New Film Title Kasoombo: ગુજરાતી ફિલ્મ જગતના ખ્યાતનામ ડિરેક્ટર વિજયગીરી બાવા એક નવી ઐતિહાસિક ફિલ્મ લઈને આવી રહ્યાં છે. આ ફિલ્મની જાહેરાત તો ઘણાં મહિનાઓ પહેલા થઈ હતી પરંતુ ફિલ્મનું નામ અને વિષય વાર્તા અકબંધ હતી. ત્યારે આજે વિજયગીરી બાવાએ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગની ઐતિહાસિક ફિલ્મના નામની જાહેરાત કરી છે. તેમણો સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરી ફિલ્મનું નામ અને રિલીઝ ડેટ બંનેની જાહેરાત કરી છે.
’21મું ટિફિન’ ફિલ્મ બાદ વિજયગીરી બાવા એક મોટા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યાં હતાં. જ્યારથી આ પ્રોજેક્ટની જાહેરાત થઈ ત્યારથી દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યાં હતાં કે આ ઐતિહાસિક ફિલ્મનું નામ અને સ્ટોરી શું હશે. ત્યારે હવે ફિલ્મ જગતના જાણીતા નિર્દેશક વિજયગીરી બાવાએ ફિલ્મના ટાઈટલનો ખુલાસો કર્યો છે. વીરતાની ગાથા દર્શાવતી આ ફિલ્મનું નામ ‘કસૂંબો’ (Kasoombo)છે. ફિલ્મ આગામી વર્ષ 2024માં 16 ફેબ્રુઆરીના રોજ મોટા પડદા પર રિલીઝ થશે.
૧૩મી સદીના ઉત્તરાર્ધ અને ગોજારી ૧૪મી સદીના પૂર્વાર્ઘની આ વાત છે .જયારે બીજો સિકંદર બનવાનું સપનું જોતા અલ્લાઉદ્દીન ખીલજીએ ગુર્જરધરાને ધમરોળવાનું નક્કી કર્યું ત્યારે શેત્રુંજય પંથકનું આદપુર ગામ દાદુ બારોટની આગેવાનીમાં કેસરિયા કરવાની રહે હતું.હજારોના ખીલજીના સૈન્યને આ મુઠ્ઠીભર… pic.twitter.com/PQKPFW81fH
— Vijaygiri Bava (@VijaygiriBava) October 26, 2023
ઐતિહાસિક ફિલ્મના ટાઈટલ લોંચ સમયે સૌ પ્રથમ ડિરેક્ટર વિજયગીરી બાવા અને સમગ્ર ટીમે તળેટીમાં રહેલા ‘દાદુ બારોટ’ના પવિત્ર સ્મારકને ફૂલહાર કરી નમન કર્યા હતાં. શેત્રુંજય તીર્થરક્ષક વિર શ્રી દાદુ બારોટ સ્મારક સમિતી તેમજ સમગ્ર ગ્રામજનોએ ફિલ્મના કલાકારો અને ટીમનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યુ હતું અને કાળની ગર્તામાં ધકેલાઈ ગયેલી શેત્રુંજયની ધરાની વીરગાથા આલેખતી ઐતિહાસિક ફિલ્મનું નિરૂપણ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતાં. તેમજ શેત્રુંજય પંથકની આવી ફિલ્મ બનાવવા માટે આભાર વ્યક્ત કર્યો હતો. જે પછી ફિલ્મની સમગ્ર ટીમે ‘વીરોને વંદન શૌર્ય યાત્રા’માં હાજરી આપી હતી.
શૌર્યયાત્રામાં પાલિતાણા અને આસપાસના લોકોએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને કેસરિયા સાફા, કેસરિયા ખેસ ધારણ કરી ભીડભંજન, ભૈરવ ચોક સહિતના સ્થળોએ આ યાત્રા ફરી હતી. આ યાત્રા દરમિયાન જ ગુજરાતી ફિલ્મના ઈતિહાસમાં પહેલી જ વાર અત્યાધુનિક ડ્રોન ટેક્નોલોજીનો ઉપયોગ કરી અને ફિલ્મનું ટાઈટલ ‘કસૂંબો’ રીલિઝ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ 16 ફેબ્રુઆરી 2024ના દિવસે રીલિઝ થશે.
વિમલકુમાર ધામી દ્વારા લેખિત ‘અમર બલિદાન’ પરથી આ ફિલ્મનું કથાનક લેવામાં આવ્યું છે. ફિલ્મની સ્ક્રિપ્ટ લેખક રામ મોરી તેમજ વિજયગીરી બાવાએ સાથે લખી છે અને પ્રોડ્યુસર ટ્વિંકલ બાવા છે. ફિલ્મની વાર્તા 13મી સદીની આસપાસ છે. જ્યારે અલ્લાઉદ્દીન ખીલજી હિંદ પર આક્રમણ કરી આગેકૂચ કરી રહ્યો હતો પાટણને ધમરોળીને સોમનાથ ભાંગવા આગળ વધતા શેત્રુંજયના જિનાલયોનો વૈભવ તેની આંખમાં વસી ગયો અને જ્યારે તેની કરડાતી નજર આ તીર્થ પર પડી ત્યારે શેંત્રુજ્યની અને જિનાલયની રક્ષા કાજે તળેટીના ગામ આદિપુરના વીર પુરૂષ દાદુજી બારોટની આગેવાનીમાં બારોટ સમાજના સંખ્યાબંધ નવલોહિયાઓ અને કુમારીકાઓ પણ કમર કસીને આ આક્રમણ સામે નહોર ભરાવવા માટે સજ્જ થયા હતાં.
ઈ.સ.ની ૧૩મી સદીમાં અલ્લાઉદ્દીન ખીલજીના ભયાનક આક્રમણ સમયે તીર્થની રક્ષા કાજે દાદુ બારોટ અને અન્ય નરબંકાઓની સામી છાતિએ લડી લેવાની બહાદુરી, જોમ અને જુસ્સાના કારણે જ સમગ્ર વિશ્વમાં આ જૈનતીર્થની સંસ્કૃતિ અને પ્રકાશ ફેલાઈ રહ્યો છે. કહેવાય છે કે ખીલજીનું આ અંતિમ યુદ્ધ હતું અને અહીંથી શૂરવીરોના મહાપરાક્રમ જોઈ એટલો હતપ્રભ થઈ ગયો હતો કે તેણે સોમનાથની દિશામાં આગળ વધવાનો મનસૂબો જ માંડી વાળ્યો હતો અને પારોઠના પગલા ભર્યા હતાં.
આ ફિલ્મ માત્ર ગુજરાતી ભાષા પુરતી સીમિત નથી તેને હિંદીમાં પણ રજૂ કરવામાં આવશે. આ પહેલા સેટની તસવીરો સામે આવી હતી. એ ફોટોઝ અને ફિલ્મ સાથે સંકળાયેલા દરેક લોકોની ધગશ અને મહેનત જોઈ ફિલ્મ બાહુબલીને યાદ અપાવે છે. બહુ જ ટૂંક સમયમાં આવી જ ધમાકેદાર ગુજરાતી ફિલ્મ દર્શકોને મોટા પડદા પર જોવા મળવાની છે.
Announcing Kasoombo the film
Releasing on 16th February 2024#Kasoombo #NewFilm pic.twitter.com/c5L2fvpB3C— Vijaygiri Bava (@VijaygiriBava) October 24, 2023
આ ઐતિહાસિક કથાનક પરથી બનેલી ફિલ્મમાં ધર્મેન્દ્ર ગોહિલ (દાદુ બારોટ)(Dharmendra Gohil), દર્શન પંડ્યા (અલ્લાઉદ્દીન ખીલજી)(Darshan Pandya), ફિરોઝ ઈરાની (વિસા ભા)(Firoz Irani), શ્રદ્ધા ડાંગર (સુજન)(Shraddha Dangar), ચેતન ધાનાણી (અર્જુન)(Chetan Dhanani), રૌનક કામદાર (અમર)(Raunaq Kamdar), એમ મોનલ ગજ્જર (રોશન)(Monal Gajjar), કોમલ ઠક્કર (ઝુબૈદા), કલ્પના ગાગડેકર (મીઠી બા)(Kalpana Gagdekar), જય ભટ્ટ (મેઘજી), મયુર સોનેજી (જાદવ ભા), વિશાલ વૈશ્ય (અલફ ખાન)(Vishal Vaishya),કલ્પના ગાગડેકર,વૃતાંત ગોરડિયા, કિન્નર બારોટ,મનોજ શાહ તેમજ હેતલ બારોટ સહિતના કલાકારો જોવા મળશે. દાદુ બારોટની મહાગાથાનું આલેખન કરતી આ ઐતિહાસિક ફિલ્મ 16 ફેબ્રુઆરી 2024ના દિવસે રીલિઝ થશે.
ફિલ્મના ડિરેક્ટર વિજયગીરી બાવાએ જણાવ્યું હતું કે,ગુજરાત માટે કહેવાય છે કે સાહસિકોની ભૂમિ. ઉપરાંત સૌરાષ્ટ્ર એટલે સંત અને શૂરાની ભૂમિ છે. ગુજરાતી ફિલ્મના ઉદયથી અત્યાર સુધી ઘણું કહેવાયું છે પરંતુ ગુજરાતનો ગૌરવ આલેખતી વાતોથી નવી પેઢી વંચિત ન રહી જાય તે માટે અમે સામા પ્રવાહે તરીને મોટા પડદે આ કથા આલેખવાનો પ્રયત્ન કર્યો છે અને ફિલ્મના ટાઈટલ રીલિઝને પાલિતાણામાં ખૂબ જ બહોળો પ્રતિસાદ સાંપડ્યો. સનાતન એ માત્ર શબ્દ નથી એક બહોળી સંસ્કૃતિ પણ છે. આ સનાતન સંસ્કૃતિના ધ્વજવાહકો જેમણે પોતાના લોહીથી આ ધરતીને સીંચી છે અને વિદેશી આક્રાંતાઓને ભગાડ્યા છે. એવા શૂરવીરોને ફિલ્મ દ્વારા શૌર્યાંજલી અર્પી છે અને અમારી આ ફિલ્મ તમામ લોકો સુધી પહોંચે અને ગુજરાતની ખમીરવંતી ગાથા તમામ લોકો સુધી પહોંચે એવી અભિલાષા છે.
આજથી સાત-આઠ સદી પહેલાની વાત 21મી સદીના દર્શકો સમક્ષ રજૂ કરવાની સંપુર્ણ તૈયારીઓ થઈ ગઈ છે. ફિલ્મમાં બહોળી કાસ્ટ, ઐતિહાસિક વિષય લોકેશન્સમાં જુના જમાનાની ઝાંખી જોવા મળશે. વિષયને અનુરૂપ શૂટિંગ માટે અમદાવાદમાં આશરે 16 વીઘા જમીનમાં આખો સેટ ઉભો કરવામાં આવ્યો હતો. મુંબઈથી કારીગરોને બોલાવીને એક આખું ગામડું ઉભું કરવામાં આવ્યું હતું. ફિલ્મનો અદ્ભુત દ્રશ્યો જોવા મળી શકે છે. સેટ પાછળ કરોડોનો ખર્ચ કરવામાં આવ્યો છે. ફિલ્મને રિયાલિસ્ટ રૂપ આપવા માટે તમામ પ્રયાસો કરવામાં આવ્યાં છે.
- આ ફિલ્મ હિન્દી ભાષામાં પણ રિલિઝ થશે
- ફિલ્મમાં કુલ ૧૦૦થી વધુ કલાકારોએ કામ કર્યું છે
- ફિલ્મનો સેટ ૧૬ વિઘા ઉપર ઉભો કરવામાં આવ્યો હતો. જ્યાં પર્વત અને નદી પણ બનાવવામાં આવી હતી.
- ફિલ્મના નિર્માણ દરમિયાન ૧૦૦૦થી વધુ લોકો ૪૦ દિવસ સુધી દૈનિક કાર્ય કરતા હતા.
- ફિલ્મનો સેટ બનાવવા ૪૦૦ લોકોની ટીમ ખાસ મુંબઇથી આવી હતી.
- કસૂંબો શબ્દ, શોર્યનું પ્રતિક.
- ફિલ્મમાં કુલ ૧૦૦થી વધુ કલાકારોએ કામ કર્યું છે
- ફિલ્મનો સેટ ૧૬ વિઘા ઉપર ઉભો કરવામાં આવ્યો હતો. જ્યાં પર્વત અને નદી પણ બનાવવામાં આવી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે..
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube