Surat Metro Project : સુરતમાં છેલ્લા ઘણા સમયથી મેટ્રોની કામગીરી પુર જોશમાં ચાલી રહી છે. ત્યારે મેટ્રોની કામગીરી દરમિયાન મોટી દુર્ઘટના રહી ગઈ હતી. સારોલી રોડ પર મેટ્રોની કામગીરી દરમિયાન બ્રિજનો સ્પાન નમ્યો હતો. જેના કારણે અફડાતફડી મચી જતા રસ્તો બંધ કરાવવાની ફરજ પડી હતી.હાલમાં સારોલીથી કડોદરા તરફનો રસ્તો બંધ કરી દેવાયો છે. બેથી ત્રણ કિલોમીટરનો લાંબો ટ્રાફિકજામ થયો છે. મેટ્રોનો જે સ્પાન મુકવામાં આવ્યો છે તે સ્પાનમાં ગાબડા પડી ગયા છે. જેને લઈને આખું તંત્ર દોડતું થઈ ગયું છે.
જુઓ VIDEO:
અધિકારીઓ પહોંચ્યા
મેટ્રોનો જે સ્પાન નમી ગયો છે, ત્યાં આગળ હવે અધિકારીઓનો કાફલો પહોંચી રહ્યો છે. સુરત શહેરનો ખૂબ જ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ પૈકીનો એક મેટ્રો પ્રોજેક્ટની કામગીરીને લઈને છેલ્લા ઘણા સમયથી અનેક પ્રશ્નો સર્જા રહ્યા છે. મેટ્રોની કામગીરી દરમિયાન ટેકનિકલ રીતે ખૂબ મોટી બેદરકારી સામે આવી રહી છે. મેટ્રોનો જે સ્પાન છે તે એક તરફ નમી ગયો છે, તેના કારણે આ ગમે ત્યારે ધરાશાયી થાય તેવી શક્યતાઓ છે. સ્પાનના સળિયા છે તે પણ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે.
રસ્તા ઉપર વાહોનોની અવરજવર બંધ
સારોલી પોલીસ સ્ટેશનના પીઆઇ એસ.આર. વેકરીયાએ જણાવ્યું હતું કે, મેટ્રોના અધિકારી દ્વારા અમને આ ઘટના અંગે જાણ કરવામાં આવી હતી. અમે તમામ પોલીસ સ્ટાફ સાથે અહીં સારોલી રોડ ઉપર પહોંચી ગયા છે. સુરતથી કડોદરા તરફ જતો આખો રૂટ પુણા તરફથી ડાયવર્ટ કરી દેવામાં આવ્યો છે. મેટ્રોની કામગીરી દરમિયાન સ્પાનમાં કંઈક ટેકનિકલ ખામી હોય તેવી વાત હમણાં ચર્ચા પણ રહી છે. અમારે કામગીરી સમગ્ર રૂટને ડાયવર્ટ કરવાનો છે અને કોઈ પણ પ્રકારના વાહનચાલકોને મુશ્કેલીના થાય તેના માટે અમે તકેદારી રાખી રહ્યા છે.
ભાજપના શાસનમાં આ પ્રકારના ભ્રષ્ટાચાર સતત વધી રહ્યા છેઃ આપ
આ અંગે ઘટનાસ્થળે દોડી આવેલા આમ આદમી પાર્ટીના કોર્પોરેટર સેજલ માલવિયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે મેટ્રોની કામગીરીને લઈને હંમેશા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલો આ મેટ્રો પ્રોજેક્ટમાં ખૂબ મોટી ગંભીર ક્ષતિઓ સામે આવી છે. મેટ્રોનો જે આખો સ્પાન છે તે નમી ગયો છે અને ગમે ત્યારે તૂટી જાય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. ભાજપના શાસનમાં આ પ્રકારના ભ્રષ્ટાચાર સતત વધી રહ્યા છે અને તેના કારણે આવી ઘટનાઓ સામે આવી રહી છે.
કોંગ્રેસના સ્થાનિક નેતા અસલમ સાયકલવાલાએ જણાવ્યું હતું કે, આ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારનો કાંડ છે. કોન્ટ્રાક્ટરો ભારતીય જનતા પાર્ટીના જમાઈ હોય અને તંત્રને ખિસ્સામાં રાખીને ચાલતા હોય છે. તેઓ મનસ્વી રીતે કામ કરતા હોય છે. મેટ્રો રેલ કોર્પોરેશનની આ પહેલી બેદરકારી નથી. અગાઉ ઉધના દરવાજા પાસે પણ ક્રેન પડી હતી. અત્યાર સુધીમાં આવા અકસ્માતોને કારણે 4થી 5 વ્યક્તિના મોત થયા છે.
તમામ સેગમેન્ટને જોડતા હાઇડ્રોલિક કેબલમાં ખામી સર્જાઈ છે કે કેમ તેની તપાસ થશે
મેટ્રો પ્રોજેક્ટના અધિકારી પાસે મળતી માહિતી મુજબ મેટ્રોના એલિવેટેડ વાઇડક સેગમેન્ટને ઉતારવામાં આવશે. સાથે સાથે લોન્ચરનો લોડ હટાવવામાં આવશે. ત્યાર પછી મેટ્રો વિભાગ દ્વારા તપાસ કરવામાં આવશે. હાઇડ્રોલિક કેબલ જે તમામ સેગમેન્ટને એક બીજા સાથે જોડે છે તેમાં કોઈ ખામી સર્જાઈ છે કે નહીં તે અંગે તપાસ કરવામાં આવશે. રિલાઇન થઈ ગયું છે કે ડિસ્પ્લેસ થઈ ગયું છે તે અંગેની તપાસ કરવામાં આવશે. હાઇડ્રોલિક પ્રેશરથી ક્રેક થઈ ઉપર આવ્યું છે તે અંગેની પણ તપાસ કરવામાં આવશે .
સુરત મેટ્રોનું વર્ષ 2027માં ઉદ્ઘાટન થવાનું છે ત્યારે એ પહેલા બ્રિજમાં મોટી ખામી સામે આવી છે. ભેસાણ થી સારોલી મેટ્રો પ્રોજેક્ટ માટે 18 કિમી એલિવેટેડ બ્રિજ બનાવવામાં આવી રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ડિસેમ્બર 2021થી મેટ્રોની કામીગીરી શરૂ કરવામાં આવી હતી.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube