- એક લાખથી વધુ લોકોએ સ્વૈચ્છિક અંગદાનનો સંકલ્પ લઈને અનોખો રેકોર્ડ નોંધાવ્યો
- મુખ્યમંત્રીના હસ્તે માતાપિતા વિહોણા, દિવ્યાંગ અને આર્થિક રીતે નબળા જરૂરિયાતમંદ ૧૦૦૦ વિદ્યાર્થીઓ માટે ‘વિદ્યાર્થી દત્તક યોજના’નો શુભારંભ
- પિતાની હૂંફ સાથે હિંદુ, મુસ્લિમ, ઈસાઈ ધર્મ સહિત સર્વ જ્ઞાતિઓની પિતાવિહોણી દીકરીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા
સુરત(Surat) : પિતાવિહોણી દીકરીઓના પિતા બની સગી દીકરીઓની જેમ તેમના લગ્ન કરાવવા માટે જાણીતા પી.પી.સવાણી ગ્રુપના મહેશભાઈ સવાણી(Mahesh Savani) અને જાનવી લેબગ્રોન ડાયમંડ દ્વારા તા.૨૪ અને ૨૫ ડિસેમ્બરે પી.પી.સવાણી ચૈતન્ય વિદ્યાસંકુલ, અબ્રામા ખાતે આયોજિત પિતાવિહોણી ૩૦૦ દીકરીઓના ભવ્ય ‘દીકરી જગત જનની’ (Dikri Jagat Janani)લગ્નોત્સવ અંતર્ગત આજે પ્રથમ દિને લગ્નોત્સવમાં સહભાગી થઈને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ૧૫૦ નવદંપતિઓને સુખમય દામ્પત્યજીવનના આશીર્વચન પાઠવ્યા હતા. પિતાની હૂંફ સાથે હિંદુ, મુસ્લિમ, ઈસાઈ ધર્મ સહિત સર્વ જ્ઞાતિઓની પિતાવિહોણી દીકરીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા.
આ સમારોહના પ્રારંભે મુખ્યમંત્રીશ્રી અને મહાનુભાવો દ્વારા નાનકડી દિકરીઓનું પૂજન કરવામાં આવ્યું હતું.હાજર લોકો પણ મોબાઈલની ફ્લેશ લાઈટ કરીને આ પૂજનમાં જોડાયા હતા
વિદ્યાર્થી દત્તક યોજનાનો પ્રારંભ
મુખ્યમંત્રીશ્રી સહિત કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રીગણની ઉપસ્થિતિમાં એક લાખથી વધુ લોકોએ સ્વૈચ્છિક અંગદાનનો સંકલ્પ લઈને અનોખો વિક્રમ નોંધાવી ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. આ સાથે મુખ્યમંત્રીશ્રીના હસ્તે માતાપિતા વિહોણા, દિવ્યાંગ અને આર્થિક રીતે નબળા જરૂરિયાતમંદ ૧૦૦૦ વિદ્યાર્થીઓ માટે ‘વિદ્યાર્થી દત્તક યોજના’નો પ્રારંભ થયો હતો. જેમાં CFE-કોટા સાથે મળીને અનાથ, દિવ્યાંગ કે આર્થિક રીતે નબળા પરિવારના ૧૦૦૦ બાળકોને દત્તક લઈને એમને મેડિકલ, એન્જિનીયરીંગ, સીએના ઉચ્ચઅભ્યાસ માટેની પ્રવેશપરીક્ષાની તૈયારી કરાવાશે. વિશેષત: આઝાદીના અમૃત મહોત્સવ તેમજ પ્રમુખ સ્વામીજીના શતાબ્દી વર્ષ નિમિતે ‘દીકરી જગત જનની લગ્નોત્સવ’ પૂ.શ્રી પ્રમુખસ્વામી મહારાજને સાદર અર્પણ કરવામાં આવ્યો છે.
2012થી લગ્નોત્સવ યોજાઈ રહ્યા છે
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, પિતાની છત્રછાયા વિનાની હજારો દીકરીઓના લગ્નથી લઈને આજીવન જવાબદારી નિભાવવી એ સમાજ સેવાનું વિરલ ઉદાહરણ છે. ‘કન્યાદાન મહાદાન’ના સૂત્રને સાર્થક કરીને અન્ય લોકો માટે, શ્રેષ્ઠીઓ માટે દાખલારૂપ બનેલા સવાણી પરિવાર આયોજિત આ લગ્નોત્સવ સદ્દભાવ, સમભાવ અને મમભાવનું પ્રેરણા કેન્દ્ર બનશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
શ્રી મહેશભાઈ સવાણી અત્યાર સુધીમાં પિતાની છત્રછાયા ગુમાવી ચુકેલી હજારો દીકરીઓના પાલક પિતા બની વર્ષ ૨૦૧૨થી સામૂહિક લગ્નોત્સવ બાદ હવે આ વર્ષે પણ જાનવી લેબગ્રોન ગ્રુપના રમેશભાઈ લખાણી પરિવારના સહયોગથી ‘દીકરી જગત જનની’ લગ્નોત્સવ યોજી રહ્યા છે, જેનો સહર્ષ ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીશ્રીએ સવાણી અને લખાણી પરિવારને અભિનંદન પાઠવ્યા હતા.
મુખ્યમંત્રીશ્રી એ દીકરીઓને આપ્યા આશિર્વાદ
સવાણી ગ્રૂપની સેવાકીય પ્રવૃત્તિઓની સરાહના કરતા જણાવ્યું કે, જાતે કમાઈને જાતે ખાવું એ પ્રકૃતિ છે, પણ જાતે કમાઈને અન્યને ખવડાવવું એ સંસ્કૃતિ છે. જેની પ્રતીતિ સવાણી અને લખાણી પરિવારે કરાવી છે. આઝાદીના અમૃત કાળના અવસરે દામ્પત્યજીવનનો પ્રારંભ કરી રહેલી દીકરીઓ સાસરે સુખ, સમૃદ્ધિ, એકતા સંપ અને કાર્યદક્ષતાના અમૃત કાળનું સર્જન કરે એવી અપેક્ષા વ્યક્ત કરી સૌ નવદંપતિઓને નવા જીવનની શુભેચ્છાઓ પાઠવી હતી.
મુખ્યમંત્રીશ્રીએ લગ્ન એ બે કુટુંબને જોડતી કડી હોવાનું જણાવી ઉમેર્યું કે, સંગઠિત અને પ્રગતિશીલ સમાજ દ્વારા યોજાતા સમુહ લગ્નો કરકસર અને સંયમનું પ્રતિબિંબ છે. સમુહ લગ્નો પરિવાર, સમાજ, રાજ્ય અને રાષ્ટ્રની ઉન્નતિને વેગ મળે છે. પિતાવિહોણી દીકરીઓનો અનોખો સમુહલગ્નોત્સવ એ સર્વ સમાજની દીકરીઓને નવી ખુશી, નવી ઉર્જા પ્રદાન સાથે સદ્દભાવ, સમભાવનું કેન્દ્ર બન્યો હોવાનું તેમણે જણાવ્યું હતું.
ગુજરાતે સમગ્ર ભારતમાં વિકાસ અને પ્રગતિનો અનેરો માર્ગ કંડાર્યો છે ત્યારે વધુને વધુ લોકહિત,જનહિતના કાર્યો કરીને સામાજિક સમરસતા અને સૌહાર્દની ભાવના સાથે સૌએ સાથે મળીને ગુજરાતને વધુ સમૃદ્ધ અને દેદીપ્યમાન બનાવવાનો મુખ્યમંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો.
કેન્દ્રીય રેલવે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબહેન જરદોશે દીકરી મહેશભાઈની સેવા પ્રવૃત્તિઓને બિરદાવી ઉમેર્યું કે, આગામી સમયમાં ટેકનીકલ ટેક્ષટાઇલ તથા રેડીમેડ ગારમેન્ટ જેવા ક્ષેત્રોમાં વિશાળ તકોનુ સર્જન થશે. આ ઉપરાંત ૭૫ વંદે ભારત ટ્રેનો શરૂ કરવામાં આવનાર છે જેથી આ ક્ષેત્રે ટેકનીકલ સ્ટાફની જરૂરિયાત રહેશે જેથી યુવાનોને આ ક્ષેત્રમાં આગળ વધવાનો અનુરોધ કર્યો હતો.
નારીત્વનું ઉદાહરણ પૂરૂ પાડવા શીખ અપાઈ
પ્રાસંગિક ઉદ્દબોધન કરતા પી.પી. સવાણી ગ્રુપના મહેશભાઈ સવાણીએ જણાવ્યું હતું કે, પી.પી.સવાણી પરિવાર અને સહયોગી દાતાઓ દ્વારા આજ સુધી લગભગ ૪૫૭૨ થી વધુ દીકરીઓનું કરિયાવર સાથે કન્યાદાન કરવામાં આવ્યું છે. તેમણે જીવનના નવા પડાવમાં જઈ રહેલી દીકરીઓને શિખામણ આપતા કહ્યું કે, સાસરે જઈને પરિવારને સ્નેહના તાંતણે બાંધજે, વહુ નહીં પણ દીકરી બનીને રહેજે. ઉત્તમ નારીત્વનુ ઉદાહરણ પૂરૂ પાડજે, ઉત્તમ વહુ અને માતા બનીને ઉચ્ચ સંસ્કારયુકત સંતાનોને જન્મ આપવાની શુભકામનાઓ પાઠવી હતી.
આ વર્ષે અમે દિલીપદાદા દેશમુખના અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ, નિલેશભાઈ માંડલેવાલાના ડોનેટ લાઈફ ફાઉન્ડેશન અને પિયુષભાઈ ગોંડલીયાના જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના સહયોગથી અંગદાન સંકલ્પ અંતર્ગત એક લાખ લોકો અંગદાનનો સંકલ્પ લેવડાવ્યા છે. એક સાથે એક સ્થળે એક લાખ લોકો અંગદાનનો સંકલ્પ લેવાનો એક નવો રેકોર્ડ અને સિદ્ધિ સુરતના નામે નોંધાયો છે એમ ગર્વથી જણાવ્યું હતું.
સી. આર પાટિલે શું કહ્યું ?
આ પ્રસંગે ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને સાંસદશ્રી સી.આર.પાટીલે જણાવ્યું કે, પિતા વિહોણી દીકરીઓના ધામધૂમથી લગ્ન કરાવીને સમાજને નવો સંદેશ આપ્યો છે. સુરત આંગણે એક જ દિવસમાં એક લાખ વ્યક્તિઓ સંકલ્પબધ્ધ થઈને અંગદાનમાં જોડાયા એ સુરતના નામે વધુ એક સિધ્ધી છે. આ સમૂહલગ્ન થકી નવા, ઉમદા વિચારો દ્વારા સમાજના દરેક વર્ગના લોકોને એક સાથે જોડીને પરિવારને એક તાંતણે બાંધ્યો છે તેનું ઉત્તમ ઉદાહરણ છે.
ધર્મ મુજબ લગ્નવિધિ થઈ: એક દિવ્યાંગ દીકરીના પણ લગ્ન થયા
લગ્નોત્સુક દીકરીઓની પસંદગી માટે પણ લાંબી કવાયત હાથ ધરીને ચોક્કસ નિયમો મુજબ પસંદગી કરવામાં આવી છે. દરેક સમૂહ લગ્નમાં તમામ ધર્મની દીકરીઓના તેમના ધર્મ, રિતીરિવાજ મુજબ લગ્ન કરાવાય છે. હિંદુ, મુસ્લિમ, શીખ, ઇસાઈની દરેકના ધર્મ મુજબ થશે. આ સમારોહમાં એક દિવ્યાંગ(મૂકબધિર) દીકરીએ પણ પ્રભુતામાં પગલા પાડ્યા હતા. લગ્નોત્સવમાં મહારાષ્ટ્રીયન, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ સહિત દેશભરમાંથી દીકરીઓ જોડાતા આ અવસર વિવિધતામાં એકતાની સંસ્કૃતિને ઉજાગર કરી રહ્યો છે.
૧૧ દીકરીઓનું કન્યાદાન વલ્લભભાઈ જીવાણી પરિવારે કર્યું
મહેશભાઈ સવાણીના સેવાકાર્યમાંથી પ્રેરણા લઈ ૩૦૦ દીકરીઓ પૈકી આ સમૂહલગ્નમાં ગારિયાધારની ૧૧ દીકરીઓની સ્વૈચ્છિક તમામ જવાબદારીઓ અને ખર્ચ તેમજ દીકરીઓનું કન્યાદાન જલ્પા ડાયમંડના વલ્લભભાઈ જીવાણી દ્વારા કરાયું હતું.
આ પ્રસંગે કેન્દ્રીય રેલવે અને ટેક્ષટાઈલ રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, ગૃહ,રમતગમત રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી, વન અને પર્યાવરણ, પાણી પુરવઠા રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલ, સંસદીય બાબતો, પ્રાથમિક,માધ્યમિક, ઉચ્ચ શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયા, પ્રદેશ સંગઠન અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ, સવાણી ગ્રુપના મોભી વલ્લભભાઈ સવાણી, જાનવી ગ્રુપના રમેશભાઈ લખાણી, સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ,સુરતના અધ્યક્ષશ્રી કાનજીભાઈ ભાલાળા, પદ્મશ્રી મથુરભાઈ સવાણી સહિત ધારાસભ્ય સર્વશ્રી વિનોદભાઈ મોરડીયા, પૂરણેશ મોદી, જીતુભાઈ વાઘાણી, મનુભાઈ પટેલ, પ્રવિણભાઈ ઘોઘારી, સંદિપ દેસાઈ, મોહનભાઈ ઢોડિયા, કાંતિભાઈ બલર, સંગીતા પાટીલ, મેયર શ્રીમતી હેમાલી બોઘાવાલા, અગ્રણીઓ, સંતો મહંતો, સાજન-માજન ઉપસ્થિત રહ્યા હતા.
તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો
નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ
આ મેસેજ તમામ મિત્રો ગ્રુપ માં શેર કરશો અને વોટ્સેપ સ્ટેટસ માં મુકીને મદદરૂપ થશો.
દેશ દુનિયાના સમાચારો મેળવવા આજે જ જોડાઓ કલતક 24 ન્યુઝ ગ્રુપ માં, તમારો નંબર અન્ય કોઈને ન દેખાય તે માટે પ્રાઈવસી સેટ કરવામાં આવેલી છે. જેથી નીડરતાથી આપ જોડાઈ શકો છો.