- બાબરા ના ગળકોટડી ગામનો એક વિડીયો થયો વાયરલ
- મહિલાને પિલર સાથે બાંધીને નિર્દયતાથી માર મરાયો
- 4 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી
અમરેલી : સરકાર દ્વારા મહિલા પુરુષ સમોવડી હોવાની વાતો કરવામાં આવે છે પરંતુ હજુ અનેક એવા ગામડાઓ છે જ્યાં મહિલાઓ પર અત્યાચાર થતો હોય છે. આવી જ એક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા(Social media) માં વાયરલ થયો છે. અમરેલી(Amreli) જિલ્લાના બાબરા તાલુકાના ગળકોટડી ગામમાં સભ્યસમાજને હચમચાવી નાખતો કિસ્સો સામે આવ્યો છે. ગામમાં રહેતી એક મહિલાના પતિનું અવસાન થયા બાદ મહિલાએ અન્ય પુરુષ સાથે પુનઃલગ્ન કર્યાં હતાં. જે પૂર્વ પતિનાં પરિવારજનોને પસંદ ન આવતા પીડિતાને તાલિબાની સજા ફટકારી હતી. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા બાદ પોલીસે ચાર લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મહિલાને બચાવવાના બદલે લોકો ‘મારો…મારો…’ કરતા રહ્યા
સોશિયલ મીડિયામાં જે ત્રણ વીડિયો વાઈરલ થયા છે તેમાં એક વીડિયોમાં બે મહિલાઓ પિલર પાસે પીડિતાને પકડીને ઊભી નજરે પડી રહી છે. જ્યારે એક પુરુષ લાકડી વડે પીડિતાને ઢોર માર મારી રહ્યો છે. પીડિતા કણસી રહી છે અને બચાવ…બચાવો…કરતી નજરે પડી રહી છે.
‘પતિના મૃત્યુ પછી બીજા લગ્ન કેમ કર્યા?’
સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મહિલાએ બીજા લગ્ન કર્યા હોય એનું મન દુઃખ રાખી તાલિબાની સજા રૂપે માર માર્યો હોવાની ચર્ચાઓ સાંભળવા મળી રહી છે ત્યારે ગઈકાલ સવારની ઘટના બાદ ગત મોડી રાત્રે બે મહિલા અને બે પુરુષ ચાર વ્યક્તિઓ સામે બાબરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. ભોગ બનનાર મહિલાને પીલ્લર સાથે પકડી રાખીને લાકડી વડે માર મારવામાં આવ્યા બાદમાં કાતરથી મહિલાના વાળ કાપી નાખવામાં આવ્યા હતા. ભોગ બનનારી મહિલાના પતિ ગુજરી જતા મહિલાએ બીજા પુરુષ સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. જેનું મનદુઃખ રાખી મહિલાને તાલીબાની સજા ફટકારવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે, ત્યારે બાબરા પોલીસ દ્વારા તાલિબાની સજા આપતા નરાધમોને બે મહિલાઓને પકડી પાડી હતી. જેમાં ઘુઘાબેન ખાતાના તેમજ સોનલબેન વાઘેલાની ધરપકડ કરવામાં આવી હતી.
મહિલાઓ જ મહિલાનું સન્માન કરવાનું ભૂલી
સોશિયલ મીડિયામાં જે વીડિયો વાઈરલ થઈ રહ્યો છે તેમાં પુરુષોની સાથે મહિલાઓ પણ નજરે પડી રહી છે. પીડિતાને બે મહિલાઓ પકડી રાખે અને પુરુષ લાકડીઓ ફટકારે છે. જ્યારે અન્ય એક વીડિયોમાં મહિલાઓ પીડિતાના હાથની બંગડીઓ ભાંગતી નજરે પડી રહી છે.
કોની કોની સામે ગુનો નોંધવામાં આવ્યો?
આ ઘટનામાં પીડિત મહિલાના બહેન દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ઘટનામાં સામેલ ઘુઘાબેન હિકાભાઈ, ફાદુબેન વિજયભાઈ, હિકાભાઈ બાલાભાઈ અને ચકુબેન ચારોલિયા સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આ ઘટનામાં બે લોકોની ધરપકડ કરી છે, જ્યારે બેની શોધખોળ ચાલી રહી છે.
‘મહિલાને સાસુમાએ બચાવી’- DySP
ધરપકડ થયાની વિગતો ડી.વાય.એસ.પી. જે.પી.ભંડેરીએ આપી હતી. તથા તેમણે કહ્યું હતું કે, મહિલાના પતિનું અવસાન થયું હતું, તે પછી તેમણે બીજા લગ્ન કર્યા હતા. જે પછી મહિલા પોતાના બાળકો સાથે આ ગામમાં આવ્યા હતા. ત્યારે તેમના અગાઉના પતિના બહેન, તેનો પતિ અને અન્ય કોઈ મહિલાએ ભેગા થઈને તેમને લાકડીઓથી માર માર્યો હતો. કાતરથી વાળ કાપ્યા હતા. કેમ બીજા લગ્ન કર્યા તેની દાજ રાખી હતી. ભોગબનનાર બહેનના સાસુએ વચ્ચે પડીને તેમને બચાવ્યા હતા. બહેનના પિતાને આ અંગે જાણ થતા તેમણે ફરિયાદ કરી હતી અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ચાર પૈકીના બે આરોપીઓની ધરપકડ થઈ ગઈ છે અને અન્યની તપાસ ચાલુ છે.
નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ
આ મેસેજ તમામ મિત્રો ગ્રુપ માં શેર કરશો અને વોટ્સેપ સ્ટેટસ માં મુકીને મદદરૂપ થશો.
દેશ દુનિયાના સમાચારો મેળવવા આજે જ જોડાઓ કલતક 24 ન્યુઝ ગ્રુપ માં, તમારો નંબર અન્ય કોઈને ન દેખાય તે માટે પ્રાઈવસી સેટ કરવામાં આવેલી છે. જેથી નીડરતાથી આપ જોડાઈ શકો છો.