પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એશિયાની સૌથી મોટી બનાસડેરીના સણાદર પ્લાન્ટનું ઉદ્ધાટન કરવાના છે. જેમાં બે લાખ કરતા વધુ પશુપાલક બહેનો કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ત્યારે તેઓ બનાસકાંઠા પહોંચી ગયા છે. પ્રધાનમંત્રીએ શંકર ચૌધરી સાથે બનાસ ડેરીના નવા પ્રકલ્પોનું નિરીક્ષણ કર્યું હતું. ત્યાર બાદ સ્ટેજ પર તેમનુ પશુપાલક મહિલાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ હતું. આ વેળાએ એક પશુપાલક મહિલાએ લાડીલા વડાપ્રધાનના ઓવારણા લીધા હતા. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી છે. ત્યારે પીએમ મોદીએ બનાસ ડેરીના વિવિધ પ્રોજેક્ટનું બટન દબાવીને લોકાર્પણ કર્યું.
સીઆર પાટીલે સંબોધનમાં કહ્યુ કે, આ બહેનો રાજકુમારી જેવી છે. બનાસકાંઠાની બહેનો કોઈ પાણી માંગે તો દૂધ આપે તેવી છે. અહી પાણીની અછતને કારણે ખેતી અને ધંધો ઓછો હતો. પણ તમે શ્વેતક્રાંતિ કરીને જે તાકાત ઉભી કરી છે તેના માટે અભિનંદન. સાથે જ બનાસ ડેરીએ જો આ સુંદર આયોજન કર્યુ ન હોત અને પશુપાલકોના દૂધને યોગ્ય રીતે વેચાણની વ્યવસ્થા ન કરી હોત તો આ શક્ય ન હોત. આ પ્લાન્ટમાં બટાકા નાંખશો તો સોનુ નહિ નીકળે, પણ ચિપ્સ બનશે અને ચિપ્સ વેચીને તમે સોનુ ખરીદી શકશો.
બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યુ હતું કે, પીએમ મોદીએ આવીને બનાસકાઁઠા જિલ્લાનુ માન વધાર્યુ છે. તમે જ્યારે આવ્યા છો ત્યારે અહીના લોકોને નવુ વિઝન આપ્યુ છે. નવા વિચારો આપ્યા છે, જેથી અહીંનો વિકાસ થયો છે. તમે વિઝન આપ્યુ હતુ કે, પાણી બનાસની સમસ્યા છે. સીધેસીધી વાત તેમણે કહી હતી, ત્યારે આજે બનાસવાસીઓને આ વાત સાચી લાગે છે. ખેતીમાં તેમણે નવુ વિઝન આપ્યું, જેથી ઉત્પાદન વધ્યુ. સાથે જ મધુમાખી પાલનના તેમના વિચારથી પણ અહીંના લોકો સુખી થયા છે.
બનાસકાંઠામાં જતા પહેલા પોતાના વ્યસ્ત શિડ્યુલમાંથી સમય કાઢીને તેમણે માતા હિરાબાને ફોન કર્યો હતો. પ્રધાનમંત્રી મોદીએ માતા હિરાબા સાથે ટેલિફોનિક વાત કરી હતી. માતાના ખબર-અંતર પૂછી પ્રધાનમંત્રી મોદીએ પરિવારજનો સાથે પણ વાત કરી હતી. માતાની તબિયતની જાણકારી PM એ મેળવી. બનાસકાંઠાની મુલાકાત પહેલા પીએમએ ટ્વીટ કર્યું છે. જેમાં તેમણે લખ્યું કેહું ફરીથી બનાસ ડેરી જઈ રહ્યો છું. છેલ્લે મે 2016માં ડેરીની મુલાકાત લીધી હતી. તો2013માં પણ હું બનાસ ડેરી ગયો હતો. સાથે જ તેમણે ટ્વીટ કર્યું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં બનાસ ડેરીએ સ્થાનિકોનું સશક્તિકરણ કર્યું છે. ખાસ કરીને ખેડૂતો અને સ્ત્રીઓના સશક્તિકરણમાં બનાસ ડેરીનો મોટા હાથ છે. બનાસ ડેરીમાં કાંઈક નવું કરવાનો ઉત્સાહ છે. આ સાથે જ બનાસકાંઠાના લોકોની મહેનત અને ઉત્સાહના પીએમએ વખાણ કર્યા છે. PM મોદીએ 2013 અને 2016ના કાર્યક્રમમના ફોટો શેર કર્યા છે.
બનાસકાંઠામાં પીએમ મોદીનું શિડ્યુલ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બનાસકાંઠાની મુલાકાતે છે અને બનાસકાંઠાને ભેટ આપવા જઈ રહ્યા છે. પીએમ મોદી 600 કરોડના ખર્ચ બનેલા બનાસ ડેરીના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરવાના છે. આ ઉપરાંત બનાસ રેડિયોનું પણ ઉદ્ઘાટન કરશે. તથા પીએમ મોદી પોતાનો સંદેશ પણ રેકોર્ડ કરાવશે. તથા પ્રધાનમંત્રી મોદી રેડિયો સ્ટેશનના બિલ્ડિંગમાં જ આત્મનિર્ભર મહિલા પશુપાલકો સાથે સંવાદ કરશે અને બનાસ ડેરીથી તેમના જીવનમાં આવેલા પરિવર્તન વિશે વાત કરી 15થી 20 મિનિટ જેટલો સમય આ સંવાદમાં વિતાવશે. ત્યારબાદ પીએમ મોદી બનાસ ડેરીના નવા પ્લાન્ટને ખુલ્લો મુકશે અને પ્લાન્ટના અલગ-અલગ પ્રકલ્પોની મુલાકાત લેશે તથા બટાટા પ્રોસેસીંગ યુનિટનું પણ લોકાર્પણ કરશે તેમજ પીએમ મોદી વર્ચ્યુઅલી 4 ગોબર ગેસ પ્લાન્ટનું પણ ભૂમિ પૂજન કરશે. ત્યારબાદ સભા સ્થળે 3 લાખથી વધુ મહિલા પશુપાલકોને સંબોધન કરશે. પ્રધાનમંત્રી મોદીની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ અને બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી પણ ઉપસ્થિત રહેશે.
I am delighted to be visiting @banasdairy1969 yet again. I had last visited the Dairy in 2016. That time a series of products of the Dairy were launched. I had also visited the Dairy in 2013. Here are glimpses from both programmes. pic.twitter.com/J8xlTPHT6e
— Narendra Modi (@narendramodi) April 19, 2022
પ્રધાનમંત્રીના આગમનને લઈને દિયોદરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. 3500 પોલીસ જવાનોને દિયોદરમાં ખડેપગે છે. દિયોદર શહેર તથા સણાદરનો બનાસ ડેરી પ્લાન્ટ પોલીસ છાવણીમાં ફેરવાયો છે. 1 એડી આઈજી, 1 આઈજી, 2 ડીઆઈજી, 9 એસપી, 16 ડીવાયએસપી, 54 પીઆઇ, 178 પીએસઆઇ સહિત અનેક પોલીસ અધિકારીઓ તૈનાત કરાયા છે. 9 બૉમ્બ સ્કોર્ડની ટીમ, 5 ડોગ સ્નેપર સહિત અનેક સુરક્ષા એજન્સીઓ દિયોદરમાં ખડેપગે છે.
બનાસકાંઠા બાદ આજે જામનગરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો રોડ શો યોજાશે. જામનગરમાં WHO ના પારંપરિક દવા કેન્દ્રનો શિલાન્યાસ કરશે. આ પ્રસંગે મોરિશિયસના પીએમ અને WHOના મહાનિર્દેશક ઉપસ્થિત રહેશે.