- નવસારીમાં સતત ધોધમાર વરસાદ, તમામ નદી-નાળાઓ છલકાયા
- પૂર્ણા નદીની જળસપાટી 22 ફૂટને પાર, રસ્તો બંધ થતાં લોકોને હાલાકી
- પાણી ભરાતા પરિવારો સ્થળાંતર કરવા માટે મજબૂર બન્યા
- એક રાતમાં 9 ઇંચ વરસાદ ખાબક્યો, રસ્તાઓ અને ઘરોમાં પાણી ભરાયા
સુરતઃ ગુજરાતમાં વરસાદના ત્રીજા રાઉન્ડ બાદ વિરામ લીધો હતો પરંતુ હવામાન વિભાગની આગાહીને પગલે દક્ષિણ ગુજરાતમાં ગુરુવારથી ફરી એકવારે ભારે વરસાદ વરસી રહ્યો છે. દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, ડાંગ, વલસાડ તાપી સહિતના ભાગોમાં રાત્રે ભારેથી અતિભારે વરસાદ નોંધાયો છે. નદીઓના જળસ્તરમાં વધારો થયો છે. આ સિવાય ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. નવસારી-સુરત કોસ્ટલ હાઈવે તથા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા ઘરોમાં પાણી ભરાઈ ગયા છે.
24 કલાક (27મી જુલાઈના સવારના 6 વાગ્યાથી 28મીના સવારના 6 વાગ્યા સુધી)માં રાજ્યના 139 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધારે વરસાદ દક્ષિણ ગુજરાતમાં નોંધાયો છે. સુરતના મહુવામાં 11.8 ઈંચ તોફાની વરસાદ થયો છે. મોડી રાત્રે પણ કેટલાક ભાગોમાં થયેલા ભારે વરસાદના કારણે સ્થિતિ કપરી બની છે. આ સિવાય દક્ષિણ ગુજરાતના અન્ય ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ નોંધાયો છે.
સુરતમાં ગ્રામ્ય વિસ્તારમાં આભ ફાટ્યું
ઉલ્લેખ ની છે કે સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આભ ફાટ્યું છે. મહુવા, બારડોલી અને પલસાણામાં ભારે વરસાદ પડ્યો છે. ભારે વરસાદને પગલે સુરત જિલ્લાની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. પાણી ભરાતા બારડોલી સુગર રેલવે અંડરપાસ બંધ કરવામાં આવ્યો છે.
24 કલાકમાં નવસારી તાલુકામાં 10.6 ઈંચ વરસાદ નોંધાયો છે. આ સિવાય ડાંગના સુબિરમાં 7.7 ઈંચ, સુરતના બારડોલીમાં 7.6 ઈંચ, નવસારીના જલાલપોરમાં 7.3 ઈંચ વરસાદ ખાબક્યો છે. વલસાડના કપરાડામાં 7.1 ઈંચ વરસાદ નોંધાયો છે.
પૂર્ણા નદી ભયનજક સપાટીની ઉપર વહી રહી છે જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં ભારે પાણી ભરાવાની ઘટના બની છે. પૂર્ણા નદીની ભયજનક સપાટી 23 ફૂટ છે અને હાલ તે પાણી તેની ઉપર વહી રહી છે. કલેક્ટર દ્વારા અગાઉથી નીચાણવાળા વિસ્તારમાં રહેતા ગ્રામજનોને સલામત સ્થળ પર ખસી જવાની સૂચના આપવામાં આવી છે.
MPના રાજ્યપાલ મંગુભાઈ પટેલના મકાનમાં પણ ઘૂસ્યા વરસાદી પાણી
નવસારી નવસારીમાં ભારે વરસાદના પગલે શહેરમાં પુરની સ્થિતિ છે. જેને લઈ શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. આ તરફ જુનાથાણા નજીક MPના રાજ્યપાલ મંગુભાઈ પટેલનું જુનુ મકાનને પણ આ વરસાદી પાણીની અસર થઈ છે. જુનાથાણા, દશેરા ટેકરી, આદર્શનગર સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે. આ તરફ પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે.
બારડોલીમાં 24 લોકોનું રેસ્ક્યુ
સુરતના બારડોલીમાં રાત્રી દરમિયાન પડેલા ધોધમાર વરસાદના કારણે બારડોલી ખાતે જલારામ મંદિર પાછળ 13 વ્યકિતઓને ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. તથા ડી.એમ. નગર અને એમ.એન.પાર્ક માંથી 11 વ્યકિઓને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે.
આહવા-સાપુતારા રોડ બંધ કરાયો
ડાંગ જિલ્લામાં ભારે વરસાદને કારણે શિવઘાટ ધોધ પાસે ખડકો પડ્યા હતા. અહીં ધોધને કારણે આ સ્થળ પર્યટન સ્થળ છે. આહવા-સાપુતારાને જોડતો રાષ્ટ્રીય ધોરી માર્ગ ખડક પડવાના કારણે અવરોધાતા વાહનવ્યવહાર માટે બંધ કરાયો હતો.
વરસાદની આગાહી વચ્ચે શાળાઓમાં રજા જાહેર
દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે નવસારીમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. નોંધનીય છે કે, શહેરમાં રાત્રી દરમિયાન વરસ્યો 9 ઇંચ વરસાદ વરસ્યો છે. ભારે વરસાદથી રસ્તાઓ અને ઘરોમાં પાણી ભરાયાં તો આ તરફ હવે સાવચેતીના ભાગરૂપે શહેરની તમામ શાળાઓમાં રજા જાહેર કરાઇ છે.
નવસારી સહિત દ.ગુજરાતમાં વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા નવસારીમાં આજે ભારે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગઇકાલે નવસારીમાં રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ વરસ્યો છે. રાત્રિ દરમિયાન નવસારી શહેરમાં 9 ઈંચ વરસાદ પડતાં માર્ગો અને ધરોમાં પાણી ભરાઇ ગયા છે. આ તરફ વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવીને તમામ શાળામાં રજા જાહેર કરી છે.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube