Rajya Sabha Election 2024 Gujarat Candidate : ગુજરાત રાજ્યની રાજ્યસભાની ચાર બેઠકો માટે ગુરુવારે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. એ પહેલા આજે ભાજપે ચાર ઉમેદવારના નામની જાહેરાત કરી હતી, જેમાં જે.પી.નડ્ડા (JP Nadda), મયંક નાયક (Mayank Nayak), ગોવિંદ ધોળકિયા (Govind Dholakia) અને ડૉ. જશવંતસિંહ પરમાર (Dr. Jaswant Singh Parmar) સામેલ છે.
રાજ્યસભાની બેઠકમાં છેલ્લા અઢી દાયકાથી ભાજપનું રાષ્ટ્રીય નેતૃત્વ એક બેઠક રાજ્ય બહારના નેતાને આપે છે. આ પહેલા કેન્દ્રીય વિદેશ મંત્રી એસ. જયશંકર પણ ગુજરાતના રસ્તે રાજ્ય સભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરે છે. હવે તેમાં વધુ એક બિન ગુજરાતી તરીકે ભાજપ અધ્યક્ષ જે. પી. નડ્ડાનું નામ ઉમેરાશે.
કેન્દ્રીય ચૂંટણી સમિતિ દ્વારા ગુજરાતમાં આગામી રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા.
તમામ ઉમેદવારોને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામના pic.twitter.com/47IhFZBqxY
— BJP Gujarat (@BJP4Gujarat) February 14, 2024
આખરે ભાજપ દ્વારા ગુજરાતના રાજ્યસભાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભાજપ દ્વારા ગુજરાતના 4 ઉમેદવારોના નામની જાહેરાત કરાઇ છે. સંખ્યાબળના અભાવે કોંગ્રેસે ફોર્મ નહીં ભરવાની જાહેરાત કરી છે. રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાની શરૂઆત 8 ફેબ્રુઆરી 2024થી એટલે કે આજથી થશે અને 15 ફેબ્રુઆરી 2024 સુધી ઉમેદવારી નોંધાવી શકાશે. ત્યારે 16 ફેબ્રુઆરીએ ફોર્મ વેરિફાઈ કરવામાં આવશે. ત્યારબાદ 20 ફેબ્રુઆરી સુધી ઉમેદવાર પોતાનું ફોર્મ પરત ખેંચી શકશે. તે પછી 27 ફેબ્રુઆરીએ મતદાન પ્રક્રિયા સવારે 9 વાગ્યાથી શરૂ થઈને સાંજે 4 વાગ્યા સુધી ચાલશે. ત્યારબાદ સાંજે 5 વાગ્યે મત ગણતરી કરવામાં આવશે.
રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડા ગુજરાતથી રાજ્યસભામાં જશે. બીજી તરફ લેઉવા પટેલ સમાજના લીડર અને સુરતના ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયા પણ રાજ્યસભાના સાંસદ બનશે. બક્ષી મોરચાના પ્રમુખ અને ઉત્તર ગુજરાત ના અગ્રણી મયંક નાયક ને પણ રાજ્યસભાની લોટરી લાગી છે. જ્યારે મધ્ય ગુજરાત ભાજપના અગ્રણી જશવંતસિંહ પરમાર પણ રાજ્યસભામાં જશે. ઉલ્લેખનીય છેકે, સુરતના ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાએ અયોધ્યામાં બનેલાં રામ મંદિર માટે 11 કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું.
દેશના 15 રાજ્યની 56 રાજ્યસભા બેઠક પર ચૂંટણી
નોંધનીય છે કે ચૂંટણી પંચે દેશના 15 રાજ્યોની 56 રાજ્યસભા બેઠકોની ચૂંટણી જાહેરાત કરી હતી. પંચના જણાવ્યા મુજબ રાજ્યસભાની ચૂંટણી માટે આઠમી ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી સુધીમાં ઉમેદવારીપત્ર દાખલ કરાશે અને 20 ફેબ્રુઆરી સુધી ઉમેદવાર પોતાનું ઉમેદવારીપત્ર પરત ખેંચી શકે છે, જ્યારે 27 ફેબ્રુઆરીએ મતદાન અને મતગણતરી બંને હાથ ધરાશે. રાજ્યસભાના 50 સભ્યોનો કાર્યકાળ બે એપ્રિલે જ્યારે 6 સભ્યોનો કાર્યકાળ ત્રણ એપ્રિલે સમાપ્ત થતો હોવાથી ચૂંટણી પંચે ચૂંટણીની તારીખો જાહેર કરી હતી.
રાજ્યસભાની ચૂંટણી જે રાજ્યોમાં યોજાવાની છે, જેમાં ગુજરાત (Gujarat) સહિત આંધ્ર પ્રદેશ (Andhra Pradesh) બિહાર (Bihar), છત્તીસગઢ (Chhattisgarh), હરિયાણા (Haryana), હિમાચલ પ્રદેશ (Himachal Pradesh), કર્ણાટક (Karnataka), મધ્ય પ્રદેશ (Madhya Pradesh), મહારાષ્ટ્ર (Maharashtra), તેલંગણા (Telangana), ઉત્તર પ્રદેશ (Uttar Pradesh), ઉત્તરાખંડ (Uttarakhand), પશ્ચિમ બંગાળ (West Bengal), ઓડિશા (Odisha), રાજસ્થાન (Rajasthan)નો સમાવેશ થાય છે.
કોણ છે ગોવિંદ ધોળકિયા ?
ગોવિંદ ધોળકિયા અગ્રણી પાટીદાર ઉદ્યોગપતિ તરીકે ઓળખાય છે. તેઓ સુરતના પ્રખ્યાત હીરા વેપારી છે. તેઓ મૂળ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના વતની છે. તેમણે સૌરાષ્ટ્રમાં જળસંચય માટે નોંધપાત્ર કાર્ય કર્યું છે. ધોળકિયા નરેન્દ્ર મોદીની નજીકના મનાય છે.
કોણ છે જશવંતસિંહ પરમાર ?
જશવંતસિંહ પરમાર ગોધરા શહેરના જાણીતા ડોક્ટર છે તેમજ પંચમહાલના બક્ષી પંચ મોરચાના કારોબારી સભ્ય છે. તેઓ બારીયા બક્ષી પંચ સમાજમાંથી આવે છે. ગોધરામાં 60 હજારથી વધુ બારીયા બક્ષી પંચ સમાજના મતદારો છે.
કોણ છે મયંક નાયક ?
મયંક નાયક તેઓ મહેસાણા ભાજપનો અગ્રણી ચહેરો છે તેમજ ભાજપ OBC સેલના અધ્યક્ષ છે. તેઓ મારી માટી મારો દેશ અભિયાનના ઈન્ચાર્જ રહી ચુકેલા છે. તેમણે મંડળ સ્તરથી પ્રદેશ સ્તર સુધીની જવાબદારી નિભાવેલી છે.
કોણ છે જે પી નડ્ડા ?
જેપી નડ્ડા મૂળ હિમાચલ પ્રદેશના છે. વિદ્યાર્થીકાળ દરમિયાન જે પી નડ્ડા રાજકારણમાં આવ્યા હતા. તેમણે જય પ્રકાશ નારાયણના વિવિધ આંદોલનોમાં સક્રિયપણે ભાગ લીધો હતો. વર્ષ 1993માં તેઓ હિમાચલ પ્રદેશની બિલાસપુર સદર વિધાનસભા બેઠક પરથી પ્રથમ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા અને વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે પણ ચૂંટાયા હતા. 1998માં તેઓ ફરી એકવાર ધારાસભ્ય બન્યા હતા.
વર્ષ 2010માં તેમને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ બનાવવામાં આવ્યા હતા. 2012માં જેપી નડ્ડા રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાયા હતા. 2014માં જ્યારે દેશમાં ભાજપની સરકાર બની ત્યારે જેપી નડ્ડાને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી હતી. 2019 માં, તેઓ ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા અને 2020 માં, તેઓ રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube