મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતા હેઠળ ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રી મંડળની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણય અંગે પ્રેસ-મીડિયાને માહિતી આપતા પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ગ્રાન્ટ ઇન એઇડ હોસ્પિટલોના વીઝીટીંગ ડોક્ટરોના પ્રતિ વીઝીટ માનદ વેતન દરમાં વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. છેલ્લે વર્ષ ૨૦૧૮માં માનદ વેતનના દર નક્કી કરવામાં આવ્યા હતા.
માનદ વેતનમાં વધારો કરવા રજુઆત કરવામાં આવી હતી
પ્રવક્તા મંત્રીશ્રીએ કહ્યું હતું કે, રાજ્યમાં સેવાભાવી ટ્રસ્ટો દ્વારા અનેક ગ્રાન્ટ ઇન એઇડ હોસ્પિટલો સેવાકીય હેતુસર ચલાવવામાં આવે છે. આવી હોસ્પિટલોમાં વીઝીટીંગ ડોક્ટરની સેવા સરળતાથી મળી રહે તે માટે રાજ્યની વિવિધ ગ્રાન્ટ ઇન એઇડ સંસ્થાના ટ્રસ્ટીઓ અને એસોશીએશન દ્વારા માનદ વેતનના દરમાં વધારો કરવા વિવિધ રજૂઆતો કરવામાં આવી હતી. રાજ્ય સરકારે આ અંગેની રજૂઆતોને સહાનુભૂતિપૂર્વક વિચારણા કરી હકારાત્મક પ્રતિભાવ આપતા વેતનમાં વધારો કરવાનો આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
રાજયમાં વિવિધ સેવાભાવી ટ્રસ્ટો હોસ્પિટલો સેવાકીય હેતુસર ચલાવવામાં આવે છે.
વીઝીટીંગ ર્ડાકટરોની સેવા આવા ટ્રસ્ટ સંચાલીત હોસ્પિટલોને સરળતાથી ઉપલબ્ધ થાય તે બાબત ધ્યાને રાખી રાજય સરકારે આ અંગેની રજુઆતોને સહાનુભૂતિપૂર્વક વિચારણા કરીને વીઝીટીંગ ડૉક્ટર્સના વેતનમાં વધારો કરવાનો નિર્ણય… pic.twitter.com/uVV58I1cbu
— Rushikesh Patel (@irushikeshpatel) October 1, 2024
તેમણે સુધારેલા દર અંગે વાત કરતા કહ્યું કે, ગ્રાન્ટ ઇન એઇડ હોસ્પિટલોમાં વીઝીટીંગ ડોક્ટરનો આશરે ૫૦ કિ.મી. સુધીના અંતર માટે માનદ વેતનનો દર અત્યારે રૂ. ૭૦૦ છે, જેને હવે વધારીને રૂ. ૧,૦૦૦ કરવામાં આવ્યો છે. તેવી જ રીતે, ૫૧ થી ૧૦૦ કિ.મી. સુધીના અંતર માટે માનદ વેતનનો દર રૂ. ૮૦૦ થી વધારીને રૂ. ૧,૨૫૦ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ૧૦૦ કિ.મી.થી વધારે અંતર માટે માનદ વેતનનો દર જે અત્યારે રૂ. ૯૦૦ છે, તેને વધારીને રૂ. ૧,૫૦૦ કરવામાં આવ્યો છે.
નવા સુધારેલા વીઝીટીંગ દરના પરિણામે ગ્રાન્ટ ઇન એઇડ હોસ્પિટલો તજજ્ઞ ડોક્ટરોની વધુ કાર્યક્ષમ સેવાઓ મેળવી શકશે અને વધુમાં વધુ દર્દીઓ સુધી આરોગ્ય સેવાઓ પહોંચાડી શકશે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે પ્રેસ-મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં રાજ્યના સી.એમ. સેતુ યોજના અંતર્ગત ફરજ બજાવતા વીઝીટીંગ તજજ્ઞો / સુપર સ્પેશીયાલીસ્ટ ડોક્ટરોના માનદ વેતનમાં વધારો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યના સામુહિક આરોગ્ય કેન્દ્રો, પેટા જિલ્લા હોસ્પિટલો અને જિલ્લા હોસ્પિટલો ખાતે ફરજ બજાવતા આ તબીબોને અગાઉ પ્રતિ કલાક અંતરના આધારે રૂ. ૭૦૦ થી રૂ. ૯૦૦ વેતન આપવામાં આવતું હતું, જેમાં હવે વધારો કરાયો છે.
મંત્રી શ્રી પટેલે માહિતી આપતા કહ્યું હતું કે, પીડિયાટ્રીશીયન અને જનરલ ફિઝિશીયનને પ્રતિ દિન રૂ. ૩,૦૦૦ તેમજ આ સિવાયના તમામ સુપર સ્પેશીયાલીસ્ટ ડોકટરોને પ્રતિ દિન રૂ. ૨,૦૦૦ માનદ વેતન ચૂકવવામાં આવશે, જેની સામે આ તબીબોએ રોજની લઘુત્તમ 3 કલાકની ફરજીયાત સેવાઓ આપવાની રહેશે. આ મહેનતાણા ઉપરાંત સર્જરીના પ્રકારને આધારે ડોકટરોને રૂ. ૩૦૦ થી ૨,૦૦૦ સુધીનું ઈન્સેન્ટીવ પણ મળવાપાત્ર રહેશે. સર્જરી દરમિયાન એનેસ્થેટીસ્ટની સેવાઓ લેવામાં આવે તો આવી આવી સર્જરીની અત્યારે જે પ્રોત્સાહક રકમ છે, તે રકમની ૫૦ ટકા રકમ અલગથી એનેસ્થેટીસ્ટને આપવામાં આવશે.
પ્રવક્તા મંત્રીશ્રીએ ઉમેર્યું કે, આ તજજ્ઞ ડોકટરો કોઇપણ મર્યાદા વગર મહિનામાં જેટલા દિવસ સેવા આપવી હોય તેટલા દિવસ સેવા આપી શકશે. ડોકટરોએ આપેલી સેવાઓના આધારે જ તેમને મહેનતાણું ચૂકવવામાં આવશે. સાથે જ, તજજ્ઞ ડોક્ટરો પાસેથી સી.એમ સેતુ યોજના હેઠળ લેવામાં આવતી સેવાઓ બદલ ‘પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના’ હેઠળ તેમને કોઇપણ લાભ મળવાપાત્ર રહેશે નહિ. તજજ્ઞ ડોકટરોને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના ઇન્સેન્ટીવ વિતરણના ક્રાઈટેરીયા મુજબ વિતરણ માટે વરાળે આવતી રકમ પાછી રોગી કલ્યાણ સમિતિમાં જમા રાખવાની રહેશે.
રાજ્યની સરકારી મેડિકલ કૉલેજ અથવા GMERS સંચાલીત મેડિકલ કૉલેજ સંલગ્ન હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા વીઝીટીંગ સુપર સ્પેશીયાલીસ્ટ ડોકટરોને અગાઉ પ્રતિ ત્રણ કલાક માટે રૂ. ૨,૭૦૦ ચૂકવવામાં આવતા હતા, જેમાં વધારો કરીને હવે રોજના રૂ. ૮,૫૦૦ માનદ વેતન ચૂકવવામાં આવશે. તદુપરાંત, નોન સર્જીકલ સુપર સ્પેશ્યાલીટીવાળા સ્પેશ્યાલીસ્ટને દિવસના રૂ. ૮,૫૦૦ મુજબ અને મહિનામાં જેટલા દિવસ આવા તબીબો સેવા આપી શકે તેટલા દિવસ તેઓ સેવા આપી શકશે. જેની સામે આ તબીબોએ લઘુત્તમ ત્રણ કલાક ફરજીયાત સેવાઓ આપવાની રહેશે.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube