- વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને પ્રથમ સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના દિશાદર્શનમાં કો-ઓપરેટિવ બેન્કિંગ સેક્ટરના સસ્ટેનેબલ ગ્રોથ માટે દેશમાં સફળ પરિણામદાયી પ્રયાસો થયા
- ગુજરાત અર્બન કો-ઓપરેટિવ બેન્કિંગ ફેડરેશન આયોજિત ‘સહકાર સેતુ’ મેગાઈવેન્ટ અને વેસ્ટર્ન ઈન્ડીયા અર્બન કો-ઓપરેટિવ બેન્કિંગ સમિટનો ગાંધીનગરમાં પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રી
- સહકાર મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માની પ્રેરક ઉપસ્થિતિ
KalTak24 ન્યૂઝ ડેસ્ક/ગાંધીનગર: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટ મત વ્યક્ત કર્યો છે કે, કો-ઓપરેટિવ બેન્કિંગ સેક્ટર ટેક્નોલોજીનો લાભ લઈને સંચાલનમાં પારદર્શિતા સાથે વિકાસ કરી શકે તેવો આજનો સુવર્ણ સમય છે.આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી દેશના પ્રથમ સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં કો-ઓપરેટિવ બેન્કિંગ સેક્ટરના સસ્ટેનેબલ ગ્રોથ માટે સફળ પરિણામદાયી પ્રયાસો હાથ ધરાયા છે. કો-ઓપરેટિવ બેન્કિંગથી લઈને PACS સુધી દરેક ક્ષેત્રે ‘સહકારથી સમૃદ્ધિ’નો મંત્ર સાકાર થયો છે તેમ પણ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતુ.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં યોજાયેલા સહકાર સેતુ-૨૦૨૪ મેગા ઈવેન્ટ તથા વેસ્ટ ઈન્ડિયા અર્બન કો-ઓપરેટિવ બેન્કિંગ સમિટનો પ્રારંભ કરાવ્યો હતો. ગુજરાત અર્બન કો-ઓપરેટિવ બેન્કિંગ ફેડરેશન દ્વારા યોજાયેલા આ સમિટમાં સહકાર રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા તેમજ કો-ઓપરેટિવ બેન્કિંગ સેક્ટરના વરિષ્ઠ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, વિકસિત ભારત@૨૦૪૭માં કો-ઓપરેટિવ બેન્કિંગ સેક્ટરથી લઈને સામાન્યમાં સામાન્ય માનવીના આર્થિક, સામાજિક ઉત્કર્ષ માટેના દરેક સેક્ટરમાં વડાપ્રધાનશ્રીએ ટેક્નોલોજી ટ્રાન્સફોર્મેશન અને ટ્રાન્સપરન્સીનો વ્યૂહ અપનાવ્યો છે.એજ પરિપાટીએ દેશના પ્રથમ સહકાર મંત્રી શ્રી અમિતભાઈએ કો-ઓપરેટિવ બેન્ક પણ વિશ્વ કક્ષાની સેવાઓ આપવા સક્ષમ બને તે માટે ટેક્નોલોજી અપગ્રેડેશન દ્વારા સહકારી બ્રાન્ડ તરીકે ‘‘પ્રાઉડલી કો-ઓપરેટિવ’’ના મંત્રથી બેન્કિંગ સેક્ટર આગળ વધી શકે તેવા એપ્રોચને પ્રોત્સાહન આપ્યું છે તેમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, વડાપ્રધાનશ્રીના કાર્યકાળમાં સમગ્ર દેશ સહકાર ક્રાંતિમાંથી પસાર થઈ રહ્યો છે. શ્રી નરેન્દ્રભાઈ-અમિતભાઈની જોડીએ ગુજરાતના સહકારી ક્ષેત્રનો બે દાયકામાં ક્રાન્તિકારી વિકાસ કરીને સમય સાથે નહિ, પરંતુ સમય કરતા બે ડગલા આગળ ચાલતું કર્યું છે.મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, અર્બન કો-ઓપરેટિવ બેંકોના પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ (PSL) લક્ષ્યો હાંસલ કરવા માટે સમય મર્યાદામાં વધારો કરી આપ્યો છે. દેશની અંદાજે ૧,૫૦૦ જેટલી શહેરી સહકારી બેંકોને IT ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઓપરેશનલ સહયોગ પૂરો પાડવાનું કાર્ય સહકાર મંત્રી શ્રી અમિતભાઈ કરી રહ્યા છે. આ માટે શહેરી સહકારી બેંકિંગ સેક્ટરના વિકાસ માટે અમ્બ્રેલા ઓર્ગેનાઈઝેશન તરીકે નેશનલ અર્બન કો-ઓપરેટિવ ફાઈનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન(NUCFDC)ની રચના કરી છે તેની ભૂમિકા પણ તેમણે આપી હતી.
ધિરાણ આપતી વખતે ચોક્કસ માપદંડને અનુસરતી નાના માણસની મોટી બેંક એટલે કે, સહકારી બેંકોમાં નહિવત NPAના પરિણામે આ બેંકો આજે પ્રગતિની સાથે ડબલ નફો કરી રહી છે તે આપણા માટે ગૌરવ સમાન છે તેમ પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું હતું.અર્બન કો-ઓપરેટિવ ક્ષેત્રે ગુજરાતની સિદ્ધિઓ વિશે સહકાર મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, ‘માસ પ્રોડક્શનને બદલે પ્રોડક્શન બાય માસ’ એ ગુજરાતમાં દૂધ ઉત્પાદન અને સહકારી ક્ષેત્રની આગવી ઓળખ બન્યું છે. રાજયના દૂધ ઉત્પાદકોને દૈનિક રૂ. ૧૫૦ કરોડથી વધુની ચુકવણી ડીબીટીના માધ્યમથી કરવામાં આવે છે. ગુજરાતમાં કો-ઓપરેટિવ બેન્કનું નેટવર્ક ઘણું મોટું છે અન્ય રાજ્ય કરતા ગુજરાતની અર્બન બેંકો નાણાકીય રીતે સદ્ધર છે. ગુજરાતમાં ૨૧૧ અર્બન કો-ઓપરેટિવ બેંકની ૧,૧૩૮ જેટલી શાખા કાર્યરત છે. જેમાં અંદાજે રૂ. ૮૪,૫૩૧ કરોડની ડિપોઝીટ અને રૂ. ૫૨,૩૩૩ કરોડનું ધિરાણ આપેલું છે આ બેંકો અંદાજે રૂ.૧,૩૦૦ કરોડનો નફો કરી રહી છે.
અર્બન કો-ઓપરેટિવ બેંક દ્વારા નાગરિકોને આપવામાં આવતી સેવાઓ વિશે જણાવતાં મંત્રી શ્રી વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, ટેકનોલોજીથી સજ્જ અર્બન કો-ઓપરેટિવ બેંકોમાં મોબાઈલ બેન્કિંગ યુપીઆઈથી ટ્રાન્જેક્શન તથા નેટ બેન્કિંગ જેવી અનેક સેવાઓ આપવામાં આવે છે. ભારતને વિશ્વની સૌથી મોટી પાંચમી આર્થિક મહાસત્તા બનાવવા માટે દૂધ ઉત્પાદક-સહકારી ક્ષેત્રએ મોટું યોગદાન આપ્યું છે. આપણે કો-ઓપરેટિવ સેક્ટરને વધુ મજબૂત કરી ખેડૂતની આવકને ડબલ કરી ભારતની ઇકોનોમીને પાંચ ટ્રિલિયન સુધી પહોંચાડી એક વિકસિત દેશ બનાવવાનો છે તેમ, તેમણે ઉમેર્યું હતું.
ગુજરાત અર્બન કો-ઓપરેટિવ બેંક્સ ફેડરેશનના ચેરમેન શ્રી જ્યોતીન્દ્ર મહેતાએ સૌને આવકારતાં જણાવ્યું હતું કે, ગુજરાત સહિત ભારતમાં ૧,૪૮૦ જેટલી સહકારી બેંકો કાર્યરત છે ત્યારે આવનારી સદી અર્બન કો-ઓપરેટિવ બેંકની સદી હશે. આ ક્ષેત્ર ભારતને વિકસિત ભારતની દિશામાં આગળ લઈ જવા મહત્વનો ભાગ ભજવશે. આ ઉપરાંત તેમણે આ એક દિવસીય સમિટ દરમિયાન ૬૦ જેટલી વિવિધ ટેકનોલોજી કંપનીઓની મદદથી બેન્કિંગ ક્ષેત્રે ઉપયોગી સાઈબર સુરક્ષા સહિતની ટેકનોલોજી વિશે યોજાનારા વિવિધ સત્રોની વિગતવાર માહિતી આપી હતી.
નેશનલ અર્બન કો-ઓપરેટિવ ફાઈનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ- NUCFDC આયોજિત આ સહકાર સેતુ સમિટ દરમિયાન આઉટ-સ્માર્ટિંગ ધ સ્માર્ટર: હાઇપર ડિજિટલ બેંકિંગના સમયમાં સાયબર સુરક્ષાનું મહત્વ, નવીન અને સ્માર્ટ બેન્કિંગ દ્વારા ભવિષ્યનું નિર્માણ જેવા વિષયો પર વિવિધ તજજ્ઞોની ઉપસ્થિતિમાં પેનલ ડિસ્કશન યોજાશે.આ સમિટમાં ગુજરાત અર્બન કો-ઓપરેટિવ બેંક્સ ફેડરેશનના વાઇસ ચેરમેન શ્રી કાંતિભાઈ પટેલ, NAFCUBના પ્રમુખ શ્રી લક્ષ્મી દાસ, RBIના CGM શ્રીમતિ સેંતા જોય, ગુજરાતની અર્બન કો-ઓપરેટિવ બેંકોના હોદ્દેદારો, અગ્રણીઓ, કર્મચારીઓ તેમજ વિવિધ બેન્કિંગ ટેકનોલોજી ક્ષેત્રેના કાર્યરત કંપનીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube