ્રીએ જિલ્લા કલેક્ટરશ્રીઓ અને મ્યુન્સિપલ કમશનરશ્રીઓને સ્પષ્ટપણે જણાવ્યું કે આપણી પહેલી પ્રાયોરિટી મનુષ્ય જીવન અને પશુધનની જાનહાની ના થાય તે હોવી જોઈએ.
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નદી નાળા કે માર્ગો પર જ્યારે વરસાદી પાણી પુષ્કળ માત્રામાં અને ભયજનક રીતે વહેતું હોય ત્યારે કોઈ પણ વ્યક્તિ તે ક્રોસ ના કરે કે તેમાં ના જાય તે માટેની ખાસ તકેદારી અને જરૂર જણાય તો પોલીસની મદદથી કડકાઈ વર્તીને પણ લોકોને અટકાવવા જરૂરી છે તેમ કલેક્ટરશ્રીઓને આ અંગેની સૂચનાઓ આપતા જણાવ્યું હતું.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિનો તાગ મેળવવા ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી તથા વરસાદગ્રસ્ત જિલ્લાઓના કલેકટરશ્રીઓ, મ્યુનિસિપલ કમિશ્નરશ્રીઓ તથા જિલ્લા અધિકારીઓ પાસેથી વીડિયો કોન્ફરન્સના… pic.twitter.com/t5jI3UIgjV
— CMO Gujarat (@CMOGuj) August 26, 2024
પાણીમાં ફસાયેલા લોકોના રેસ્ક્યુ કરવા ની બાબત પણ અગ્રતા આપવા સૂચના આપી હતી.આ હેતુસર NDRF, SDRF, સ્થાનિક પોલીસની મદદથી લોકોનું રેસ્ક્યુ કરવા સાથે સ્થળાંતર કામગીરીની વિગતો પણ તેમણે મેળવી હતી.
ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સ્થિતિને પહોંચી વળવા કેવી છે સરકારની તૈયારીઓ?
- રાજ્યમાં અત્યાર સુધીમાં ૧૭,૮૨૭ લોકોનું સ્થળાંતર તેમજ ૧,૬૫૩ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવેલું છે.
- અસરગ્રસ્ત જિલ્લાઓમાં NDRFની ૧૩ અને SDRFની ૨૨ ટીમ તૈનાત કરવામાં આવી છે, જે બચાવ રાહત કામગીરીમાં મદદરૂપ થઈ રહી છે.
- રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં થયેલા ભારે અને વ્યાપક વરસાદ અંગેની વિગતો પણ શ્રી ભુપેન્દ્ર પટેલે મેળવી હતી.
- તદ અનુસાર સમગ્ર રાજ્યમાં ૩૩ જિલ્લાના ૨૪૪ તાલુકામાં વરસાદ વરસ્યો છે. સરેરાશ ૬૩.૩૬ મી..મી વરસાદ આ સમયગાળામાં પડ્યો છે.
- આ ૨૪ કલાકમાં સૌથી વધુ વરસાદ નવસારી જિલ્લાના ખેરગામમાં ૩૫૬ મીમી નોંધાયો છે.
- સોમવારે, ૨૬ ઓગસ્ટના સવારે ૬ થી ૧૨ વાગ્યા સુધીમાં પંચમહાલના મોરવા હડફમાં સૌથી વધુ ૧૫૭ મિ.મી. વરસાદ વરસ્યો છે.
- સમગ્ર ગુજરાતમાં આ વર્ષે મોસમ નો એવરેજ ૯૧.૮૮ ટકા વરસાદ થયો છે.
- મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યમાં થયેલા આ વરસાદને પરિણામે નદીઓ જળાશયોમાં આવેલા પાણીની સ્થિતિની પણ વિગતો મેળવી હતી.
- તદ અનુસાર રાજ્યના ૨૦૬ જળાશયોમાંથી ૧૦૦% ભરાઈ ગયા હોય તેવા ૫૯ જળાશયો છે. ૭૨ જળાશયો હાઈ એલર્ટ પર અને ૨૨ એલર્ટ પર રાખવામાં આવ્યા છે, તથા ૯ માટે છલકાઈ જવાની વોર્નિંગ અપાઇ છે અને ૭ નદીઓ ઓવરફ્લો થઈ છે.
- સરદાર સરોવર ડેમમાં કુલ સંગ્રહ ક્ષમતાના ૮૮.૭૪% એટલે કે ૨,૯૬,૪૫૯ MCFT પાણીનો જથ્થો છે.
- મુખ્યમંત્રીશ્રીએ વરસાદને કારણે વીજ પુરવઠાને, માર્ગોને કે આવશ્યક ચીજ વસ્તુઓના પુરવઠાને પડેલી અસર પણ યુદ્ધના ધોરણે કામગીરી કરી સ્થિતિ પૂર્વવત કરવા સંબંધિત તંત્રવાહકોને અને વરિષ્ઠ અધિકારીઓને સૂચનાઓ આપી છે.
- સમગ્ર રાજ્યમાં ૭૦૦૯ ગામોના વીજ પુરવઠાને અસર પહોંચી હતી તેમાંથી ૬૯૭૭ ગામોમાં સ્થિતી પૂર્વવત થઈ છે અને વીજ પુરવઠો શરૂ થઈ ગયો છે.
- એટલું જ નહીં ૬૦૯૦ વીજ પોલને થયેલા નુકસાનમાંથી ૫૯૬૧ રીપેર કરી દેવાયા છે.
- મુખ્યમંત્રીશ્રીએ વરસાદ અટકે એટલે તુંરત જ રોગચાળા નિવારણના આગોતરા પગલાં લેવા માટે જંતુનાશક દવાનો છટકાવ, માટી, કાંપ દૂર કરી સફાઈ કામગીરી ત્વરાએ હાથ ધરવા તથા રસ્તા પરની આડશો દૂર કરી માર્ગો પુનઃ વાહન વ્યવહાર યોગ્ય બનાવવા પણ સૂચનાઓ આપી હતી.
- રાજ્યમાં હાલ સુરત નવસારી વલસાડ તાપી ડાંગ અને છોટાઉદેપુર જિલ્લાઓમાં મળીને સમગ્ર તયા ૫૨૩ માર્ગો બંધ છે.
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે હવામાન વિભાગે આગામી સમયમાં રાજ્યમાં ભારે વરસાદની કરેલી આગાહી સંદર્ભે પણ વિગતો મેળવી હતી.હવામાન વિભાગના અધિકારીઓએ આગામી બે ત્રણ દિવસ સુધી રાજ્યમાં વ્યાપક અને ભારે વરસાદની આગાહી કરી છે અને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તેની વિગતો આપી હતી.તદનુસાર મુખ્યમંત્રીશ્રીએ કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તાર માં ભારે વરસાદની સંભાવનાઓને પગલે આ જિલ્લાઓના કલેકટરો ને એલર્ટ રહેવા સૂચના આપી હતી.
મુખ્યમંત્રીશ્રીએ ખાસ કરીને નવસારી , વલસાડ, ડાંગ, પંચમહાલ તથા વડોદરા અને છોટા ઉદેપુર સહિતના વધુ અસર ગ્રસ્ત જિલ્લાઓના કલેકટરો સાથે તેમજ વડોદરા મ્યુનિસિપલ કમિશનર સાથે કોન્ફરન્સ દરમિયાન વાતચીત કરીને તેમના જિલ્લામાં નદીઓના પાણીનો આવરો, ટ્રાફિક નિયમન તેમજ નીચાણ વાળા વિસ્તારોના લોકો ના કરવામાં આવેલા સ્થળાંતર ની ઝીણવટ પૂર્વકની સમીક્ષા કરી હતી.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ભારે વરસાદની સ્થિતિમાં સ્થાનિક જિલ્લા તંત્રનું માર્ગદર્શન કરવા સંબંધિત જિલ્લાના પ્રભારી સચિવોને તત્કાલ તેમને સોંપાયેલા જિલ્લાના મુખ્ય મથકોએ પહોંચી જવા સુચનાઓ આપી હતી.તેમણે સમગ્ર રાજ્યના જિલ્લા કલેકટરો અને વહીવટી તંત્રોને સંપૂર્ણ સજ્જતા સાથે ઝીરો કેઝ્યુઆલીટી અભિગમ અપનાવી સતર્ક રહેવા માર્ગદર્શન આપ્યું હતું.મુખ્ય સચિવ શ્રી રાજકુમાર સહિત રાજ્ય સરકારના વિભાગોના વરિષ્ઠ સચિવો NDRF હવામાન વિભાગના અધિકારીઓ આ બેઠકમાં જોડાયા હતા.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube