Organ Donation in Surat: ગુજરાતમાં હવે અંગદાન પ્રત્યે જાગૃતિ આવી રહી છે. લોકો હવે અંગદાન કરવા તરફ પ્રેરાયા છે. જેમાં સુરત શહેર સૌથી આગળ છે. સુરતીઓ અંગદાનમાં મોખરે રહીને ઉત્તમ ઉદાહરણ બની રહ્યાં છે. ત્યારે સુરત શહેરમાં વધુ એક વખત અંગદાન થયું છે. ધો – 12 માં અભ્યાસ કરતો 17 વર્ષીય બ્રેઈનડેડ વિદ્યાર્થીના અંગોનું દાન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીના અંગદાનથી 4 લોકોને નવજીવન મળશે.
જુઓ VIDEO:
ડોક્ટરોએ વિદ્યાર્થીને બ્રેઈન ડેડ જાહેર કર્યો
જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ના પી.એમ.ગોંડલિયા અને વિપુલ તળાવિયાના જણાવ્યા અનુસાર રેલવે કોલોનીમાં રહેતો અને ડુમસ રોડ પર આવેલી રાયન ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધો – 12 માં અભ્યાસ કરતો 17 વર્ષીય તથાગતપાર્થ પરશુરામ શાહ ગત તા – 19 મી જાન્યુઆરીએ પ્રિ બોર્ડ કેમેસ્ટ્રીની પરીક્ષા આપવા માટે શાળાએ જઈ રહ્યો હતો ત્યારે સવારે 6:50 વાગ્યે Y જંક્શન નજીક એક ફોર વ્હીલર ચાલકે અડફેટે લેતા ગંભીર ઇજા પહોંચી હતી. જેને તત્કાલ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તબીબોએ તેને બ્રેઈનડેડ જાહેર કર્યો હતો.
ડોક્ટરોના એકમતથી પરિવાર ભાંગી પડ્યો
પરિવારે આ બાબતે હૈદરાબાદ અને સુરતના અન્ય ડોકટરની પણ સલાહ લીધી હતી. પરંતુ તમામના એકમત થી પરિવાર ભાંગી પડ્યો હતો, દર્દીના સ્નેહીજનોએ એસ.એસ.ચંપાવત, રાજસિંગ ચંપાવત અને દીક્ષિત ત્રિવેદીએ જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ના ડૉ. નીલેશ કાછડિયા, વિપુલ તળાવીયા અને પી.એમ. ગોંડલિયાનો સંપર્ક કર્યો હતો અને અંગદાનનું મહત્વ સમજાવ્યું હતું.
ચાર લોકોને નવજીવન આપવામાં આવશે
વહાલસોયા પુત્રના અંગદાન કરવાનો નિર્ણય ફેમિલીએ લઈને માનવતાનું મહાન કાર્ય કર્યું છે. તથાગતપાર્થના પિતા અંગદાન અંગે ખુબ જાગૃત હતા જેથી આ નિર્ણય ત્વરિત લેવાયો હતો. તથાગતપાર્થના હ્રદય, લિવર અને બંને કિડની નું દાન લેવાયું હતું. હ્રદય માટે અમદાવાદની યુ.એન મહેતા હોસ્પિટલની ટીમ અને લિવર અને કિડનીનું દાન અમદાવાદની જ IKDRC હોસ્પિટલની ટીમે સ્વીકાર્યું હતું.
વધુમાં તથાગતપાર્થના પિતા પરશુરામ શાહ રેલવે વિભાગમાં કોમર્શિયલ વિભાગમાં નોકરી કરે છે, માતા કંચન કુમારી શાહ ગૃહિણી છે, તેમજ બહેન મૃણાલિની કોલેજમાં અભ્યાસ કરી રહી છે. આ શાહ પરિવાર મૂળ બિહારના વતની છે છેલ્લા ઘણા વર્ષોથી તેઓ સુરતમાં વસવાટ કરી રહ્યા છે. પરશુરામ શાહ તેમના એક મિત્ર અગાઉ બ્રેનડેડ હતા તેઓના અંગોનું દાન કરવામાં આવ્યું હતું, તેજ ઘડીએ તેઓએ મનમાં સંકલ્પ લઈ લીધો હતો કે જ્યારે પણ મારા પરિવાર, મિત્રો, સગા-સ્નેહીઓમાં આવું કોઈ બ્રેન ડેડ દર્દી જણાશે તો હું જાતે એમને સમજાવીશ અને તેઓનું અંગદાન કરાવીશ.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube