- યુવાશક્તિને શિક્ષિત, દીક્ષિત અને વિકસિત કરવાનું ધામ એટલે સરદારધામ
- દક્ષિણ ગુજરાતને આવરી લેતા સરદારધામ થકી યુવાપેઢી, સમાજ અને દેશનું ભાવિ ઘડાશે: કેન્દ્રીય
આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવિયા - વિકસિત ભારતના સંકલ્પને ફળિભૂત કરવામાં સરદારધામ જેવા શ્રેષ્ઠ શૈક્ષણિક પ્રકલ્પો પૂરક બનશે:
કેન્દ્રીય પશુપાલન, મત્સ્ય વિભાગના મંત્રી પરષોત્તમભાઈ રૂપાલા - પરિશ્રમથી કમાયેલી મૂડીને સમાજશ્રેષ્ઠીઓ સાચા રસ્તે ઉપયોગમાં લઈ રહ્યા છે: ગૃહરાજ્યમંત્રીશ્રી હર્ષ
સંઘવી - સેવાભાવી દાતાઓ દ્વારા એક જ દિવસમાં રૂ.૬૮ કરોડનું દાન જાહેર કરવામાં આવ્યું
Sardar Dham In Surat: સુરતના વેલંજા-પારડી રોડ, અંત્રોલી ખાતે સરદાર ધામનું ભૂમિ પૂજન કાર્યક્રમ યોજાયો હતો. 500 કરોડના ખર્ચે નિર્માણ પામનાર સરદાર ધામના ભૂમિ પૂજન કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીઓ, પાટીદાર સમાજના દાતાઓ તેમજ પાટીદાર સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
સુરતના કામરેજ તાલુકાના અંત્રોલી ખાતે સરદાર ધામનો ભૂમિ પૂંજન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા, કેન્દ્રીય પશુપાલન, મત્સ્ય ઉદ્યોગ મંત્રી પરષોત્તમ રૂપાલા, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા સહિત રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા. કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ પામનાર સરદાર ધામના ભૂમિ પૂજન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં સરદાર ધામ તૈયાર કરવામાં માટે લાખો-કરોડો રૂપિયાનું દાન આપનાર દાનવીરોનું મંચ ઉપર સ્વાગત કરવામાં આવ્યું હતું.
કામરેજના અંત્રોલી ખાતે 500 કરોડ રૂપિયાના ખર્ચે 31 વિઘા જમીનમાં 2000 દીકરા-દીકરીઓ માટેના છાત્રાલય (ઈન્સ્ટીટ્યૂટ), સિવિલ સર્વિસ કેન્દ્ર, જ્યૂડીશરી, સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, ડિફેન્સ એકેડેમી, સ્કીલ ડેવલપમેન્ટ, વર્કશોપ સહિતની તમામ આધુનિક શૈક્ષણિક સુવિધાયુક્ત પ્રથમ ફેઝના સરદારધામનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.
આ વેળાએ દાતાઓ દ્વારા એક જ દિવસમાં 68 કરોડનું દાન જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય દાતા જયંતીભાઈ બાબરીયાએ 11 કરોડ, સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ માટે ફોરમબેન વરસાણી(આફ્રિકા)એ 05 કરોડ સહિત સેંકડો દાતાઓએ 2 કરોડથી લઇને 25 લાખ રૂપિયાનું દાન આપ્યું છે. આગામી 15 દિવસોમાં વધુ 32 કરોડનું ફંડ પ્રાપ્ત થશે.
આ પ્રસંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ જણાવ્યું કે, શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત દ્વારા વર્ષોથી વિવિધ સામાજિક પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે. દક્ષિણ ગુજરાતને આવરી લેતા સરદારધામ થકી યુવાઓ સમાજ અને દેશનું ભાવિ ઘડાશે.
રાષ્ટ્ર માટે સરદાર સાહેબના પ્રદાનનું સ્મરણ કરતા કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, ગુજરાત સરદાર પટેલના વારસાને આગળ વધારી રહ્યું છે. પરસ્પર સહયોગ અને પરિશ્રમથી આગળ વધવું એ સરદાર સાહેબનો સ્વભાવ હતો, જેને આગળ વધારતા સરદાર સંતાનોએ ‘રાષ્ટ્રપ્રથમ’નો જીવનમંત્ર અપનાવ્યો છે.
ગુજરાતમાં સરદારધામ અને કેળવણીધામ જેવા આધુનિક પ્રકલ્પો ‘સૌના સાથ, સૌના વિકાસ અને સૌના વિશ્વાસ’ની વિભાવના સાર્થક કરી રહ્યા છે એમ જણાવી જ્ઞાનશક્તિના ઉમદા સાહસમાં સમાજશક્તિ પણ જોડાવાથી સોનામાં સુગંધ ભળી હોવાનું જણાવી મંત્રીશ્રીએ પાટીદાર સમાજના અગ્રણીઓને અભિનંદન પાઠવ્યા હતાં.
કેન્દ્રીય પશુપાલન, મત્સ્ય વિભાગના મંત્રી પરષોત્તમભાઈ રૂપાલાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીએ વિકસિત ભારત: 2047નો સંકલ્પ લીધો છે, જેમાં સરદારધામ જેવા શ્રેષ્ઠ શૈક્ષણિક પ્રકલ્પો પૂરક બનશે અને વિકસિત ભારતની યાત્રાને બળ આપશે. સમાજના આગેવાનોએ શિક્ષણના આ યજ્ઞમાં ખુલ્લા હાથે દાન કરીને શિક્ષણની યજ્ઞવેદીમાં આહુતિ આપીને સમાજનું ઋણ અદા કર્યુ છે. અભ્યાસકીય તાલીમ, માર્ગદર્શન અને પ્રોત્સાહન માટે ઉત્તમ વ્યવસ્થા નિર્માણ માટે ડગ માંડનાર સમાજ શ્રેષ્ઠીઓની પહેલ બદલ સૌને શુભેચ્છા પાઠવી હતી.
આગામી દિવસોમાં કેન્દ્ર સરકારના દેશને ત્રીજા ક્રમની મોટી અર્થ વ્યવસ્થા બનાવવાના લક્ષ્યને સાકાર કરવામાં સુશિક્ષિત યુવાપેઢી મહત્વપૂર્ણ યોગદાન આપશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. ગૃહરાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ સરદારધામ નિર્માણ માટેની શુભેચ્છાઓ આપતા જણાવ્યું કે, પાટીદાર સમાજના મોભીઓએ પરિશ્રમથી કમાયેલી મૂડીને સાચા રસ્તે ઉપયોગમાં લઈ રહ્યા છે. સામાજિક ઉત્થાન માટેના સરકારના પ્રયાસોમાં સરદાર ધામના ટ્રસ્ટીઓએ બીડું ઉપાડી યુવાનોના યુવાધનને સાચી દિશા આપવા, તેમનું ઉજ્જવળ ભાવિ ઘડવા માટેની રાહ કંડારી છે.
સરદારધામના પ્રમુખસેવક ગગજીભાઈ સુતરીયાએ સ્વાગત પ્રવચન કરતા કહ્યું કે, અખંડ ભારતના શિલ્પી, લોહપુરૂષ, યુગપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના જીવનના ઉચ્ચ આદર્શોમાંથી પ્રેરણા લઈ મિશન 2026ના રોડમેપ મુજબ નિયત કરાયેલા પાંચ લક્ષબિંદુઓ અંતર્ગત સરદારધામ સંસ્થા હોસ્ટેલ પ્રોજેક્ટસ, GPSC / UPSC સિવિલ સર્વિસ સેન્ટર, GPBO, GPBS અને યુવા સંગઠન દ્વારા સમસ્ત પાટીદાર સમાજની એકતા થકી ઉજજવળ ભવિષ્ય અને યુવા શક્તિના સર્વાંગી વિકાસ માટે કાર્યરત છે. સરદારધામ પરિણામલક્ષી કામગીરી કરી રહ્યું છે.
આગામી સમયમાં સુરતમાં 1 હજાર કરોડના ખર્ચે સરદારધામ યુનિવર્સિટીનું નિર્માણ કરાશે એમ જણાવી ગગજીભાઈએ ઉમેર્યું કે, સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના સંકલ્પને સાકાર કરવા તેમજ યોગ્ય લાયકાત, હકારાત્મક અભિગમ અને પ્રતિભા ધરાવતા યુવાનો નાણા તેમજ સુવિધાના અભાવે શિક્ષણથી વંચિત રહી ના જાય અને સમાજની નવી પેઢીને ભારતીય સંસ્કૃતિની ધરોહર મુજબ સંસ્કાર સાથેનું પરવડે તેવું શિક્ષણ મળી રહે તે નિર્ધાર સાથે વાપીથી તાપી સુધીના દક્ષિણ ગુજરાતના યુવાનો માટે આગામી 1 હજાર દિવસમાં અત્યાધુનિક સરદારધામ નિર્માણ પામશે.
યુવાશક્તિને શિક્ષિત, દીક્ષિત અને વિકસિત કરવાના ધામ એવા સરદારધામના ભૂમિપૂજન પ્રસંગે ધારાસભ્ય સર્વશ્રી વિનોદભાઈ મોરડિયા, જીતુભાઈ વાઘાણી, કાંતિ બલર, મેયર દક્ષેશ માવાણી, સરદારધામ-સુરતના પ્રમુખ શ્રી જયંતીભાઈ નારોલા (SRK ગ્રુપ), ઉદ્યોગપતિ અને સમાજ અગ્રણી સર્વશ્રી ગોવિંદભાઈ ધોળકિયા, લવજીભાઈ બાદશાહ, લાલજીભાઈ પટેલ, હંસરાજભાઈ ગોંડલીયા, પદ્મશ્રી મથુરભાઈ સવાણી, પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા, સહિત ધારાસભ્યશ્રીઓ, પાટીદાર ઉદ્યોગપતિઓ, અગ્રણીઓ, દેશવિદેશમાંથી પધારેલા અતિથિઓ અને દાતાશ્રીઓ, સરદારધામ સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં હતા.
સરદાર ધામ પ્રોજેક્ટમાં ઉભી થનાર અત્યાધુનિક સુવિધાઓની એક ઝલક
સ્નાતક થયેલા 2000 વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ, ઈન્સ્ટીટયુટ, સરદાર સાહેબની 50 ફૂટની વિશાળ પ્રતિમા, GPSC/UPSC (સિવિલ સર્વિસ સેન્ટર), ઉદ્યોગ તાલીમ કેન્દ્ર, ડિફેન્સ /જ્યુડીસીયરી એકેડેમી, મીડિયા એકેડેમી, દીકરા-દીકરીઓ માટે હોસ્ટેલ / ઈન્સ્ટીટ્યુટ, GPBO બિઝનેસ સેન્ટર /હોલ, સરકારી સહાય યોજના માર્ગદર્શન કેન્દ્ર, હોટલ મેનેજમેન્ટ / એવીએશન એકેડેમી, સમાજ /મહિલા સુરક્ષા કેન્દ્ર, પર્સનાલિટી ડેવલપમેન્ટ સેન્ટર, પોલિટીકલ લીડરશીપ એકેડેમી, કાનુન/ મહેસૂલ માર્ગદર્શન કેન્દ્ર, ટ્રસ્ટી/ NRI વિશ્રામગૃહ, વર્કશોપ, સમાજ સેતુ ભવનો, સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર, ઈનોવેશન / સ્ટાર્ટઅપ સેન્ટર, સ્પોર્ટસ એકેડેમી, વિશાળ ભોજનાલય, ઓવરસીઝ ઈન્ફોર્મેશન સેન્ટર, વિશાળ વાંચનાલય, પુસ્તકાલય તેમજ વિવિધ પ્રવૃત્તિઓ માટે અનેકવિધ સુવિધાઓ ઉપલબ્ધ થશે.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube