સુરત: સુરત મ્યુનિ. કમિશનર(SMC) શાલિની અગ્રવાલે હાઈકોર્ટ(High Court)ની નોટિસની ઉપરવટ જઈ ડ્રાફ્ટ ટાઉન પ્લાનિંગ સ્કૂમમાં મળતિયાઓને લાભ કરાવવા ફેરફાર કરતા કોર્ટે તેમની આકરી ઝાટકણી કાઢી છે. જસ્ટિસ નિર્ઝર દેસાઈએ કહ્યું કે, મળતિયાઓને લાભ કરાવવા માટે સુરત મ્યુનિ. કમિશનર એજન્ટ બની ગયા છે. પોતાને કોર્ટથી ઉપર સમજે છે, જે યોગ્ય નથી. આ મામલે કોર્ટે જવાબદારી અધિકારીઓને સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો છે અને કમિશનરને પણ બિનશરતી માફી માગવાનો આદેશ કર્યો છે. મામલાની વધુ સુનાવણી આગામી 6 માર્ચે યોજાશે.
કાનૂની પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરી કાયદો હાથમાં લીધો
સુરત મહાનગરપાલિકાની ડ્રાફ્ટ ટાઉન પ્લાનિંગ સ્કીમમાં ન્યાયિક પ્રક્રિયા પડતર હતી છતાં મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે ખાનગી વ્યક્તિને લાભ કરાવવા કાનૂની પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરી કાયદો હાથમાં લીધો છે. ખાનગી વ્યક્તિને ફાયદો કરાવવા મ્યુનિસિપલ કમિશનર અને ટાઉન પ્લાનિંગ વિભાગે ડ્રાફ્ટ ટાઉન પ્લાનિંગ સ્કીમમાં હાઇકોર્ટની નોટિસને અવગણી ફેરફાર કર્યો છે. જો કે આ પ્રકરણની મુળ વાત એવી છે કે, ટીપી 39 (ઉધના-લિંબાયત)માં જે જમીન માલિકને એફપી 10 ફાળવાયો હતો તેને કબજો અપાવવા માટે લિંબાયત ઝોનના અધિકારીઓએ કબજા ફેરફારની નોટીસ મુળખંડના માલિકોને આપી હતી.
સ્પષ્ટ મૌખિક નિરીક્ષણ કરીને ઝાટકણી કાઢી
ઉલ્લેખનીય છે કે લિંબાયત ઝોન દ્વારા ટીપી 34 (ઉધના-લિંબાયત)માં ટીપીના અમલીકરણમાં કબજા ફેરફાર અંગે ગુજરાત હાઈકોર્ટમાં મુળખંડના માલિકો દ્વારા રીટ થઇ હોવા છતાં મનપાના લિંબાયત ઝોનના અધિકારીઓએ ટીપી સ્કીમમાં સૂચિત ફેરફાર મુજબ જેને એફપી ફાળવાયો હતો તે એફપી 10ના માલિકોને કોર્ટના હીયરીંગની રાહ જોયા વગર ઉતાવળે અમલવારી કરી હોય ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ નિર્ઝર દેસાઈએ સુનાવણી દરમ્યાન આકરું મૌખિક નિરીક્ષણ કરીને સુરત મનપાના કમિશનર શાલિની અગ્રવાલનો ઉધડો લઈ નાંખ્યો હતો. જસ્ટિસ દેસાઈએ એવું સ્પષ્ટ મૌખિક નિરીક્ષણ કરીને ઝાટકણી કાઢતાં કહ્યું હતું કે, ડ્રાફ્ટ ટીપી સ્કીમમાં સુરતનાં મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ અને ટાઉન પ્લાનિંગ વિભાગના સબંધિત અધિકારીઓ ખાનગી પાર્ટીના એજન્ટ હોય તે રીતે વર્તી રહ્યા છે.
જવાબદારોને સસ્પેન્ડ કરવા અને કમિશ્નરને 6ઠ્ઠી માર્ચે કોર્ટમાં હાજર રહીને માફી માંગવા આદેશ
સુનાવણી બાદ જસ્ટિસ દેસાઈએ એવો આદેશ કર્યો હતો કે , તા.6ઠ્ઠી માર્ચે સુરત મનપાના કમિશનરે રૂબરૂ હાજર રહેવાનું રહેશે, એટલું જ નહીં માફી માંગે અને ટાઉન પ્લાનિંગ વિભાગના જે કોઈ જવાબદાર અધિકારીઓ હોય તેમને ત્વરિત સસ્પેન્ડ કરે અને તેનો એકશન ટેકન રિપોર્ટ કોર્ટ સમક્ષ રજૂ કરવાનો રહેશે.
સામાન્ય માનવીને કોર્ટ પરથી વિશ્વાસ ન ઉઠે તે માટે કાર્યવાહી જરૂરી
જસ્ટિસ દેસાઈએ આ સમગ્ર રિટની સુનાવણી દરમ્યાન એડવોકેટ જનરલને હાજર કરવા આદેશ કર્યો હતો. હાઈકોર્ટએ કહ્યું હતું કે, ‘મને વધુ ના બોલાવશો, હું ઓછું બોલું તે બરાબર છે. સામાન્ય માણસનો કોર્ટ પરથી વિશ્વાસ ન ઉઠે એ માટે આ કેસમાં એડવોકેટ જનરલ બપોરે 2 વાગ્યા પછી હાજર થાય તે જરૂરી છે. હાઈકોર્ટ સમક્ષ ન્યાયિક પ્રક્રિયા ચાલુ હોવા છતાં અધિકારીઓ ધાર્યું જ કરે અને કોર્ટમાં આવીને માફી માંગી લે એવું નહીં ચાલે, સામાન્ય માણસનો કોર્ટ પરથી વિશ્વાસ ન ઉઠે એ માટે કાર્યવાહી કરવી જરૂરી છે.’
‘IAS અધિકારી હોય એનો મતલબ એવો નથી કે મનફાવે તેવું વર્તન કરી શકે’
કોર્ટે એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીને બોલાવી કહ્યું હતું કે, મ્યુનિ. કમિશનર પોતાની જાતને કોર્ટની ઉપર સમજે છે. મારી કોર્ટમાં આવતી વ્યક્તિને ન્યાય પર વિશ્વાસ હોવો જોઈએ. આ કેસમાં તમામ જવાબદાર અધિકારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરો. કમિશનરે જવાબદાર અધિકારીઓના સસ્પેન્શન લેટર સાથે કોર્ટમાં આવવું પડશે. કોર્ટમાં અરજદાર ન્યાયની અપેક્ષાએ આવતા હોય છે ત્યારે મ્યુનિ કમિશનર પોતાની રીતે નિર્ણય લે. સામાન્ય લોકોને એવું ન લાગવું જોઈએ કે કમિશનર હતા એટલે કોર્ટની ઉપરવટ ગયા. IAS અધિકારી હોય એનો મતલબ એવો નથી કે મનફાવે તેવું વર્તન કરી શકે. ખાનગી વ્યક્તિને લાભ કરાવવા શાલિની અગ્રવાલે જે કર્યું હોય તે સોગંદનામા પર રજૂ કરો.
તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો
નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ
https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV
વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp