ગુજરાતની રાજનીતિને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં યોજાનારી વિધાનસભા પેટાચૂંટણી માટે પોતાના ઉમેદવારની જાહેરાત કરી છે. આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. ગોપાલ ઇટાલિયા ગુજરાતમાં આમ આદમી પાર્ટીના કન્વીનર રહી ચૂક્યા છે. હાલમાં તેઓ પાર્ટીના સંયુક્ત મહામંત્રી છે.
આમ આદમી પાર્ટીએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર માહિતી આપી છે. એવું કહેવામાં આવ્યું છે કે , આજે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ (સંગઠન) ડૉ. સંદીપ પાઠકે ગોપાલ ઇટાલિયાને વિસાવદર (વિધાનસભા મતવિસ્તાર ક્રમાંક 87) માટે ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા. આ જાહેરાત AAP દ્વારા 23 માર્ચ, 2025ના રોજ કરવામાં આવી હતી. પક્ષના નેતાઓ માને છે કે ગોપાલ ઇટાલિયાની ઉમેદવારી વિસાવદરમાં AAP માટે વિજયી સાબિત થશે. AAPએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે વિસાવદરની જનતા ભાજપને જવાબ આપશે અને ફરી એકવાર વિસાવદરમાં AAPનું ઝાડું ચાલશે.
વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે શ્રી @Gopal_Italia ની જાહેરાત થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ. pic.twitter.com/TO9sxGW8Ev
— AAP Gujarat (@AAPGujarat) March 23, 2025
AAPના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠીયાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, AAPએ નેશનલ જોઈન્ટ સેક્રેટરી ગોપાલ ઇટાલિયા ઉપર પસંદગી ઉતારી છે. વ્યવસાયે એડવોકેટ એવા ગોપાલ ઇટાલિયા ખેડૂતોના હિત માટે અને ગુજરાતની કથળેલી કાયદો વ્યવસ્થાની સ્થિતિ સુધારવા માટે ઘણા વર્ષોથી સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. ગરીબ અને મધ્યમ વર્ગના લોકોમાં પણ તેઓ ખૂબ લોકપ્રિય છે. ખેડૂતોને તેમના હક્કો અપાવવામાં ગોપાલ ઇટાલિયાએ મહત્વની ભૂમિકા ભજવી છે.
મનોજ સોરઠીયાએ વધુમાં જણાવ્યું હતું કે, ગોપાલ ઇટાલિયાના ગુજરાત વિધાનસભામાં આવવાથી શાસકોના પેટમાં ફાળ પડશે. ખેડૂતો અને ગરીબ તેમજ મધ્યમ વર્ગનો અવાજ હવે વિધાનસભામાં ગુંજશે. AAPને વિશ્વાસ છે કે ગોપાલ ઇટાલિયા રેકોર્ડ બ્રેક બહુમતીથી વિજેતા બનશે.
વિસાવદર બેઠક પર યોજાઇ શકે છે પેટા ચૂંટણી
લાંબા સમયથી ખાલી પડેલી વિસાવદર વિધાનસભા બેઠક પર ચૂંટણીનો માર્ગ મોકળો થયો છે. પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ હાઇકોર્ટમાં કરેલી અરજી પાછી ખેંચી હતી.વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ભુપત ભાયાણીની જીતને પડકારતી અરજી કરવામાં આવી હતી. બાદમાં ભુપત ભાયાણીએ રાજીનામું આપતા આ બેઠક ખાલી પડી હતી. ખાલી પડેલી બેઠક બાદ પણ હાઇકોર્ટમાં અરજી પેન્ડિંગ હોવાને કારણે ચૂંટણી યોજાઇ નહતી.
શું હતો વિવાદ?
વર્ષ 2022માં ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં વિસાવદરની બેઠક પર આમ આદમી પાર્ટીના ભુપત ભાયાણીનો વિજય થયા બાદ આ બેઠક પર ઊભા રહેલા ભાજપના ઉમેદવાર હર્ષદ રીબડીયાએ AAPના ધારાસભ્ય પર ચૂંટણીમાં ગેરરિતી કરી હોવાના આક્ષેપ કર્યા હતા અને હાઇકોર્ટમાં ઇલેક્શન પિટિશન ફાઇલ કરી હતી. હવે હાઇકોર્ટમાં અરજી કરનાર હર્ષદ રીબડીયાએ અરજી પરત ખેંચતા મામલો થાળે પડ્યો છે.
2022માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભુપત ભાયાણીએ ભાજપના હર્ષદ રિબડિયાને 7 હજાર 63 મતે હરાવ્યા હતા.તે બાદ ભુપત ભાયાણી AAPમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા.
Advertisement
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube