Surat News: બંદિવાનોના પુનઃસ્થાપન અને રોજગારી પ્રવૃત્તિના ભાગરૂપે સુરત શહેરની અઠવાલાઈન્સ સ્થિત વનિતા વિશ્રામ આર્ટ ગેલેરી ખાતે લાજપોર મધ્યસ્થ જેલના બંદિવાનો દ્વારા રચિત ચિત્રોના એક્ઝિબિશનને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી(HM Harsh Sanghavi)ના હસ્તે ખુલ્લુ મુકાયું હતું. આ પ્રસંગે કેન્દ્રીય રેલ્વે રાજયમંત્રી દર્શનાબેન જરદોશ(Darshana Jardosh) પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રદર્શન તા. 22 ઓગસ્ટ સુધી સવારે 10 થી સાંજના 5 વાગ્યા સુધી નિહાળી તથા ખરીદી શકાશે. આ અવસરે જેલ પ્રશાસન દ્વારા થતી અનેક પ્રવૃતિઓની કામગીરી સંલગ્ન ફિલ્મ સૌએ નિહાળી હતી.
પેન્ટિંગ એક્ઝિબીશનના ઇનોગ્રેશન કાર્યક્રમમાં ગુજરાતના જેલ વિભાગના એડિશનલ ડીજીપી ડોકટર કે એલ રાવ, સુરત શહેર પોલીસ કમિશનર સહિતના પોલીસ અધિકારીઓ, શહેરના અગ્રણીઓ ઉપરાંત કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશ પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે મંત્રી દર્શનાબેને જણાવ્યું કે, ભૂલ સ્વીકાર અને ભૂલ સુધાર એ માનવ જીવનને નવી ઊર્જા અને દિશા આપે છે. આજે વિશ્વ ફોટોગ્રાફી દિવસ છે. કલાક્ષેત્રમાં આગળ વધીને પ્રવૃતિમય જીવનમાં રંગો ભરી શકાય છે. નવા ભારતના નિર્માણ માટે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ઉચ્ચ સંકલ્પો લેવામાં આવે તે જરૂરી છે. વિશ્વકર્મા એટલે જેના હાથમાં કળા હોય, કારીગરોમાં છુપાયેલી કળાને ઉજાગર કરવા અને કલાકારોને રોજગારીની નવી તકો મળે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા PM વિશ્વકર્મા યોજના આગામી સમયમાં અમલી થઈ રહી હોવાનું તેમણે જણાવ્યું હતું.
જ્યારે ગૃહરાજ્યમંત્રીએ સુરતીઓને આહ્વવાન કરતા જણાવ્યું કે, અંગ્રેજોના સમયમાં કેદીઓને પ્રિઝનર્સ કહેવાતા, આજે તેઓના વ્યક્તિત્વને સુધારવા માટે બંદિવાન તરીકે સંબોધવામાં આવે છે. જેલમાં હંમેશા બે પ્રકારના લોકો આવતા હોય છે. એક રીઢા ગુનેગાર હોય કે જેની માનસિકતામાં ગુના સિવાય બીજો કોઈ વિષય હોતો નથી અને બીજા એવા વ્યક્તિ કે જે આક્રોશ કે ગુસ્સામાં ગુનો કરી બેસતા હોય છે.
આ એક્ઝિબિશનમાં લાજપોર જેલમાં રહેલા કેદી દ્વારા તૈયાર કરવામાં આવેલી પેઇન્ટિંગોને પ્રદર્શિત કરવામાં આવી હતી અને આ એક્ઝિબિશનમાં પેન્ટિંગના વેચાણ બાદ જે પણ ભંડોળ આવશે તેનો ઉપયોગ કેદીઓના પરિવાર માટે અને કેદી વેલ્ફેર ફંડમાં ઉપયોગમાં લેવામાં આવશે. તો કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા કાર્યક્રમ ઉપસ્થિત શહેરના અગ્રણીઓને અપીલ કરાઈ હતી કે, જ્યારે તેઓ કોઇપણ પ્રસંગે એકબીજાને સ્મૃતિ ભેટ આપતા હોય છે ત્યારે આ વખતે કેદીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી આ પેન્ટિંગની ખરીદી કરીને લોકોને સ્મૃતિ ભેટમાં આપવી.
જેલમાં બંદિવાનો સાથે સારુ વર્તન થાય, તેમની માનસિકતામાં પરિવર્તન આવે તેમજ જેલમાંથી મુકત થયા બાદ સભ્ય સમાજનો હિસ્સો બને તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. બંદિવાનો પણ સારા લેખક, ઉત્તમ ચિત્રકાર અને પારંગત રસોઈયા હોય છે. જેલમાં સંગીતના માધ્યમ દ્વારા વ્યક્તિની માનસિકતા બદલાવવા માટેના અનોખા પ્રયાસ થઈ રહ્યા છે. જેલના બે બંદિવાનોની ચિત્રકલાની રૂચિના પરિણામે 53 બંદિવાનોના જીવન પરિવર્તન કરવાનો ભગીરથ પ્રયત્ન થયો છે જે અભિનંદનપાત્ર હોવાનું તેમણે કહ્યું હતું.
આ અવસરે પોલીસ કમિશ્નર અજયકુમાર તોમરે રશિયાના બંદિવાન રૂબલનું દ્રષ્ટાંત આપતા જણાવ્યું કે, શબ્દો જે ન કરી શકે તેવી ભાવના ચિત્રો વ્યકત કરી શકે છે. જ્યાં શબ્દો નથી પહોંચી શકતા ત્યાં કલમ, રંગ અને કૃતિ દ્વારા બંદિવાનો પોતાની ભાવના વ્યકત કરે છે. સારી પ્રવૃતિઓને હંમેશા સમાજ પ્રોત્સાહન આપતો હોય છે જેથી વધુમાં વધુ શહેરીજનોને ચિત્રો ખરીદવાનો અનુરોધ કર્યો હતો.
આ અવસરે લાજપોર મધ્યસ્થ જેલના અધિક્ષક જે.એન.દેસાઈએ જણાવ્યું કે, સ્કીલ ડેવલપમેન્ટ દ્રારા બંદિવાનો રોજગારી મેળવી શકે તે માટે ભગીરથ પ્રયત્નો કરવામાં આવે છે. 130 જેટલા ચિત્રોના વેચાણ થકી થતી આવકના 50 ટકા રકમ કેદી વેલફેર ફંડમાં તથા 50 ટકા રકમ બંદિવાનોના ખાતામાં જમા કરવામાં આવશે. આ પ્રવૃતિઓથી બંદિવાનોને નવી ઉર્જા મળશે.
સુરતના કેપી એનર્જી ગ્રુપના ઉદ્યોગપતિ ફારૂક પટેલે કેદીઓએ બનાવેલા તમામ પ્રિન્ટિંગો ખરીદી લઈ 11.16 લાખ જેટલી રકમ ચૂકવી આપી હતી. એટલું જ નહીં તેમણે પેઇન્ટિંગ ખરીદ્યા બાદ પણ ચાર દિવસ એક્ઝિબિશન શરૂ રાખ્યું હતું. લખાયેલી કિંમત કરતા વધુ કિંમત આપી કોઈ લઈ જતું હોય તો તેને તે પેઇન્ટિંગ આપી દઈ તે તમામ રકમ પણ જેલના કેદીઓ અને કેદી ફંડમાં આપવાની જાહેરાત કરી છે.
સુરતના જ એક ઉદ્યોગપતિ દ્વારા બે કલાકમાં જ તમામ પેઇન્ટિંગની ખરીદી કરવામાં આવી હતી. આ તમામ પેઇન્ટિંગની ખરીદી સુરતના કેપી એનર્જી ગ્રુપના ઉદ્યોગપતિ ફારૂક પટેલે કરી છે. ફારૂક પટેલે પેઇન્ટિંગ માટે 11.16 લાખ જેટલી રકમ ચૂકવી આપી હતી. આ ઉપરાંત તેમને એવું પણ જણાવ્યું હતું કે તેમને પેઇન્ટિંગ ખરીદી લીધી છે પરંતુ જો કોઈ વ્યક્તિ વધારે પૈસા આપીને ફરીથી આ પેન્ટિંગ ખરીદવા ઇચ્છતા હોય તો તેમને આ પેઇન્ટિંગ આપવામાં આવશે.
આજીવન સજાના કેદી જીતેન્દ્ર મોર્યએ પ્રદર્શનમાં રજૂ કરેલા 23 ચિત્રો પૈકીનું એક ચિત્ર આંખે વળગીને ઉડી આવે તેવો અદભુત મેસેજ આપતો હતો. આ ચિત્રમાં તેણે જેલમાં બંધ કેદીઓની વેદનાને જ અદભુત રીતે વર્ણવી હતી. જીતેન્દ્ર મોર્યએ આ ચિત્ર વિશે જણાવ્યું હતું કે, જેલમાં બંધ કોઈપણ કેદી આઝાદ થવા માગતો હોય છે. જેલમાં આવ્યા પછી તેના કારણે ફેમિલી ઘણી હેરાન થાય છે એટલે ભૂલથી પણ ગુનો ન થવો જોઈએ અને જેલમાં ન આવવું જોઈએ એ અમારો મેસેજ છે. જે માટે આ ચિત્રમાં ચાર જેટલા પક્ષીઓને જુદી-જુદી રીતે બતાવ્યા છે. એક પક્ષી એવું છે કે, જે જેલમાં રહીને જ મૃત્યુ પામ્યું. બે પક્ષીને સાંકળ બાંધી છે અને ઉડીને આઝાદ થવા માંગે છે પણ થઈ નથી શકતા. જ્યારે એક પક્ષી જેલમાંથી આઝાદ થતાં મુક્ત અનુભવે છે. જેને જોઈ અન્ય બે પક્ષીઓ પ્રયત્ન કરે છે પણ સફળતા નથી મળતી. આ જેલના કેદીઓની આઝાદી માટેની વ્યથા છે.
લાજપોર જેલ પ્રશાસન દ્વારા આત્મિયતા કેળવી તેમની ચિત્રકલાને બિરદાવવા એક પ્લેટફોર્મ તૈયાર કરાયું છે. જેલની લાયબ્રેરીમાં 18થી વધુ પુસ્તકો અને એક હજારથી વધુ સામયિકો છે. જે પહેલા મહિને 700 જેટલા પુસ્તકો ઈસ્યુ થતા હતા તે આજે વધીને 2400 જેટલા પુસ્તકો ઈસ્યુ થાય છે.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube