સુરત, 29 જુલાઈ 2024 : ગત 28 જુલાઈની રાત્રે સુરતમાં વિઠ્ઠલભાઈ રાદડિયાની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલા રક્તદાન કેમ્પમાં હાજરી આપી હતી. આ દરમિયાન જયેશ રાદડિયાએ ફરીવાર ‘ટાર્ગેટ’ પર તીર છોડ્યાં છે.ભાજપના ધારાસભ્ય અને પાટિદાર આગેવાન જયેશ રાદડિયાએ સમાજમાં રાજકિય અને મજબૂત આગેવાનીને લઈને હુંકાર કરી હતી. જેમાં સમાજના અમુક લોકોના પગ ખેંચવાની જગ્યાએ સમાજને મજબૂત બનાવવાના પ્રયત્ન કરવા જણાવ્યું હતું.. તે પોતે તો તૂટી જશે અને સમાજને પણ તોડી નાખશે. તાકાતવાળો હોય તેને આગળ કરજો. કોઈ પાડી દેવાનાં કાવતરાં કરતા હશે તો તે સફળ થશે નહીં.
‘એન્ટ્રી સમયે પ્રેમ બતાવ્યો એ સુરતના આંગણે જ પ્રેમ મળી શકે છે’
સુરતમાં યોજાયેલા રક્તદાન કેમ્પમાં હાજરી આપવા આવેલા જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે સુરતના આંગણે મારા પિતાશ્રીની પાંચમી પુણ્યતિથિ અને એ નિમિત્તે જામકંડોરણા-જેતપુર પરિવાર તથા રાદડિયા પરિવાર અને અલગ અલગ સંસ્થાઓ દ્વારા મહારક્તદાન કેમ્પનું જે ભવ્ય આયોજન કરાયું છે. 28, 29 અને 30 એમ ત્રણ દિવસ દરમિયાન સમગ્ર રાજ્યમાં આવાં સેવાકીય કાર્યો ચાલી રહ્યાં છે. અંદાજે 11000થી વધુ બોટલ રક્ત એકઠું થાય એ પ્રમાણે આયોજન ચાલી રહ્યું છે. વિઠ્ઠલભાઈ પ્રત્યે જે લાગણી હતી એ અને અત્યારે 5 વર્ષ થયાં છતાં આ સંબંધમાં ઉત્તરોત્તર વધારો થયો છે. એ પ્રમાણેનો માહોલ છે, એ બતાવે છે કે એ સંબંધમાં આપણે દિવસે ને દિવસે વધારો કરી શક્યા. જે પ્રમાણે મારી એન્ટ્રી સમયે તમે પ્રેમ બતાવ્યો એ સુરતના આંગણે જ પ્રેમ મળી શકે છે, કામ કરવાની એ શક્તિ દિવસે ને દિવસે એ અમારામાં કામ કરવાનું બળ પૂરું પાડે છે.
માયકાંગલા હોય એની સમાજમાં જરૂર નથી
રાદડિયાએ કહ્યું હતું કે, ‘રાજનીતિનો માણસ સમાજમાં ન ચાલે અને સમાજનું કામ કરતી હોય એ વ્યક્તિ રાજકારણમાં ન જાય. વિઠ્ઠલભાઈના આ વારસામાં સામાજિક, રાજકીય કે સહકારી ક્ષેત્ર હોય તો એ કામમાં આપણે વધારો કરી શક્યા છીએ. રાજકીય માણસનું કામ માત્ર રાજનીતિનું હોય, પરંતુ રાજનીતિથી પર ઊઠીને આજે ઉલ્લેખ થયો સમાજની વાતનો. બે દિવસ પહેલાં જામનગરમાં કહ્યું હતું કે એનો જવાબ હું સમય આવ્યે આપીશ. કોણે ક્યાં શું કર્યું? ક્યાં કેટલી ખાનદાની હોય, ક્યાં કેટલી વફાદારી હોય, એ ટૂંક સમયમાં સમય આવ્યે મારી બતાવવાની તૈયારી છે. આ વાત કરવામાં અભિમાન ન હોય, અભિમાન કરતો પણ નથી, કારણ કે એ જ સમાજ અને એ જ લોકો ટોચ પર બેસાડી શકે અને નીચે બેસાડી દેવામાં વાર પણ લાગે નહીં. આમ છતાં પણ ક્યાંક અમુક લોકોને શું પેટમાં દુઃખે છે? કોઈને આમાં મજા આવે છે.’
‘પગ ખેંચવાનું સમાજના અમુક કહેવાતા લોકો બંધ કરી દે’
‘મેં કહ્યું હતું ને કે સમાજનો મજબૂત આગેવાન હોય તેને સ્વીકારજો, માયકાંગલાની સમાજને જરૂર નથી. એ પોતે તો તૂટી જશે અને સમાજને પણ તોડી નાખશે. તાકાતવાળો હોય તેને આગળ કરજો. રાજકીય રીતે મજબૂત આગેવાન મળે ત્યારે જયેશ રાદડિયાની નીચે બેસવાની તૈયારી છે. આજે આવડા મોટા સમાજમાં દુઃખ સાથે કહેવું પડે કે અનેક એવા લોકોને જરૂર પડે છે, પણ તેનો હાથ ના ખેંચી શકો તો કંઈ નહીં, પણ તેના પગ ખેંચવાનું સમાજના અમુક કહેવાતા લોકો બંધ કરી દે.’
સમય આવ્યે જવાબ આપવાની અમારી તૈયારી
રાદડિયાએ કહ્યું કે, ‘સમાજનો કોઈ ભાવ નહીં પૂછે એ દિવસો પણ હવે નજીકના ભવિષ્યમાં જોઈ રહ્યા છીએ. એ સમય આવશે અને સમય આવ્યે પણ મારી કહેવાની તૈયારી છે.આ એજ સમાજ છે જે રાજકિય રીતે ટોચ પર બેસાડવાની સાથે કેટલાકને નીચે પણ બેસાડી શકવાની તાકાત ધરાવે છે. આ બધા વચ્ચે સમાજ મજબૂત થાય એ માટે પ્રયત્ન કરવા જોઈએ. સમાજનો આગેવાન મજબૂત હોય તેનો સ્વીકાર કરવો જોઈએ.’
‘અમે ગુલામી કરી નથી અને કરવા માગતા નથી’ ‘રાજનીતિ, સહકારી ક્ષેત્ર કે સમાજમાં અમે હાથ અમારા ચોખ્ખા રાખ્યા છે અને પેટમાં પાપ નથી. અમે કોઈનું સારું ના કરી શકીએ તો કોઈને પાડી દેવાની અમારામાં ક્યારેય નીતિ આવી નથી. સારું ન કરી શકીએ તો અમે કહી દઈએ કે આ અમારાથી નથી થાય એમ, પણ મારાથી નથી થાય એમ તો કોઈ ન કરી જવો જોઇએ અને કોઈને ન કરવા દેવાની વૃત્તિ અમારામાં નથી, કારણ કે આ વિઠ્ઠલભાઈનું લોહી છે. કોઈને પાડી દેવાની વૃત્તિ ક્યારેય નહીં આવે, અમે ગુલામી કરી નથી અને કરવા માગતા નથી, અમે અમારી તાકાતથી આગળ ચાલીએ છીએ. મને સુરતની મારી ટીમ પર ભરોસો છે. મને મારી ટીમ પર ભરોસો છે અને કોઈ પાડી દેવાનાં કાવતરાં કરતા હશે તો તે સફળ થશે નહીં.’
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube