રાજકોટ(Rajkot): રાજકોટના ધોરાજીમાં તાજીયા દરમિયાન મોટી દુર્ઘટના ઘટી છે. ધોરાજીના રસલપુરામાં તાજીયા દરમિયાન 15 જેટલા લોકોને વીજ કરંટ લાગ્યો હતો. જેમાંથી બેના મોત નીપજ્યાં છે, જ્યારે અન્યની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. હાલમાં 3 જેટલા લોકોની હાલત ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, દેશભરમાં આજે મહોરમનું પર્વ મનાવવામાં આવી રહ્યું છે. આ દરમિયાન રાજકોટના ધોરાજીમાં મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. ધોરાજીના રસુલપરામાં જુલૂસ દરમિયાન તાજીયો વીજ લાઈનને અડી જતાં 15 જેટલા લોકોને કરંટ લાગ્યો હતો. જેથી આ તમામને 108 એમ્બ્યુલન્સમાં સારવાર અર્થે ધોરાજીની સરકારી અને ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
આ અંગેની જાણ થતાં જ હોસ્પિટલની બહાર લોકોના ટોળે-ટોળા એકઠા થઈ ગયા છે. 15 પૈકી બે લોકોના હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યા છે. જ્યારે અન્યની હાલ હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે. તો આ બનાવને પગલે આખા શહેરમાં ચકચાર મચી ગઈ છે.
હાલ ધોરાજી પોલીસ અને GEB અધિકારીઓ સહિતના આગેવાનો ઘટના સ્થળે પહોંચ્યા છે. તેમજ ધોરાજી ખાનગી હોસ્પિટલ ખાતે ડેપ્યુટી એસ.પી રત્નો પી.આઈ ગોહિલ પીએસઆઇ જાડેજા સ્ટાફ દોડી ગયો હતો.
સમગ્ર ઘટનાનો લાઇવ વિડિયો પણ સામે આવ્યો છે. જેમાં જોઈ શકાય છે કે ઝુલુસ નીકળી રહ્યું છે. તે સમયે અચાનક ઉપર વીજ વાયરને અઢી જતા કેટલાય લોકો ત્યાં જ રસ્તા પર બેભાન હાલતમાં નીચે પડી જાય છે. લોકોમાં દોડધામ મચી જવા પામી છે. વીજ કરંટ લાગ્યો તેમાં કેટલાય બાળકો પણ જોવા મળી રહ્યા છે.
ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ જણાવ્યું હતું કે ધોરાજીની અંદર મુસ્લિમ સમાજના પવિત્ર તહેવારમાં જે દુર્ઘટના ઘટી છે. એને લઈને હું અને રાજ્ય સરકાર પીડિત પરિવાર સાથે છીએ, જે બે વ્યક્તિનાં અવસાન થયાં છે તેના પરિવારને અને ઘાયલો પ્રત્યે વ્યક્તિગત માટે સહાનુભુતિ વ્યક્ત કરું છું. આજે મોહરમના પવિત્ર તહેવારે આ બનાવ બન્યો છે અને જે આનંદનું વાતાવરણ હતું એ શોકમય બન્યું છે. આજે દુખદ ઘટના બની છે એ બાબતે મેં રાજ્ય સરકારમાં અને જિલ્લા કલેક્ટર સાથે પણ વાત કરી છે. ડીએસપી સાહેબ સાથે વાત કરી છે કે કયા કારણથી આ ઘટના ઘટી છે. બીજી બાબત તો એ છે કે જે કઈ મળવાપાત્ર તમામ પ્રકારની સહાય રાજ્ય સરકાર તરફથી આ પરિવારને મળશે, એના માટે યોગ્ય કક્ષાએ હું રજૂઆત કરું છું.
મુસ્લિમ સમાજના આગેવાને જણાવ્યું હતું કે આજે મહોરમ પ્રસંગે ધોરાજીમાં ગમખ્વાર બનાવ બન્યો છે, જેમાં બે લોકોનાં મોત થયાં છે તો 24 જેટલા લોકોને નાની-મોટી ઈજાઓ થઈ છે. જે લોકો મૃત્યુ પામ્યા છે તેમના માટે દુવા કરીએ છીએ. તાજિયા એસોસિયેશન તરફથી જાહેરાત કરવામાં આવી છે. આ ટ્રસ્ટ બોર્ડ તરફથી જાહેરાત કરવામાં આવી છે કે તમામ ઈજાગ્રસ્તોની સારવારનો ખર્ચ અમારા ટ્રસ્ટો ઉપાડશે. જો કોઈને અન્ય હોસ્પિટલમાં ખસેડવાની જરૂર પડશે તો એનો ખર્ચ પણ અમારું ટ્રસ્ટ જ ભોગવશે.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube